ક્લૉરડેન : ઑક્ટાક્લૉરોહેક્ઝાહાઇડ્રોમિથેનોઇન્ડિન(C10H6Cl8)ના એક જ અણુસૂત્રવાળા પરંતુ જુદાં જુદાં બંધારણીય સૂત્રોવાળા સમઘટકોનું સામૂહિક નામ. ક્લૉરડેન તેમાંનો એક સમઘટક છે જે સ્પર્શ-કીટકનાશક (contact insecticide) તરીકે વપરાય છે. તે ઑક્ટાક્લૉર તરીકે પણ ઓળખાય છે.

સાયક્લૉપેન્ટાડાઇન અને હેકઝાક્લૉરોસાયક્લોપેન્ટાડાઇન વચ્ચે યોગશીલ પ્રક્રિયા થવાથી ક્લૉરડિન મળે છે. તેની ક્લોરિન સાથે યોગશીલ પ્રક્રિયા કરવાથી ક્લૉરડેન મળે. આ રીતે 1940માં ક્લૉરડેન પ્રથમ વાર બનાવવામાં આવ્યું હતું. તે બજારમાં પીળાશ પડતા રંગના ઘટ્ટ પ્રવાહી (viscous amber liquid) રૂપે વેચાય છે. તેમાં 60 ટકા ક્લૉરડેન અને બાકીના ભાગરૂપે હેપ્ટાક્લૉર તથા ક્લૉરડેન સાથે મળતાં આવતાં સંયોજનો હોય છે.

હેપ્ટાક્લૉર (હેપ્ટાક્લૉરોટેટ્રાહાઇડ્રોમિથેનોઇન્ડિન, C10H5Cl7) ક્લૉરડેનનો ગૌણ ઘટક છે. ક્લૉરડિન અને ક્લોરિન વચ્ચેની પ્રક્રિયાવિધિમાં અનુકૂળ ફેરફાર કરવાથી મુખ્ય નીપજ તરીકે હેપ્ટાક્લૉર મળે છે. તે પોચા મીણ જેવા ઘન પદાર્થ રૂપે બજારમાં મળે છે જેમાં હેપ્ટાક્લૉરનું પ્રમાણ લગભગ 72 % જેટલું હોય છે.

ક્લૉરડેન અને હેપ્ટાક્લૉરની જંતુઓ પર ખૂબ જ વિષાળુ અસર થાય છે, એમ છતાં ઍલ્ડ્રિન જેવાં બીજાં ક્લોરિનયુક્ત કાર્બનિક સંયોજનોની સરખામણીમાં સસ્તન પ્રાણીઓ ઉપર તેની ઓછી વિષાળુ અસર થાય છે.

પ્રહલાદ બે. પટેલ