ક્ષય, પેટનો : પેટના પોલાણ (પરિતનગુહા, peritoneal cavity)માં ક્ષયનો રોગ થવો તે. તે લોહી દ્વારા, આંતરડા કે આંત્રપટ(mesentry)માંની રોગગ્રસ્ત લસિકાગ્રંથિ(lymph node)માંથી ફેલાઈને પરિતનગુહામાં ફેલાય છે. પરિતનગુહાની અંદરની દીવાલ રૂપે પરિતનકલા (peritonium) છે. પરિતનકલાના ચેપજન્ય વિકારને પરિતનકલાશોથ (peritonitis) કહે છે અને તેના પોલાણમાં પ્રવાહી ભરાય તો તેને જળોદર (ascites) કહે છે. ક્ષયના જીવાણુના ચેપથી થતો પરિતનકલાશોથ લાંબા ગાળાનો અને તંતુમય હોય છે. તેને કારણે આંતરડાં ચોંટી જાય છે. પેટને સ્પર્શ કરતાં તે કણક (dough) જેવું લાગે છે. પેટમાં દુખાવો, સ્પર્શવેદના (tenderness) અને ગાંઠો થાય છે. દર્દીને ધીમો તાવ આવે છે, તેની ભૂખ મરી જાય છે અને વજન ઘટે છે. પેટમાં ભરાયેલા પ્રવાહીમાં ભાગ્યે જ ક્ષયના જીવાણુ દર્શાવી શકાય છે. ક્ષયવિરોધી દવાની ઘણી સારી અસર થાય છે. ક્યારેક ફક્ત બરોળ (spleen) કે યકૃત(liver)ના ક્ષયનો રોગ થાય છે.

શિલીન નં. શુક્લ