ક્ષતિપૂર્તિ (માનસશાસ્ત્ર)
January, 2010
ક્ષતિપૂર્તિ (માનસશાસ્ત્ર) : પોતાની એક ક્ષેત્રની ઊણપ દૂર કરવા અન્ય ક્ષેત્રમાં સિદ્ધિ કે કુશળતા મેળવવાનો વ્યક્તિનો પ્રયાસ. ક્ષતિપૂર્તિ, કે પૂરક પ્રવૃત્તિ (compensation) બચાવ-પ્રયુક્તિ છે. બચાવ-પ્રયુક્તિ એટલે અહમને ઠેસ પહોંચાડતી હતાશા સામે પોતાની જાતનું રક્ષણ કરવા અજ્ઞાતપણે પ્રયોજાતી વર્તનરીતિ. લેહનર અને ક્યૂબ ક્ષતિપૂર્તિનો સમાવેશ આક્રમક બચાવ-પ્રયુક્તિઓ(attack mechanisms)માં કરે છે. આક્રમક પ્રયુક્તિઓમાં વ્યક્તિ કેવળ બચાવ કરવાને બદલે સમસ્યા ઉકેલવા પ્રયાસ કરે છે. જોકે વ્યક્તિનો હેતુ તો અપર્યાપ્તતા, અપરાધ કે ચિંતાની લાગણીઓ સામે પોતાની જાતનું રક્ષણ કરવાનો જ હોય છે.
ક્ષતિપૂર્તિ અપર્યાપ્તતા અને નિષ્ફળતાને પહોંચી વળવાનો પ્રયાસ છે. ક્ષતિપૂર્તિ એટલે વત્તેઓછે અંશે અભાનપણે પ્રેરિત વર્તન જેનો હેતુ વ્યક્તિને તેનામાં લાગતી ઊણપને પહોંચી વળવાનો હોય. દા.ત.; અભ્યાસમાં નબળો વિદ્યાર્થી સાંસ્કૃતિક પ્રવૃત્તિ કે રમતગમતના ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવા પ્રયાસ કરે. ઘણી વ્યક્તિઓ શારીરિક ઊણપની ક્ષતિપૂર્તિ માટે અન્ય શક્તિ કે કૌશલ્ય ખીલવે છે. આવી ક્ષતિપૂર્તિરૂપ પ્રવૃત્તિઓ ઘણી વાર ઉત્પાદક અને સામાજિક રીતે પુરસ્કૃત સિદ્ધિઓ તરફ દોરી જાય છે. થિયોડૉર રૂઝવેલ્ટ બાળક તરીકે નબળા હતા અને પછીથી બાહોશ ઘોડેસવાર બન્યા. બિંગ ક્રૉસબીને બાળવયમાં ગળાની તકલીફ હતી અને આગળ જતાં તે અમેરિકાના લોકપ્રિય ગાયક બન્યા. બીથોવન બધિર હતા, પરંતુ બહેરાશથી હતાશ થવાને બદલે પોતાની શક્તિઓને સંગીતસાધનામાં વાળી તે મહાન સંગીતકાર બન્યા. તે જ રીતે રમતગમતમાં સફળતાપૂર્વક સ્પર્ધા ન કરી શકનાર માંદલો છોકરો કદાચ તેની બૌદ્ધિક શક્તિઓ વિકસાવીને ક્ષતિપૂર્તિ કરે, કદાચ એની બૌદ્ધિકતા નીચી હોય તોપણ અભ્યાસમાં ધ્યાન આપીને અને સહકારયુક્ત વલણ દાખવીને શિક્ષકોનો પ્રશંસાપાત્ર બને. આ બધાં ર્દષ્ટાંતો ઇચ્છનીય ક્ષતિપૂર્તિનાં છે; પરંતુ ક્ષતિપૂર્તિ અનિચ્છનીય પણ હોઈ શકે.
કોઈ વ્યક્તિ સામાજિક રીતે સ્વીકાર્ય માર્ગે ખ્યાતિ મેળવી શકવા શક્તિમાન ન નીવડે ત્યારે તે અસ્વીકાર્ય માર્ગે ખ્યાતિ મેળવવા પ્રયાસ કરે તો તેને અનિચ્છનીય ક્ષતિપૂર્તિ કહેવાય; દા.ત., અભ્યાસમાં પછાત વિદ્યાર્થી શાળામાં અડચણો ઊભી કરે કે શિક્ષકોની સામે બોલે. શાળામાં સફળતા મેળવી ન શકનાર વિદ્યાર્થી ગુનેગાર બની ખ્યાતિ મેળવવા પ્રયાસ કરે, ચિત્રવિચિત્ર રંગબેરંગી પોશાક પહેરે, ટેલિફોન ડિરેક્ટરી ફાડવાનું કૌશલ ખીલવે ઇત્યાદિ.
સંતાનો દ્વારા પોતાની મહત્વાકાંક્ષા સંતોષવાનો પ્રયાસ કરનાર ઘણાં માતાપિતા પણ ક્ષતિપૂર્તિની પ્રયુક્તિનો ઉપયોગ કરે છે; દા.ત., ડૉક્ટર બનવાનાં યુવાનીનાં સ્વપ્નાં કોઈ પણ કારણસર રગદોળાઈ ગયાં હોય તેવા પિતા પોતાના સંતાનને ડૉક્ટર બનાવવા પ્રયાસ કરે. તે જ રીતે અપેક્ષા પ્રમાણેનો પતિ ન મેળવી શકનાર સ્ત્રી પોતાની દીકરી માટે તેવો જમાઈ શોધવાની કોશિશ કરે. જોકે આવી ક્ષતિપૂર્તિ ક્યારેક માતાપિતાને સંતોષે છે; પરંતુ સંતાનોને મોટે ભાગે હતાશ કરે છે.
ક્ષતિપૂર્તિનો વારંવારનો ઉપયોગ કુસમાયોજન(maladjustment) લાવી શકે. આપણે સતત સહેલાં કૌશલ્યો ખીલવીએ તો ત્યારબાદ જરૂરી કૌશલ્યો વિકસાવવામાં આપણે નિષ્ફળ જઈએ એવું બને.
બિપીનચંદ્ર મગનલાલ કૉન્ટ્રાક્ટર