ક્રોપોટકિન, પીટર (જ. 21 ડિસેમ્બર 1842, મૉસ્કો; અ. 8 ફેબ્રુઆરી 1921, દમિત્રૉવ, મૉસ્કો પાસે) : અરાજકતાવાદી વિચારસરણીમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર રશિયાના સુપ્રસિદ્ધ ચિંતક. તેમના અભ્યાસી અભિગમ, સૌમ્ય વ્યક્તિત્વ અને રંગદર્શી ર્દષ્ટિકોણને કારણે તે અલગ તરી આવે છે. રશિયાના પીટર ઍલેક્ઝેવિચ કૉપોટકિવ અમીર કુટુંબનું સંતાન હોવાથી મોભો, શિક્ષણ અને કારકિર્દી માટેની ઉજ્જ્વળ તકો

પીટર ક્રોપોટકિન

તેમને સહજ રીતે સાંપડી. તેમને સાઇબીરિયાના ગવર્નરના રસાલામાં  સ્થાન મળ્યું ત્યારે ત્યાંની ભૂગોળ અને ન્યાયવ્યવસ્થાનો અભ્યાસ કરવા સાથે તેઓ રાજ્યવિહીન સહકારી વ્યવસ્થાના સમર્થક જૂથના સંપર્કમાં આવ્યા. ઝારશાહીના જુલમોથી વ્યથિત થયેલા ક્રોપોટકિને સૈન્યમાંથી મુક્ત થઈને યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો તથા જાતે કમાણી, અધ્યયન અને સંશોધનની પ્રવૃત્તિ હાથ ધરી. યુરોપના પ્રવાસ દ્વારા પોતાનું વિચારભાથું સમૃદ્ધ કરીને તેમણે રશિયામાં અરાજકતાવાદી વિચારોના ફેલાવા માટે પ્રયાસો આરંભતાં પકડાયા અને કારાવાસ થયો, પરંતુ ત્યાંથી છટકીને તેઓ યુરોપ ગયા. ઇંગ્લૅન્ડમાં વાચન દ્વારા પોતાના વિચારોને વ્યવસ્થિત કર્યા પછી તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં સ્થાયી થયા; જ્યાંથી તેમણે પત્રિકાઓ, લખાણો વગેરે દ્વારા અરાજકતાવાદી વિચારોને વહેતા રાખ્યા. રશિયન ક્રાંતિ (1917) પછી તેઓ રશિયા આવ્યા. આ તબક્કે તેમણે કેન્દ્રીકરણ અને પક્ષના આધિપત્ય સામે ચેતવણીનો સૂર કાઢતાં કહેલું કે, ‘‘સામાજિક ક્રાંતિ દ્વારા જેટલા વિપુલ પ્રમાણમાં રચનાત્મક કાર્ય થાય છે તેટલું કેન્દ્રીય સરકાર દ્વારા થઈ શકે નહિ. આ કાર્ય માટે જ્ઞાન, બુદ્ધિ તથા સ્થાનિક અને વિશિષ્ટ પરિબળોનો સ્વૈચ્છિક સહકાર જરૂરી છે. સહકારને ઉવેખીને પક્ષના સરમુખત્યારોની બુદ્ધિ ઉપર વિશ્વાસ મૂકવામાં આવશે તો મજૂરમંડળો, સ્થાનિક એકમો, સહકારી મંડળો જેવા સ્વતંત્ર એકમો નષ્ટ થશે, તેઓ પક્ષની નોકરશાહીના જ અંશ બની રહેશે.’’

ક્રોપોટકિનની સ્મશાનયાત્રામાં એક સૂચક સૂત્ર પ્રદર્શિત થયું હતું : ‘જ્યાં આધિપત્ય છે ત્યાં સ્વાતંત્ર્ય અસ્તિત્વ ધરાવતું નથી.’

અરાજકતાવાદીઓની માફક ક્રોપોટકિન રાજ્ય(શાસક)ની આવશ્યકતાને પડકારે છે. તેમની ઇતિહાસષ્ટિ વિશિષ્ટ છે. સંસ્કૃતિના વિકાસમાં સંઘર્ષ કરતાં સહકારને તેઓ પ્રાધાન્ય આપે છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના પરસ્પરાવલંબનના વલણને તેઓ એક પાયાનું તત્વ ગણતા અને તેના આધારે નૂતન રચના માટેની પ્રવૃત્તિને સાકાર કરવા ચાહતા હતા. ક્રોપોટકિનનું રસપ્રદ પ્રદાન તો અરાજક ક્રાન્તિ પછી રચાનારા સમાજની વ્યવસ્થાનું યુટોપિયન આલેખન કરતો ગ્રંથ ‘કૉંક્વેસ્ટ ઑવ્ બ્રેડ’ છે.

ક્રોપોટકિને ‘ધ સ્ટેટ : ઇટ્સ હિસ્ટૉરિકલ રોલ’, ‘મૉડર્ન સાયન્સ ઍન્ડ ઍનાર્કિઝમ’, ‘મ્યુચ્યુઅલ એઇડ’, ‘ધ ગ્રેટ ફ્રેન્ચ રેવૉલ્યૂશન 1789-1793’ વગેરે નોંધપાત્ર લખાણો દ્વારા પોતાના વિચારો દર્શાવ્યા છે.

જયંતી પટેલ