ક્રોન્જે, હૅન્સી (જ. 25 સપ્ટેમ્બર 1969, બ્લૉચફૉન્ટીન, દક્ષિણ આફ્રિકા; અ. 1 જૂન 2002, ક્રૅડોક પીક, રીપબ્લીક ઑફ સાઉથ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમનો પૂર્વ કપ્તાન અને ‘મૅચ-ફિક્સિગં’ના ગુનાસર ક્રિકેટની રમતમાંથી આજીવન હાંકી કાઢવામાં આવેલ પૂર્વ ઑલ-રાઉન્ડર. પોતાના જન્મસ્થાન ખાતે શિક્ષણ આપતી અને પ્રતિષ્ઠા ધરાવતી ગ્રે કૉલેજમાંથી 1987માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. શાળાના શિક્ષણ દરમિયાન ક્રિકેટ અને ફૂટબૉલમાં ઑરેન્જ ફ્રી સ્ટેટ પરગણાની ટીમોમાં રમીને પ્રસિદ્ધિ મેળવી. 18 વર્ષની વયે 1987-88ની સિઝનમાં ટ્રાન્સવાલ પરગણા સામેની પ્રથમ કક્ષાની મૅચમાં પ્રથમ વાર રમીને કારકિર્દીની શરૂઆત કરી. 1991માં બ્રિજટાઉન ખાતેની વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ-મૅચ દ્વારા ટેસ્ટ-કારકિર્દીની શરૂઆત કરી તથા 1992માં સિડની ખાતેની ઑસ્ટ્રેલિયા સામેની વિશ્વકપ માટેની એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચમાં રમીને એકદિવસીય મૅચોની શૃંખલામાં પ્રવેશ કર્યો. તેમના નેતૃત્વ હેઠળ દક્ષિણ આફ્રિકાએ કુલ 37 મૅચોમાંથી 27 ટેસ્ટ-મૅચોમાં તથા કુલ 138 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચોમાંથી 99 મૅચોમાં વિજય હાંસલ કર્યો હતો. તેઓ પોતે 68 ટેસ્ટ-મૅચો રમ્યા હતા, જેમાં તેમણે 3,714 રન કર્યા હતા (સરેરાશ 36.41 રન્સ) તથા છ શતકો પોતાના નામે નોંધાવ્યાં હતાં. તેવી જ રીતે 200 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચોમાં રમીને તેમણે 5,556 રન કર્યા હતા (સરેરાશ 38.64) અને તેમાં બે વાર શતક નોંધાવ્યાં હતાં. ઉપરાંત પ્રથમ કક્ષાની મૅચોમાં 43.69 સરેરાશ સાથે તેમણે 10,000 રનોનું લક્ષ્ય વટાવ્યું હતું અને પ્રથમ કક્ષાની મૅચોમાં 34.43ની સરેરાશ સાથે 184 વિકેટો લીધી હતી. ક્રિકેટના મેદાન પર ઉત્કૃષ્ટ વ્યૂહરચના અને રણનીતિ માટે તેઓ પ્રખ્યાત હતા.

હૅન્સી ક્રોન્જે

‘મૅચ-ફિક્સિગં’ અંગે તેમના પર થયેલા આક્ષેપોની તપાસ કરવા માટે નિમાયેલા કિંગ કમિશને તેમને તેમની પોતાની કબૂલાતને આધારે કસૂરવાર જાહેર કર્યા હતા અને તેને આધારે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેમને વર્ષ 2000માં ક્રિકેટની રમતમાંથી આજીવન હાંકી કાઢ્યા હતા. તેમાંની એક મૅચ નાગપુર ખાતે ભારત વિરુદ્ધ રમાયેલી એકદિવસીય મૅચ હતી.

જૂન 2002માં દક્ષિણ આફ્રિકામાંના જૉર્જ વિમાની મથક નજીક થયેલા એક વિમાન-અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું.

વર્ષ 2004માં દક્ષિણ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ અગિયાર ખેલાડીઓમાં કલંકિત થયેલા હોવા છતાં તેમને મરણોત્તર સ્થાન આપવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે