ક્ષય, આંતરડાનો : આંતરડામાં ક્ષયનો રોગ થવો તે. બિનપાસ્ચ્યુરાઇઝ્ડ દૂધ એમ. બોવાઇન જીવાણુનું વાહક છે અને તેના વ્યાપક ઉપયોગને લીધે પહેલાં આંતરડાનો ક્ષય વધુ જોવા મળતો હતો. અત્યારે પણ આંતરડામાં જ પ્રાથમિક ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓ હોય છે. તેમનામાં કયા માર્ગે જીવાણુ પ્રવેશ્યા હશે તે નિશ્ચિત કરી શકાયું નથી. પાચનમાર્ગમાં ગમે તે અવયવમાં ક્ષય થાય છે; પરંતુ સૌથી વધુ કિસ્સામાં મોટા અને નાના આંતરડાના મિલનસ્થાન અંતાંત્ર-અંધાંત્ર વિસ્તાર (ileo-caecal area) અસરગ્રસ્ત હોય છે. ક્ષયને કારણે ચાંદું થાય છે અથવા સોજો આવે છે અને તેથી દુખાવો, ઝાડામાં લોહી પડવું, આંતરડામાં કાણું પડવું, આંતરડાના બે ભાગ વચ્ચે સંયોગનળી (fistula) થવી, આંતરડામાં અવરોધ પેદા થવો, વગેરે એક કે વધુ તકલીફો ઉદભવે છે. શરૂઆતમાં અવિશિષ્ટ (nonspecific) લક્ષણો થાય છે અને દર્દીને વારાફરતી કબજિયાત અને ઝાડા થયા કરે છે. ક્રોહ્મનો રોગ અને ક્ષય બંને તંતુમય ચિરશોથગડ (fibro-granuloma) કરતા રોગો છે અને તેથી તેમનાં ચિહનો અને લક્ષણો ઘણે અંશે સમાન હોય છે. તેમને અલગ પાડવાં જરૂરી ગણાય છે. મોટા આંતરડાના ક્ષયને કૅન્સર, અંધનાલિશોથ (diverticulitis) અને મોટા આંતરડાના શોથકારી (inflammatory) રોગથી અલગ પાડવા પડે છે. ક્ષયવિરોધી દવા આપીને અને જરૂર પડ્યે શસ્ત્રક્રિયા કરીને સારવાર કરાય છે.
નવીન પરીખ
સોમાલાલ ત્રિવેદી
શિલીન નં. શુક્લ