ક્લૅમાયડિયા : ક્લૅમાયડિએસી કુળના બૅક્ટેરિયાની એક પ્રજાતિ. માનવસહિત અન્ય સસ્તનો અને પક્ષીઓમાં કોષાંત્રીય (intracellular) પરોપજીવી જીવન પસાર કરનાર આ સૂક્ષ્મ જીવો સામાન્યપણે વાઇરસ કરતાં સહેજ મોટા, જ્યારે સામાન્ય બૅક્ટેરિયા કરતાં નાના એટલે કે 0.2 mmથી 1.5 mm કદના હોય છે. ક્લેમાયડિયા અચલ, ગોળાકાર અને ગ્રામઋણી(gram negative) હોય છે અને તે સુષુપ્ત અને સક્રિય – એમ બે અવસ્થામાંથી પસાર થાય છે.
સુષુપ્ત અવસ્થામાં તે પ્રારંભિક દેહી (elementary body) તરીકે ઓળખાય છે અને યજમાન કોષની બહાર સુષુપ્ત જીવન પસાર કરે છે. યજમાન કોષના સંપર્કમાં આવતાં કોષમાં પ્રવેશી કોષાંતર્ગત દેહી તરીકે સક્રિય બને છે. ક્લૅમાયડિયા કોષજાલિકા સ્વરૂપ (reticulate body) પ્રાપ્ત કરે છે. દ્વિભાજનથી તે પ્રજનન કરે છે. સંતાન કોષો સુષુપ્ત અવસ્થામાં હોય છે. અન્ય યજમાન કોષો સાથે સંપર્કમાં આવતાં તે સક્રિય બને છે.
Chlamydia trachomatis બૅક્ટેરિયાથી માનવ ટ્રેકોમા દર્દથી પીડાય છે. ખાસ કરીને આર્થિક નબળાઈ અને સ્વચ્છતાના અભાવને કારણે વિકાસશીલ દેશોમાં આ રોગ ઝડપથી ફેલાય છે. મુખ્યત્વે બાળકો તેના ભોગ બને છે. તેનાથી અંધત્વ પ્રાપ્ત થાય છે. પુખ્ત ઉંમરના માનવોને પણ ટ્રેકોમા થાય છે. નર માનવ C. trachomatis-ના ચેપથી પ્રમેહવિહીન યુરેથ્રાયટિસ (non-gonorrhoea urethritis = NGU) અને લિમ્ફો ગ્રૅન્યુલોમા વેનેરમ નામના જાતીય રોગનો ભોગ બને છે. કેટલાક પુરુષો પ્રમેહ ઉપરાંત NGUથી પણ પીડાતા હોય છે. સ્ત્રીમાં પણ કેટલાક જાતીય રોગો C. trachomatis-ને કારણે થાય છે. કેટલાક કિસ્સામાં તો માતાનો ચેપ નવજાત શિશુને પણ લાગે છે C. psittaci-થી કેટલાંક પક્ષીઓને ન્યુમોનિયાને મળતો રોગ થાય છે. સિટાસીના કેટલાક વિભેદો(strains)ને લીધે પાલતુ જાનવર ન્યુમોનિટિસ પૉલિઇટિસ રોગથી પીડાય છે.
ટેટ્રોમાયસિન, ક્લોરેમફેનિકૉલ જેવા પ્રતિજૈવિકો(antibiotics) દ્વારા ક્લૅમાયડિયાથી થતા રોગને મટાડી શકાય છે.
પ્રમોદ રતિલાલ શાહ