ક્વીટો : ઉત્તર ઇક્વેડૉરના ઉચ્ચ પ્રદેશમાં ઍન્ડીઝનાં ઊંચાં શિખરો અને ભેખડો વચ્ચે આવેલી ઇક્વેડૉરની રાજધાની તથા વસ્તીની ર્દષ્ટિએ બીજા નંબરનું શહેર. ભૌ. સ્થાન : 0°.13´ દ. અ. અને 76°.30´ પ.રે. વિષુવવૃત્તથી દક્ષિણે માત્ર 22 કિમી. દૂર 4,794 મીટરની ઊંચાઈએ આવેલા આ શહેરની આબોહવા ઉનાળામાં પણ ખુશનુમા રહે છે. સરેરાશ તાપમાન 15.5° સે. રહે છે. પીચિન્ચાનો જ્વાળામુખી નજીક હોવાથી તે અવારનવાર ધરતીકંપનો ભોગ બન્યું છે. તેનું 1666માં પ્રસ્ફુટન થયું હતું.

અહીં જૂની બરૉક શૈલીના સોળમી સદીના કેટલાક સ્પૅનિશ આવાસો સચવાઈ રહ્યા છે. રેલવે દ્વારા 274 કિમી. દૂર ઇક્વેડૉરના સૌથી મોટા શહેર અને બંદર ગુઆન ક્વિલ સાથે તે જોડાયેલું છે. પાન-અમેરિકન ધોરી માર્ગ તથા હવાઈ માર્ગો દ્વારા ઇક્વેડૉર દુનિયાનાં અગ્રગણ્ય શહેરો સાથે જોડાયેલું છે.

સુતરાઉ અને ગરમ કાપડ તથા ચામડાની વસ્તુઓ બનાવવાના, રસાયણ અને દવા તથા ઝવેરાત, મોટર-વાહનો વગેરેના ઉદ્યોગો વિકસ્યા છે. મુખ્ય પાક કૉફી, શેરડી, ડાંગર, કેળાં વગેરે છે.

ક્વીટો નજીક (1666માં) ફાટી નીકળેલા પીચિન્ચાના
જ્વાળામુખી-પ્રસ્ફુટનનું એક ર્દશ્ય

અગિયારમી સદી પૂર્વે અહીં ક્વીટુ ઇન્ડિયનો વસતા હતા. તેમના નામ ઉપરથી શહેરનું નામ ક્વીટો પડ્યું છે. 1487માં ઇન્કા ઇન્ડિયનોના સામ્રાજ્યનું તે કેન્દ્ર હતું. 1536માં સ્પૅનિશ સરદાર સેબાસ્ટિયન દ  બેનલકાઝરે તે જીતી લીધું હતું. 1809માં સ્પૅનિશ શાસન સામે નિષ્ફળ બળવો થયો હતો પણ તે દબાવી દેવાયો હતો. અંતે 1822માં તે સંપૂર્ણ સ્વતંત્ર થયું. 1769 તથા 1746માં સ્થપાયેલી ત્રણ યુનિવર્સિટીઓ તેમજ પચાસેક દેવળો તથા મઠો, પ્રાચીન કલાશાળા તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અહીં છે. યુનેસ્કોએ આ શહેરને દુનિયાની પ્રાચીન સંસ્કૃતિની પરંપરાને નિભાવી રાખતું શહેર ગણાવેલું છે. અહીં જૂના ક્વીટોમાં ઘણી પ્રાચીન વસાહતોની ઇમારતો જળવાઈ રહેલી જોવા મળે છે, તેમાં રાચરચીલા સહિતના સ્પૅનિશ આવાસો પણ છે. વળી અહીંનાં દેવળો કાષ્ઠકલાકૃતિવાળાં આ ઉપરાંત દક્ષિણ અમેરિકાની જૂનામાં જૂની વેધશાળા પણ અહીં છે. વસ્તી : 19,28,000 (2022).

રસેશ જમીનદાર