ક્લબ ઑવ્ રોમ : એપ્રિલ, 1968માં શરૂ કરવામાં આવેલું આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક મંડળ. તેના સભ્યોમાં વૈજ્ઞાનિકો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરતા જાણીતા સનદી અમલદારો તથા ઔદ્યોગિક અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા અગ્રણીઓનો સમાવેશ થયેલો છે. તેનું મુખ્ય કાર્યાલય જિનીવામાં રાખવામાં આવ્યું છે, પરંતુ તેના મુખ્ય પ્રણેતા ડૉ. ઓરેલિયો પેસી ઇટાલીના હોવાથી તેને ‘ક્લબ ઑવ્ રોમ’ એવું નામ આપવામાં આવ્યું છે.

ક્લબના મુખ્ય ઉદ્દેશોમાં વૈશ્વિક સમાજની રચના પાછળ આર્થિક, રાજકીય અને સામાજિક જેવાં વિવિધ પણ પરસ્પરાવલંબી પરિબળોનો અભ્યાસ કરવાનો તથા તે અંગેની નીતિના કાર્યમાં પરોવાયેલાંઓને તેનાથી જ્ઞાત કરી જનસાધારણના હિતાર્થે તેનો ઉપયોગ કરવાનો છે. ઉપરાંત વિશ્વસમાજ સામે ઊભા થઈ રહેલા નવા પ્રશ્નો તરફ અંગુલિનિર્દેશ કરવાનો અને તેમને યોગ્ય રીતે હલ કરવા માટે નવી નીતિ, પદ્ધતિ અને નવાં ધોરણો સૂચવવાનો છે.

ક્લબનું સભ્યપદ વધારેમાં વધારે સો સુધી રાખવામાં આવ્યું છે. હાલ તેના 75 સભ્યો છે. ક્લબને કાર્યવાહક સમિતિ તથા પોતાનું સચિવાલય છે. તેની શાખાઓ જિનીવા, ધ હેગ તથા ટોકિયોમાં છે. એક બિનસરકારી સ્વૈચ્છિક મંડળ તરીકે રાષ્ટ્રસંઘે તેનો સ્વીકાર કર્યો છે.

તેનાં મુખ્ય પ્રકાશનોમાં નીચેનાં નોંધપાત્ર રહ્યાં છે :

(1) ‘લિમિટ્સ ટુ ગ્રોથ’ (1972), (2) ‘મૅનકાઇન્ડ ટર્નિંગ પૉઇન્ટ’ (1974), (3) ‘રીશેપિંગ ઇન્ટરનેશનલ ઑર્ડર’ (1976), (4) ‘ગોલ્સ ફૉર મૅનકાઇન્ડ’ (1977), (5) ‘બિયૉન્ડ ધ એજ ઑવ્ વેસ્ટ’ (1978), (6) ‘નો લિમિટ્સ ટુ લર્નિગ – બ્રિજિંગ ધ હ્યૂમન ગૅપ’ (1979), (7) ‘રોડ મૅપ્સ ટુ ધ ફ્યૂચર – ટોવર્ડ્ઝ મોર ઇફેક્ટિવ સોસાયટીઝ’ (1980), (8) ‘ડાયલૉગ ઑન વેલ્થ ઍન્ડ વેલફેર’ (1980).

1970ના દાયકા સાથે વિશ્વકક્ષાએ અનુભવાયેલી કટોકટીના સંદર્ભને સ્પષ્ટ કરવામાં આ મંડળે મોટો ફાળો આપ્યો છે.

દેવવ્રત પાઠક