ક્ષય, પરિહૃદ્ (pericardial) : હૃદયની આસપાસના આવરણમાં થતો ક્ષયનો રોગ. હૃદયની આસપાસ બે પડવાળું પરિહૃદ્-કલા (pericardium) નામનું આવરણ છે, તેમાં પરિહૃદગુહા (pericardial cavity) નામની જગ્યા આવેલી છે. તેના ચેપજન્ય શોથ(inflammation)ને પરિહૃદ્-કલાશોથ (pericarditis) કહે છે અને તેમાં પ્રવાહી ભરાવાની ક્રિયાને પરિહૃદ્-નિ:સરણ (pericardial effusion) કહે છે. હૃદયની નજીકની કોઈ ક્ષયગ્રસ્ત લસિકાગ્રંથિ (lymph node) પરિહૃદ્-ગુહામાં ફાટે ત્યારે અથવા લોહી દ્વારા ફેલાઈને ક્ષય પરિહૃદ્કલાને અસરગ્રસ્ત કરે ત્યારે તાવ, છાતીમાં દુખાવો, પરિહૃદ્-લક્ષી ઘર્ષણસ્વર (friction rub) વગેરે ઉદભવે છે. ક્યારેક પરિહૃદગુહામાં ઘણું પ્રવાહી એકઠું થાય ત્યારે તે હૃદય પર દબાણ લાવે છે અને તેને હૃદ્-અતિદાબ (cardiac temponade) કહે છે. તે કટોકટીભરી તત્કાલ સંકટ(emergency)ની પરિસ્થિતિ ગણાય છે અને પરિહૃદગુહામાંનું પ્રવાહી તરત કાઢવું પડે છે. ક્ષય- વિરોધી દવાઓ અને કૉર્ટિકોસ્ટીરૉઇડ વડે સારવાર કરાય છે. નિયમિત સારવાર કરવામાં આવે તો 2થી 4 વર્ષે ક્યારેક પરિહૃદ્-કલામાં તંતુતા (fibrosis) વધે છે અને તેને કારણે હૃદયના પહોળા થવાની અને સંકોચાવાની ક્રિયામાં વિક્ષેપ ઉદભવે છે. તેને સંકોચકારી પરિહૃદ્-શોથ (constrictive pericarditis) કહે છે. તેમાં સમય જતાં કૅલ્શિયમ જમા થાય છે. તેની શરૂઆતના તબક્કામાં શસ્ત્રક્રિયા કરીને હૃદય પરનું દબાણ દૂર કરાય છે.

શિલીન નં. શુક્લ

નલિન ઝવેરી