ક્વિલોન : કેરળ રાજ્યમાં અરબી સમુદ્રને કિનારે 8°-53° ઉત્તર અક્ષાંશ અને 76°-35° પૂર્વ રેખાંશ ઉપર આવેલું નાનું બંદર. આ શહેર તિરુવનન્તપુરમ્થી 64 કિમી. અને એલેપ્પીથી 90 કિમી. ઉત્તરે દરિયાકાંઠા અને અષ્ટમુડી બૅકવૉટરના દક્ષિણ છેડા વચ્ચે આવેલું છે.
ક્વિલોન 1904માં રેલવે-સ્ટેશન બન્યું. તેને રેલવે દ્વારા તિરુવનન્તપુરમ્ સાથે 1918માં અને એર્નાકુલમ્ સાથે 1957માં જોડાણ મળ્યું. ક્વિલોન-એર્નાકુલમ્ બ્રૉડગેજ રેલવે થતાં તે દક્ષિણ રેલવેનું મહત્વનું જંક્શન બન્યું છે.
ક્વિલોનની ખાડીથી લંગરસ્થાન 1.00થી 1.6 કિમી. દૂર છે. અહીં સાડાચાર ફેધમ (ફેધમ = 6 મીટર) પાણી છે. 40-50 ટનના બજરા (barge) મારફત માલની હેરફેર થાય છે. આશરે 67.056 મી. લાંબા તરતા પૉન્ટૂન મારફત માલ ચડાવાય અને ઉતારાય છે. અહીં ધક્કો નથી.
કોચીનો વિકાસ થતાં ક્વિલોન બંદર વપરાતું બંધ થયું. ક્વિલોનનો કોલંબો, મુંબઈ અને મલબારનાં અન્ય બંદરો સાથે નિયમિત વ્યવહાર ચાલે છે.
ક્વિલોન આસપાસ ડાંગર, કાજુ, નારિયેળ વગેરે મુખ્ય પાક છે. કાજુ ઉપર પ્રક્રિયા કરવાનાં કારખાનાં, તેલ અને ચોખાની મિલો, લાકડાની લાટીઓ, ટાઇલ બનાવવાનાં વગેરે જેવાં અહીં ઘણાં કારખાનાં છે. વસ્તી આશરે 27,37,364 (2022) છે.
ઇતિહાસ : ઘણા પ્રાચીન કાળથી ફિનિશિયન, ગ્રીક, રોમન, ચીના, આરબ અને ઈરાની લોકો આ બંદરે આવતા હતા. ક્વિલોનના અને ચીનના રાજકર્તાઓ વચ્ચે એલચીઓની આપ-લે થઈ હતી અને ચીનાઓની વસાહત અહીં હતી. ચીન અને પશ્ચિમ ભારતના વેપારનું ક્વિલોન મહત્વનું કેન્દ્ર હતું. 1275માં માર્કો પોલોએ આ સ્થળની મુલાકાત લીધી હતી. ઇબ્ન બતૂતાએ (1342) ત્યાંનાં ભવ્ય બજાર અને શ્રીમંત વેપારીઓના ઉલ્લેખ કર્યા છે. હરીફાઈને કારણે પશ્ચિમના દેશો, વેનિસ, અરબસ્તાન અને ઇજિપ્ત સાથેનો તેનો વેપાર કાલિકટ ખેંચાઈ ગયો હતો પણ મલાક્કા તથા પૂર્વના દેશો સાથેનો તેનો વેપાર ટકી રહ્યો હતો. રવિવર્મા ફૂલશેખરના (ઈ. સ. 1299-1313) અભિલેખમાં તેના મરીના બહોળા વેપાર, ધનિક વેપારીઓ, પહોળા રસ્તા અને ભવ્ય બજારનો ઉલ્લેખ છે. નિકોલો કૉન્ટીએ પંદરમી સદીના પ્રારંભમાં તેની મુલાકાત લીધી હતી. પોર્ટુગીઝોએ 1502માં અહીં કોઠી સ્થાપી હતી. દોઢ સદી બાદ પોર્ટુગીઝોનાં વળતાં પાણી થતાં ડચ લોકોએ પોર્ટુગીઝ કોઠી અને કિલ્લો કબજે કર્યાં હતાં. 1795માં હૈદરઅલી અને તેના પુત્ર ટીપુના (1768-1795) આક્રમણને કારણે ક્વિલોનને ખૂબ સહન કરવું પડ્યું હતું. ત્રાવણકોરના દીવાન વેલ્લુ થમ્પી દલાવાએ નવી બજાર બાંધી મદ્રાસ અને તિરુનેલવેલ્લીના વેપારીઓને ક્વિલોનમાં વસાવ્યા હતા. 1830 સુધી ક્વિલોન ત્રાવણકોર રાજ્યની રાજધાની હતું.
શિવપ્રસાદ રાજગોર