ક્ષિતિજ (સામયિક) : ગુજરાતી સાહિત્યની ક્ષિતિજો વિસ્તારવાની નેમવાળું માસિકપત્ર. તેની શરૂઆત જુલાઈ, 1959માં થઈ હતી અને તેનો છેલ્લો અંક ફેબ્રુઆરી, 1967માં બહાર પડ્યો હતો. આરંભનાં બે વર્ષોમાં સંપાદક તરીકે પ્રબોધ ચોકસી હતા અને જુલાઈ, 1961થી સુરેશ જોષી પણ સંપાદક તરીકે જોડાયા હતા. પહેલા વર્ષે આ સામયિક ભૂદાન તથા સર્વોદયની વિચારણા વિશેષ પ્રમાણમાં પ્રગટ કરતું હતું. પણ બીજા જ વર્ષથી એની કાયાપલટ થવા માંડી હતી. આ માત્ર સાહિત્યનું સામયિક ન બની રહેતાં લલિતકલાઓ અને ઇતર માનવવિદ્યાઓનું ઉત્કૃષ્ટ સામયિક બની રહ્યું. તેણે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનું વાતાવરણ જન્માવવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. આ સામયિકે વિશ્વભરની ઉત્તમ સાહિત્યકૃતિઓના અનુવાદો આપીને તથા વિશ્વના શ્રેષ્ઠ સર્જકોનો પરિચય કરાવીને ગુજરાતી સાહિત્યની ક્ષિતિજો વિસ્તારી છે. નવલકથા વિશેષાંક તથા કલા વિશેષાંક તેના નોંધપાત્ર અંક હતા.
શિરીષ પંચાલ