ક્વાસીમોદો, સાલ્વાતોર (જ. 20 ઑગસ્ટ 1901, મોદિકા, ઇટાલી; અ. 14 જૂન 1968, નેપલ્સ) : નોબેલ પુરસ્કારવિજેતા, ઇટાલિયન કવિ, વિવેચક તથા અનુવાદક. મૂળે તે ગૂઢવાદી કવિજૂથના અગ્રેસર હતા; પણ બીજા વિશ્ર્વયુદ્ધ પછી તે આધુનિક સામાજિક સમસ્યાઓ વિશે લખનારા પ્રભાવશાળી કવિ બની રહ્યા. 1959માં તેમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો.
જન્મ રેલ-કર્મચારીના સામાન્ય કુટુંબમાં. ઇજનેરી અને ગણિતશાસ્ત્રના વિષયોમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ તેમણે રોમ ખાતેથી ઇજનેરીમાં ઉપાધિ મેળવી. બાળપણથી જ તેમને લખવાની અભિરુચિ હતી અને ઇજનેર તરીકે 10 વર્ષ ઇટાલિયન સરકારની સેવામાં ગાળવા છતાં સમય કાઢીને તે કવિતા લખતા રહ્યા.
તેમનાં શરૂઆતનાં કાવ્યો ‘સોલેરિયા’ નામના સામયિકમાં પ્રગટ થયાં હતાં. પ્રારંભિક કાવ્ય-કારકિર્દી દરમિયાન તે ઉંગારેત્તી તથા મોન્તેલ જેવા ગૂઢવાદી કવિઓના અનુયાયી હતા. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વૉટર્સ ઍન્ડ લૅન્ડ’ (1930) પ્રગટ થયા પછી તે ગૂઢવાદી કાવ્યલેખનપ્રવૃત્તિના અગ્રેસર બની રહ્યા. 1935 પછી ઇજનેરનો વ્યવસાય છોડીને ઇટાલિયન સાહિત્યના શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. ‘સંકન ઓબે’ (1932), ‘સેન્ટ ઑવ્ યૂકલિપ્ટસ’ (1933) વગેરે જેવા પછીના કાવ્યસંગ્રહોમાં શુષ્ક તથા કૃત્રિમ કાવ્યબાની અને દુર્બોધ પ્રતીકોનું વૈપુલ્ય રહ્યું છે. તેમનાં કેટલાંક કાવ્યો અંગત પૂર્વગ્રહો અને માન્યતાઓથી ઉપર ઊઠીને સાંપ્રત સમસ્યાઓનું નિરૂપણ કરવામાં સફળ નીવડ્યાં છે. છેલ્લા બે કાવ્યસંગ્રહો ‘પોએઝી’ (1938) તથા ‘ઍન્ડ સડનલી ઇટ્સ ઈવનિંગ’ (1942) પ્રગટ થયેથી તેમની ગૂઢવાદી કવિતાનો ગાળો સમાપ્ત થયો ગણાય છે.
વિશ્વયુદ્ધ પછી ‘ડે આફટર ડે’(1947)ના પ્રકાશનથી માંડી તેમના મૃત્યુ પર્યંત ક્વાસીમોદોની સામાજિક વિચારસરણી તેમનાં સર્જનોમાં નિર્ણાયક ફાળો આપતી રહી છે. તેમનાં ઘણાં કાવ્યોમાં ફાસિસ્ટ શાસનનો અન્યાય, યુદ્ધની ભયાનકતા તથા ઇટાલીનો અપરાધભાવ વ્યક્ત થયાં છે.
ચાળીસીના દાયકાના ઉત્તરાર્ધથી તેમના મૃત્યુપર્યંત તેમણે રસપ્રદ વૈવિધ્ય ધરાવતાં ભાષાંતરો પ્રગટ કર્યાં હતાં. તેમાં એસ્કિલસ, સોફોક્લીસ અને યુરિપિડીઝ જેવા ગ્રીસના સમર્થ ટ્રૅજિક નાટ્યકારોનાં નાટકો (‘ટ્રૅજિસી ગ્રેસી’ 1963), કેટલસ, ઑવિડ તથા વર્જિલ જેવા લૅટિન કવિઓનાં કાવ્યો, શેક્સપિયરનાં છ નાટકો, મૉલિયેરનું નાટક ‘તારતફ’ તથા અમેરિકાના ઈ. ઈ. કમિંગ્ઝ અને ચિલીના પાબ્લો નેરુદા જેવા વીસમી સદીના કવિઓની કવિતાનો સમાવેશ થાય છે. તેમણે ઇટાલીની કવિતાના બે કાવ્યસંચયનું સંપાદન કર્યું છે તથા મહત્વના વિવેચનાત્મક નિબંધો લખ્યા છે. ‘ધ પૉએટ ઍન્ડ ધ પોલિટિશિયન ઍન્ડ અધર એસેઝ’(1964)માં એમના નિબંધો ગ્રંથસ્થ થયા છે.
મહેશ ચોકસી