ક્ષારરાગીઓ (halophiles) : ઊંચી સાંદ્રતાવાળા ક્ષારયુક્ત માધ્યમમાં જીવવા માટે અનુકૂલન પામેલા બૅક્ટેરિયા. ક્ષારની સાંદ્રતા સહન કરવાની ર્દષ્ટિએ ક્ષારરાગી બૅક્ટેરિયાના ચાર પ્રકાર છે : (1) અલ્પ (slight) ક્ષારરાગી (મીઠાનું પ્રમાણ 1.2 %થી 3 %); દા.ત., દરિયાઈ સૂક્ષ્મ જીવો; (2) મધ્યમ ક્ષારરાગી (મીઠાનું પ્રમાણ 3 %થી 15 %); દા.ત., Vibrio costicola; (3) ઊંચી સાંદ્રતા(પ્રમાણ 9 %થી 25 %)માં વસનારા દા.ત., પ્રકાશસંશ્લેષી બૅક્ટેરિયા Ectothiorhodospira holophila અને (4) તીવ્ર (extreme) સાંદ્રતામાં (મીઠાનું પ્રમાણ 15થી 30 %) વસનાર; દા.ત., Halobacterium salinarium. કેટલાક બૅક્ટેરિયા અલ્પ કે ઊંચી સાંદ્રતામાં પણ રહી શકે છે.

ક્ષારરાગી બૅક્ટેરિયાની કોષદીવાલનું બંધારણ કોષરસપડના લિપિડો અને રિબોઝોમા, અન્ય બૅક્ટેરિયામાં હોય તેના કરતાં જુદા પ્રકારના હોય છે અને તેમનો સમાવેશ Archaebacteria વર્ગમાં કરવામાં આવે છે.

લાલ રંગના ક્ષારરાગી બૅક્ટેરિયા ઉચ્ચ ક્ષારકીય પર્યાવરણમાં રહેવા માટે ખાસ અનુકૂલન પામેલા હોય છે. તેમાંના દંડાકાર (rod shaped) બૅક્ટેરિયા Halobacteria પ્રજાતિના હોય છે અને તેમની દીવાલ સહેલાઈથી વિરૂપિત (distorted) થાય છે. Halococcus પ્રજાતિના બૅક્ટેરિયા ગોળાકાર હોય છે. તેમની દીવાલ અત્યંત મજબૂત હોય છે. લાલ રંગના બૅક્ટેરિયાને લીધે ક્ષારવાળાં તળાવોનો રંગ લાલ દેખાય છે. મીઠામાં આથવેલી (salted) માછલીની ત્વચા પણ ક્ષારરાગી બૅક્ટેરિયાને લીધે લાલ બને છે. બૅક્ટેરિયાનો લાલ રંગ બૅક્ટેરિયોરુબેરિન રંજકદ્રવ્યોને આભારી હોય છે. આ કણો બૅક્ટેરિયાને પ્રખર સૂર્યપ્રકાશનાં કિરણોથી રક્ષણ આપે છે.

હૅલો બૅક્ટેરિયાનાં પ્રોટીનો અમ્લિક હોય છે. જો તેમનું માધ્યમ મંદ સાંદ્રતાવાળું બને તો કોષો વિઘટન પામે છે અને ઓગળી જાય છે. હૅલોકૉકસ બૅક્ટેરિયા મીઠાના અભાવે વિઘટન પામતા નથી. હૅલો બૅક્ટેરિયાના માધ્યમમાં જો ઑક્સિજનનું પ્રમાણ મર્યાદિત બને તો તેમના કોષરસપડ પર નીલ-લોહ (purple) રંગનાં ટપકાં થાય છે. આ ટપકાંમાં પ્રોટીન અને રેટિનલના સંયોજનથી બનેલા નીલલોહ રંગના બૅક્ટેરિયા – હોડ્રોપ્સિન કણો આવેલા હોય છે. આ કણોની અસર હેઠળ કોષમાં ઉચ્ચ કાર્યશક્તિ ATP-ના અણુઓનું ઉત્પાદન થાય છે.

મંદ ક્ષારયુક્ત માધ્યમમાં રહેનાર બૅક્ટેરિયામાં આવેલા મોટા ભાગના ઉત્સેચકો ક્ષારહીન માધ્યમમાં વધુ સક્રિય બને છે. દરિયામાં વસતા Alteromonas-haloplanktis અને મધ્યમ દ્રાવણમાં વસનાર Vibrio costicola બૅક્ટેરિયામાં પોષક દ્રવ્યોના વહનમાં અને કોષરસપડની કાર્યશીલ અવસ્થા જાળવવા માટે NaCl આવશ્યક હોય છે.

પ્રમોદ રતિલાલ શાહ