ક્લૉરોસલ્ફૉનિક ઍસિડ : ક્લોરિન અને સલ્ફરયુક્ત અકાર્બનિક ઑક્સિઍસિડ. સૂત્ર ClSO2OH. ધૂમાયમાન સલ્ફ્યુરિક ઍસિડ- (H2SO4SO3)માં શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ શોષાતો બંધ થાય ત્યાં સુધી પસાર કરતાં તે મળે છે.
SO3 + HCl → ClSO2OH
આ ઍસિડને હાઇડ્રોજન ક્લોરાઇડના પ્રવાહમાં નિસ્યંદિત કરવામાં આવે છે. 145°થી 160°સે. મળેલ પ્રવાહીને સંઘનિત કરવામાં આવે છે. તેનું પુન: નિસ્યંદન કરતાં તે શુદ્ધ સ્વરૂપમાં મળે છે. ફૉસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અથવા ફૉસ્ફરસ ઑક્સિક્લોરાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડના મિશ્રણનું નિસ્યંદન કરતાં પણ તે મળે છે.
H2SO4 + PCl5 → ClSO2OH + POCl3 + HCl
2H2SO4 + POCl3 → 2ClSO2OH + HCl + HPO3
તે ખૂબ જ દાહક (corrosive), રંગવિહીન, ધુમાયમાન, તીવ્ર વાસવાળું પ્રવાહી છે. 180° સે. તાપમાને દ્બાણ હેઠળ ગરમ કરતાં સલ્ફ્યુરિક ઍસિડ અને સલ્ફ્યુરિલ ક્લોરાઇડ આપે છે.
2ClSO2OH → H2SO4 + SO2Cl2
વધુ ઊંચા તાપમાને ગરમ કરતાં Cl2, SO2 અને પાણીની વરાળ આપે છે. પાણી સાથે સ્ફોટક રીતે પ્રક્રિયા કરી H2SO4 અને HClનું મિશ્રણ આપે છે. ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયાથી સલ્ફૉનિક વ્યુત્પન્ન આપે છે.
C6H6 + ClSO2OH → C6H5SO2OH + HCl
AgNO3 સાથે તીવ્ર રીતે પ્રક્રિયા કરી નાઇટ્રોસો સલ્ફ્યુરિક ઍસિડ બનાવે છે.
2ClSO2OH + 2AgNO3 → 2AgCl + 2NOHSO4 + O2
તે NaCl સાથે સોડિયમ ક્ષાર આપે છે.
ClSO2OH + NaCl → ClSO2ONa + HCl
તેનો ઉપયોગ કાર્બનિક રસાયણમાં સલ્ફોનેશન પ્રક્રિયક તરીકે થાય છે. તે સૅકેરિન તથા ઝેરી વાયુઓ બનાવવામાં તેમજ યુદ્ધમાં ધુમાડા ઉત્પન્ન કરવા માટે વપરાય છે. તેનું બંધારણ નીચે પ્રમાણે છે :
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ