ક્ષય, પરિફેફસી (pleural) : ફેફસાંની આસપાસના આવરણમાં ક્ષયનો રોગ થવો તે. ફેફસાંની આસપાસ બે પડવાળું પરિફેફસીકલા (pleura) નામનું આવરણ છે. તેનાં બંને પડ વચ્ચેની જગ્યા(અવકાશ)ને પરિફેફસી ગુહા (pleural cavity) કહે છે. પરિફેફસી ક્ષય હંમેશાં ફેફસાંના ક્ષય રોગની સાથે જોવા મળે છે. પરિફેફસીકલાની નીચે ફેફસાંમાં ક્ષયની લઘુગંડિકા (tubercle) થાય છે. તેનો તંતુમય શોથ (inflammation) પ્રસરવાથી છાતીમાં દુખાવો ઉદભવે છે. ત્યાર બાદ પરિફેફસી ગુહામાં પ્રવાહીનું નિ:સરણ (effusion) થવાથી ત્યાં પ્રવાહી ભરાય છે અને તેને પરિફેફસી નિ:સરણ કહે છે. તે પ્રાથમિક અને પ્રાથમિકોત્તર ક્ષયમાં ઘણી વખત જોવા મળે છે. તેનાં લક્ષણોની શરૂઆત ઝડપી અથવા ધીમી હોય છે. તાવ, ખાંસી, છાતીમાં દુખાવો થાય છે. પરિફેફસીકલાનાં બે પડ એકબીજા પર સરકતી વખતે ઘસાય છે. તેથી ઘર્ષણસ્વર (friction rub) ઉદભવે છે. છાતી પર હાથ મૂકીને દબાવવાથી ઘર્ષણસ્વરની ધ્રુજારી અનુભવી શકાય છે અને સ્ટેથોસ્કોપ વડે તે સાંભળી શકાય છે. પરિફેફસી ગુહામાં પ્રવાહી ભરાય ત્યારે બંને પડ અલગ થાય છે અને ઘર્ષણસ્વર ઉત્પન્ન થતો બંધ થાય છે. પરિફેફસી ગુહામાં ભરાતા પ્રવાહીને પરિફેફસી તરલ (pleural fluid) કહે છે. તેને નિદાન અને સારવાર માટે બહાર કાઢવામાં આવે છે. તેમાં મોટે ભાગે ક્ષયના જીવાણુ દર્શાવી શકાતા નથી. ક્ષયવિરોધી દવાઓ વડે સારવાર કરાય છે. જરૂરી કિસ્સામાં કૉર્ટિકોસ્ટીરૉઇડ અપાય છે. ક્યારેક પેરિફેફસી ગુહામાં ક્ષયજન્ય પરુ ભરાય છે તેને ક્ષયજન્ય પરિફેફસી-સપૂયતા (empyema) કહે છે. તે કરોડના મણકાના ક્ષયના રોગીને તથા શ્વસનનલિકા અને પરિફેફસી ગુહા વચ્ચે સંયોગનળી (broncho-pleural fistula) થાય તો જોવા મળે છે.
શિલીન નં. શુક્લ
નરેન્દ્ર રાવળ