ક્લૉરોસિસ : તત્વો કે ધાતુઓની ઊણપને કારણે પર્ણનો સાધારણ લીલો રંગ ઉત્પન્ન ન થતાં પાંદડું પીળું દેખાય તે સ્થિતિ.

હરિતરંજકોના સંશ્લેષણ માટે Mn, K, Zn, Cu, Mg, Fe તથા N આવશ્યક છે. તેની ગેરહાજરી કે ઊણપ ક્લૉરોસિસમાં પરિણમે છે.

ભરપૂર N મેળવતા છોડને મોટે ભાગે ઘેરા લીલા રંગનાં પુષ્કળ પર્ણો હોય, પણ તેમનાં મૂળ નબળાં હોય છે. નાઇટ્રોજનની ઊણપ શરૂઆતમાં વૃદ્ધ પર્ણોમાં અને પછી તરુણ પર્ણોમાં હરિતરંજકો(chlorophylls)નો નાશ કરીને તેમને પીળાં બનાવે છે. નાઇટ્રોજનની હેરફેરને કારણે તરુણ પર્ણો વૃદ્ધ પર્ણોમાંથી નાઇટ્રોજન મેળવતાં રહેતાં હોવાથી તરુણ પર્ણોમાં ઊણપનાં લક્ષણો સૌથી છેલ્લે દેખાય છે.

હરિતરંજકના સંશ્લેષણમાં ઉત્સેચકોને સક્રિય કરવામાં લોહતત્વનો અગત્યનો ફાળો છે. પીળાં થયેલાં પર્ણો ઉપર જલદ્રાવ્ય લોહસંયોજન લગાવતાં તે જગ્યા હરિતરંગી બને છે. હરિતરંજકના સંશ્લેષણમાં જસત પણ ભાગ લે છે કેમ કે ફળદાયી વૃક્ષોમાં આંતરશિરીય ક્લૉરોસિસ જોવા મળે છે. ઉપરાંત મૅંગેનીઝની અછત પર્ણોમાં ક્લૉરોસિસ અને પેશીનાશ(necrosis)ને લીધે ઉત્પન્ન થતાં આંતરશિરીય કલંકોમાં પરિણમે છે.

મૅગ્નેશિયમ અને પોટૅશિયમની ઊણપોને કારણે ક્લૉરોસિસ સૌપ્રથમ વૃદ્ધ અને પછી તરુણ પર્ણોમાં દેખા દે છે.

ગંધકનાં ઊણપનાં ર્દશ્ય લક્ષણોમાં પ્રથમ ક્લૉરોસિસ અને પછી ઍન્થોસાયેનિન સંશ્લેષણનો સમાવેશ થાય છે. જો તેની ઊણપ વધે તો દરેક પર્ણમાં લીલા રંગનો નાશ થતો જોવા મળે છે.

કાઇનેટિનનો પ્રયોગ હરિતરંજકનો વિકાસ કરવામાં અને તેને લાંબા સમય સુધી જાળવવામાં મદદ કરે છે.

ઓમપ્રકાશ સક્સેના

અશ્વિન થાનકી