ક્ષારતાણ : મૃદા(soil)માં ક્ષારોના થતા વધુ પડતા જમાવને કારણે વનસ્પતિઓમાં ઉદભવતી દેહધાર્મિક તનાવ સ્થિતિ. સોડિયમ (Na+)ની વધુ પડતી સાંદ્રતાને સોડિયમતા (sodicity) અને કુલ ક્ષારોની ઊંચી સાંદ્રતાને ક્ષારતા (salinity) કહે છે. સોડિયમયુક્ત મૃદામાં સોડિયમની ઊંચી સાંદ્રતા વનસ્પતિને ઈજા પહોંચાડે છે; એટલું જ નહિ, પરંતુ છિદ્રાળુતા અને પાણીની પારગમ્યતા ઘટાડી મૃદાના ગઠનની ગુણવત્તા બગાડે છે. ક્ષારયુક્ત માટી (caliche) તરીકે જાણીતી સોડિયમવાળી માટી એટલી અપારગમ્ય અને સખત હોય છે કે તેને ખોદવા કેટલીક વાર ડાઇનેમાઇટની જરૂર પડે છે.
ક્ષારોદભિદ (halophytic) વનસ્પતિઓ ક્ષારયુક્ત મૃદામાં વસવાટ ધરાવે છે અને તેમનું જીવનચક્ર ત્યાં પૂર્ણ કરે છે; પરંતુ અક્ષારોદભિદ (non-halophyte) વનસ્પતિઓ ક્ષારોદભિદ વનસ્પતિઓની જેમ ક્ષારોનો સામનો કરવાની ક્ષમતા ધરાવતી નથી. સાંદ્રતા-સીમા(threshold concentration)થી વધુ સાંદ્રતાએ અક્ષારોદભિદ વનસ્પતિઓ વૃદ્ધિમાં અવરોધ, પર્ણોનું વિરંજન (discoloration) અને શુષ્ક વજનમાં ઘટાડો જેવાં ચિહનો દર્શાવવાં શરૂ કરે છે.
મકાઈ, ડુંગળી, લીંબુ, પીકન (Carya illinoensis), લેટિસ (lactuca sativa) અને વાલ ક્ષાર માટે અતિસંવેદી વનસ્પતિઓ છે. કપાસ અને જવ મધ્યમ સહિષ્ણુ અને બીટ અને ખજૂર ઉચ્ચ સહિષ્ણુ વનસ્પતિઓ છે. લૂણો (suaeda maritima) અને જંગલી પાલખ (Atriplex stocksii) જેવી ક્ષાર માટેની ઉચ્ચ સહિષ્ણુ વનસ્પતિઓ સંવેદી જાતિઓ માટે વિનાશક સાંદ્રતા કરતાં ઘણી વધારે તેની સાંદ્રતાએ પણ વૃદ્ધિની ઉત્તેજના દર્શાવે છે.
મૂળની આસપાસના પ્રદેશમાં ઓગળેલા ક્ષારોને કારણે મૃદાનો જલવિભવ (water potential) નીચો જાય છે; તેથી વનસ્પતિના જલસંતુલનને અસર થાય છે. આ ઓગળેલા ક્ષારોની અસર મૃદામાં પાણીની થતી અછત જેવી હોય છે. ક્ષારયુક્ત મૃદામાં થતી મોટા ભાગની વનસ્પતિઓ આસૃતિ(osmosis)ની ગોઠવણ કરી સ્ફીતિ(turgor)માં થતા ઘટાડાને અટકાવે છે. સ્ફીતિના ઘટાડાથી કોષની વિસ્તરણની ક્રિયા ધીમી થાય છે.
કોષોમાં Na+ K+નો અસાધારણ ઊંચો ગુણોત્તર અને કુલ ક્ષારોની ઊંચી સાંદ્રતા ઉત્સેચકોને નિષ્ક્રિય બનાવે છે અને પ્રોટીનસંશ્ર્લેષણને અવરોધે છે. કપાસના મૂળ રોમના રસસ્તરમાંથી Na+ની ઊંચી સાંદ્રતાને કારણે તેનાં આયનો Ca2+નું વિસ્થાપન કરે છે. હરિતકણમાં Na+ અને / અથવા Cl–ની વધુ પડતી સાંદ્રતાએ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા અવરોધાય છે. પ્રકાશસંશ્લેષી વીજાણુપરિવહન ક્ષારો માટે પ્રમાણમાં અસંવેદી હોવાને કારણે કાં તો કાર્બન ચયાપચય અથવા પ્રકાશ ફૉસ્ફૉરીકરણ (photophosphorylation)ની પ્રક્રિયા પર અસર થાય છે.
વનસ્પતિઓ પ્રરોહમાં આવેલી વર્ધનશીલ પેશીઓ અને પર્ણ દ્વારા ક્ષારોનું ઉત્સર્જન કરી ક્ષારીય ઈજાને લઘુતમ બનાવે છે. ક્ષારોદભિદ વનસ્પતિઓના પ્રરોહના કોષોમાં આયન-સંચયન માટેની ક્ષમતા અક્ષારોદભિદ વનસ્પતિઓ કરતાં વધારે હોય છે. તીવાર (Avicennia officinalis), લાલ જવ (Tamarix sp.) અને જંગલી પાલખ જેવી ક્ષારરોધી વનસ્પતિઓ આયનોનો નિકાલ મૂળ દ્વારા કરતી નથી; પરંતુ પર્ણોની સપાટીએ આવેલી ક્ષારગ્રંથિઓ દ્વારા કરે છે. આયનોનું વહન આ ક્ષારગ્રંથિઓ તરફ થાય છે, જ્યાં તેમનું સ્ફટિકીકરણ થાય છે. અહીં થતું આ સ્ફટિકીકરણ નુકસાનકારક હોતું નથી.
આસૃતિવિભવ(osmotic potential)માં ઘટાડો કરવા માટે બે પ્રક્રિયાઓ ફાળો આપે છે : રસધાની(vacuole)માં આયનોનું સંચયન અને કોષરસ-આધારક(cytosol)માં સંગત (compatible) દ્રાવ્ય પદાર્થોનું સંશ્લેષણ. દ્રાવ્ય પદાર્થોના સંશ્લેષણમાં ગ્લાયસિન, બિટેઇન, પ્રોલિન, સૉર્બિટોલ અને સુક્રોઝનો સમાવેશ થાય છે. આ પદાર્થોના સંશ્લેષણમાં કાર્બનના મોટા જથ્થા (વનસ્પતિના વજનના લગભગ 10 % જેટલા)નો ઉપયોગ થાય છે. કૃષિપાકોમાં કાર્બનના આ માર્ગપલટા(diversion)થી ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
ચેતના માંડવિયા
બળદેવભાઈ પટેલ