ક્લોરલ(ક્લોરલ હાઇડ્રેટ) : પાણીનું એક અણુ ધરાવતું ક્લોરિનયુક્ત ઍલિફૅટિક આલ્ડિહાઇડ પૈકીનું ટ્રાયક્લૉરોએસિટાલ્ડિહાઇડ સંયોજન. નિર્જળ ઇથેનૉલના ક્લોરિનેશનથી, મૉનોક્લોરો અને ડાયક્લોરો એસિટાલ્ડિહાઇડના SbCl3 ઉદ્દીપકની હાજરીમાં 70° સે. તાપમાને ક્લોરિનેશનથી તેમજ એસિટાલ્ડિહાઇડનું HClની હાજરીમાં 80°થી 90° સે. તાપમાને ક્લોરિનેશન કરતાં તે મળે છે.
તે રંગવિહીન, તૈલી, ચોક્કસ પ્રકારની વાસવાળું પ્રવાહી છે. પાણી સાથે તે સ્ફટિકમય ક્લોરલ હાઇડ્રેટ આપે છે.
CCl3CHO + H2O → (CCl3CH(OH)2 અથવા CCl3 CHOH2O આલ્કલી સાથે તે ક્લૉરોફૉર્મ અને ક્લૉરોબેન્ઝિન સાથે H2SO4ની હાજરીમાં ડી.ડી.ટી આપે છે. સામાન્ય આલ્ડિહાઇડના રાસાયણિક ગુણધર્મો ઉપરાંત તે ઇથેનૉલ સાથે ક્લોરલ આલ્કોહૉલેટ આપે છે. ક્લૉરોબ્યુટેનોલ સાથે ક્લોરલ એસિટોન અને ક્લૉરોફૉર્મ આપે છે. તે પ્રશામક (sedative) અસર ધરાવે છે, પણ તે પ્રવાહી છે. ક્લોરલ હાઇડ્રેટ ઘન પદાર્થ હોવાને લીધે વિશેષ ઉપયોગી હોઈ તેનો વધુ અભ્યાસ થયો છે.
ક્લોરલ હાઇડ્રેટ સ્ફટિકમય ઘન પદાર્થ છે. ગ.બિં : 57; ઘનતા : 1.91; ઉ.બિં. : 98°. ચામડીને લાગવાથી ખંજવાળ ઉત્પન્ન થાય છે. તેની વાસ તીવ્ર છે. સ્વાદે કડવું અને જીભ પર બળતરા ઉત્પન્ન કરે છે. હવામાં ખુલ્લું રાખતાં તેનું બાષ્પાયન થાય છે. ગરમ કરતાં તે ક્લોરલ અને પાણીમાં વિઘટન પામે છે.
તે પાણીમાં દ્રાવ્ય, ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય, આલ્કોહૉલ, ક્લૉરોફૉર્મ ઈથર, ઑલિવ ઑઇલ, ગ્લિસરીન વગેરેમાં દ્રાવ્ય; ટર્પેન્ટાઇન, પેટ્રોલ ઈથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બેન્ઝિન, ટૉલ્યુઇનમાં અલ્પ દ્રાવ્ય; ઍસેટોન, મિથાઇલ ઇથાઇલ કિટોનમાં સારા પ્રમાણમાં દ્રાવ્ય. એમોનિકલ AgNO3નું અપચયન કરે છે. લાઇબ્રિકે 1869માં તેનો પ્રશામક અને નિદ્રાપ્રેરક (hypnotic) તરીકે ઉપયોગ કરેલો. વધુ પ્રમાણ વિષાળુ અસર ધરાવે છે. ક્લૉરોફૉર્મ અને ડી.ડી.ટી બનાવવામાં ઉપયોગી તેમજ રાસાયણિક મધ્યસ્થી. તેમાંથી ક્લોરલ વિટેન, ક્લોરલ ફૉર્મામાઇડ વગેરે ઔષધો બનાવવામાં આવે છે.
પ્રવીણસાગર સત્યપંથી