ક્લિયોપૅટ્રા (જ. ઈ. પૂ. 69; અ. ઈ. પૂ. 30) : પ્રાચીન ઇજિપ્તની મહારાણી તથા તે સમયના સમગ્ર વિશ્વની સર્વશ્રેષ્ઠ રૂપસુંદરી. ક્લિયોપૅટ્રા ઇજિપ્તના રાજા ટૉલેમી બારમાની પુત્રી હતી. ઇજિપ્તમાં ટૉલેમી વંશની સ્થાપના મહાન સિકંદરના ગ્રીક સેનાપતિ ટૉલેમીએ કરેલી. ઈ. પૂ. 51માં ક્લિયોપેટ્રાના પિતાના અવસાન પછી તેનો પંદર વર્ષનો ભાઈ (અને પતિ) ટૉલેમી તેરમો ગાદીએ આવ્યો; પરંતુ તુરત

ક્લિયોપૅટ્રા

જ તેને ક્લિયોપૅટ્રા સાથે સત્તા-સંઘર્ષ થયો. ક્લિયોપૅટ્રાએ તે સમયના શક્તિશાળી રોમન સામ્રાજ્યના મહાન સેનાપતિ જુલિયસ સીઝરને પોતાના સૌંદર્યમાં લુબ્ધ બનાવીને તેની મદદથી પોતાના ભાઈ સામે વિજય પ્રાપ્ત કર્યો અને તેની સાથે સંયુક્તપણે ગાદીએ બેઠી (ઈ. પૂ. 48). સીઝરથી તેને સીઝેરિયન નામનો પુત્ર થયો હોવાનું કહેવાય છે. ઈ. પૂ. 45માં જુલિયસ સીઝર રોમ પાછો ફર્યો ત્યારે તેના વિજય સરઘસમાં ક્લિયોપૅટ્રા પણ હાજર હતી. સીઝરે તેની સોનાની મૂર્તિ ઘડાવી વીનસ દેવી(પ્રેમની દેવી)ના મંદિરમાં મૂકવા આદેશ આપ્યો હતો. વળતે વર્ષે સીઝરની હત્યા થઈ તે પછી તે ઇજિપ્ત પાછી ફરી.

બીજી બાજુ જુલિયસ સીઝરના મિત્ર માર્ક ઍન્ટનીએ સીઝરના વિરોધીઓને હરાવીને રોમમાં સર્વોચ્ચ સત્તા પ્રાપ્ત કરી. તે પછી તેણે ઈરાન ઉપર આક્રમણ કરવાની યોજના કરી અને તેમાં જોડાવા માટે તેણે ક્લિયોપૅટ્રાને આમંત્રણ આપ્યું. ક્લિયોપૅટ્રા આવી તકની રાહ જોઈને જ બેઠી હતી. તેની મહત્વાકાંક્ષા માત્ર ઇજિપ્તની રાણી જ નહિ પરંતુ રોમનોની મદદથી જ રોમન સામ્રાજ્યની સમ્રાજ્ઞી બનવાની હતી. તેણે માર્ક ઍન્ટનીને પણ પોતાની સૌંદર્યજાળમાં ફસાવ્યો. ઍન્ટની ઈરાન પરનું આક્રમણ પડતું મૂકીને ક્લિયોપૅટ્રાની સાથે ઇજિપ્તના પાટનગર ઍલેક્ઝાન્ડ્રિયામાં આવ્યો, ત્યાં તેણે ક્લિયોપૅટ્રા સાથે ‘રોમની રક્ષિત’ નહિ પરંતુ એક સ્વતંત્ર મહારાણી તરીકેનો વર્તાવ રાખ્યો.

આ પછી ઍન્ટની ઈ. પૂ. 39માં રોમ પાછો ફર્યો, પરંતુ ત્યાં તેને સીઝરના ભત્રીજા ઑક્ટેવિયન (જે પાછળથી ઑગસ્ટસ સીઝર તરીકે પ્રસિદ્ધ થયો) સાથે સત્તા-સંઘર્ષ થયો. આથી ક્લિયોપૅટ્રાની મદદ લેવા તે ફરી વખત ઇજિપ્ત આવ્યો. આ વખતે તેણે ક્લિયોપૅટ્રા સાથે લગ્ન કર્યાં તથા બંને સંયુક્ત રીતે ઇજિપ્તની ગાદીએ બેઠાં; પરંતુ ઍન્ટની-ક્લિયોપૅટ્રાનો સુખનો સમય લાંબો ચાલ્યો નહિ. હરીફ ઑક્ટેવિયન તેની પાછળ પાછળ ગયો. તેણે ઍન્ટની અને ક્લિયોપૅટ્રાના સંયુક્ત નૌકાકાફલાને ઍક્ટિયમના યુદ્ધમાં હરાવ્યો. ક્લિયોપૅટ્રા યુદ્ધની વચ્ચેથી જ ઇજિપ્ત તરફ નાસી ગઈ; તેથી ઍન્ટની પણ યુદ્ધ પડતું મૂકીને તેની પાછળ નાઠો. દરમિયાન ક્લિયોપૅટ્રાનું અવસાન થયાની અફવા (જે ક્લિયોપૅટ્રાએ જ ફેલાવેલી) સાંભળીને તેણે આત્મહત્યા કરી. ક્લિયોપૅટ્રાએ ઑક્ટેવિયન ઉપર પણ પોતાના સૌંદર્યનો જાદુ ચલાવવાનો પ્રયત્ન કર્યો; પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી. ઑક્ટેવિયનનો વિચાર તો તેને કેદ કરીને રોમ લઈ જવાનો હતો. ક્લિયોપૅટ્રાને તેના વિચારની ગંધ આવતાં જે રોમમાં જુલિયસ સીઝરની સાથે તે એક સમ્રાજ્ઞીની જેમ પ્રવેશ પામી હતી, તે રોમમાં કેદી તરીકે પ્રવેશ પામવાની નામોશી નિવારવા તેણે પોતાની જાતને સાપ કરડાવીને આત્મહત્યા કરી (ઈ. પૂ. 30). મહાન અંગ્રેજ નાટ્યકાર શેક્સપિયરે પોતાના નાટક ‘ઍન્ટની ઍન્ડ ક્લિયોપૅટ્રા’માં પ્રાચીન સમયની આ ગર્વિષ્ઠ વિશ્વસુંદરીને અમર કરી છે.

દેવેન્દ્ર ભટ્ટ