ક્રોચે, બેનેડેટો (જ. 25 ફેબ્રુઆરી 1866, પેસ્કાસ્સેરોલી, ઇટાલી; અ. 20 નવેમ્બર 1952, નેપલ્સ) : પ્રસિદ્ધ ફિલસૂફ, સૌંદર્યશાસ્ત્રી અને સાહિત્યમીમાંસક. પ્રાથમિક શિક્ષણ નેપલ્સમાં. 1883ના ધરતીકંપમાં કુટુંબીજનોનું મરણ. ત્રણ વર્ષ રોમમાં કાકાને ત્યાં રહ્યા. 1886માં નેપલ્સમાં પુનરાગમન. બાળપણમાં જ ધર્મશ્રદ્ધા ખૂટી ગઈ હતી, પણ રોમ વિશ્વવિદ્યાલયમાં નીતિશાસ્ત્ર અને તત્વજ્ઞાનનું અધ્યયન કરતી વેળા આદર્શલક્ષી ર્દષ્ટિકોણના અનુસંધાનમાં ધર્મશ્રદ્ધા પુન: પ્રાપ્ત થઈ. આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થતાં ઇતિહાસના અધ્યયનમાં મન પરોવ્યું. તેમાં ઇતિહાસના સ્વરૂપ અને સાહિત્યમીમાંસા પરત્વે તેમણે સામયિકોમાં લેખો લખીને પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યાં. 1902માં ‘લા ક્રિટિકા’ નામક સામયિક કાઢ્યું. ફિલસૂફી, તર્કશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, ઇતિહાસ અને સાહિત્યમીમાંસા અંગે તેમાં તેઓ અવિરત લખતા રહ્યા. ઇટાલી, યુરોપ અને અન્ય દેશોનો ઇતિહાસ લખ્યો. રાજનૈતિક અર્થશાસ્ત્રના ગહન અધ્યયનને પરિણામે તેઓ માર્કસવાદના જબરદસ્ત વિરોધી બન્યા. માર્કસવાદપ્રેરિત ચેતનાનો બહિર્જગતગત સંબંધ ચેતનાના આંતરજગત તરફ વળ્યો. સમાજલક્ષી સંબંધોને તરછોડી નર્યા ચેતનાવાદી બની ગયા. વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહ્યા પણ કલાજગત અને એમાંયે ખાસ કરીને સાહિત્યજગત તેમને અભિવ્યક્તિવાદી તરીકે ઓળખે છે.

બેનેડેટો ક્રોચે

એમનો અભિવ્યક્તિ સિદ્ધાંત મૂલત: તો સૌંદર્યશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. એની પ્રથમ રૂપરેખા 1900માં એમણે લખેલા ‘એસ્થેટિક્સ એઝ ધ સાયન્સ ઑવ્ એક્સ્પ્રેશન ઍન્ડ જનરલ લિંગ્વિસ્ટિક્સ’માં પ્રાપ્ત થાય છે. પછી 1902માં આ નિબંધ એમના સુપ્રસિદ્ધ પુસ્તક ‘એસ્થેટિક્સ’-સ્વરૂપે પ્રકાશિત થાય છે. એમાં નિરૂપિત ‘ઇન્ટ્યૂઇશન’ સિદ્ધાંત સાહિત્યમીમાંસાના ક્ષેત્રે સુખ્યાત છે. ક્રોચે ચેતનાને જ્ઞાન અને વ્યવહાર એમ બે સ્વરૂપે જુએ છે. જ્ઞાનને સૌંદર્યશાસ્ત્ર અને તર્કશાસ્ત્રના પ્રવર્તન રૂપે અને વ્યવહારને આર્થિક અને નૈતિક પ્રવૃત્તિ રૂપે જુએ છે. એમની ર્દષ્ટિએ સૌંદર્યશાસ્ત્રીય પ્રવૃત્તિ સહજસ્ફુરણાનો સંદર્ભ ધરાવે છે. બધી કળાઓ અભિવ્યક્તિ છે. સહજોપલબ્ધ અંત:સ્ફુરણા એ જ અભિવ્યક્તિ એવો તેમનો મત છે.

1912માં તેમણે સૌંદર્યશાસ્ત્રવિષયક ચાર લેખ રાઇટર્સ ઇન્સ્ટિટ્યૂટ સમક્ષ વાંચ્યા. આ જ વિષય પર ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ માટે લેખ લખ્યો. 1920માં એમના સૌંદર્યશાસ્ત્રીય લેખોનો સંગ્રહ ‘ન્યૂ એસેઝ ઑન એસ્થેટિક્સ’ પ્રકાશિત થયો. 1933માં ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલય સમક્ષ એમનું સુપ્રસિદ્ધ વ્યાખ્યાન ‘ડિફેન્સ ઑવ્ પોએટ્રી’ વંચાયું. એમાં તેમનાં કવિતા અને સાહિત્યવિષયક મંતવ્યોની પુન: તપાસ થઈ છે. 1944 સુધીમાં તેઓ પોતાનાં મંતવ્યોને વિશદ સ્વરૂપે નિરૂપે છે. એમણે પોતાની આત્મકથામાં સ્વવિકાસનો નકશો આલેખ્યો છે. ક્રમશ: ચેતના જ ‘પરમ સત્ય’ છે ને કળાની અભિવ્યક્તિ તો ચૈતસિક સ્તરે જ સિદ્ધ થાય છે, એને કશા બાહ્ય ઉપાદાનની જરૂર નથી એવા નિષ્કર્ષ પર તેઓ પહોંચે છે.

ક્રોચેએ તત્વજ્ઞાન તથા ઇતિહાસ વચ્ચેના ભેદ તેમજ સંબંધની ચર્ચા કરેલી છે. તેમણે ઇતિહાસના તત્વજ્ઞાન સંબંધે ફ્રેડરિક હેગલના આદર્શવાદી તથા કાર્લ માર્કસના ભૌતિકવાદી સિદ્ધાંતને અવાસ્તવિક ગણાવેલ છે. ક્રોચેના અભિપ્રાય મુજબ સામાન્ય ફિલસૂફીથી ઇતિહાસની ફિલસૂફી અલગ હોઈ શકે નહિ, કારણ કે તત્વજ્ઞાન એ જીવનનો સિદ્ધાંત છે, જ્યારે ઇતિહાસ એ તેનો આવિષ્કાર છે. ક્રોચેએ તર્કશાસ્ત્ર પરના પોતાના ગ્રંથના એક ભાગમાં તત્વજ્ઞાન તથા ઇતિહાસના હેતુઓ અને તેમના સ્વરૂપનું વિવેચન કરેલું છે. આ પુસ્તકમાં તેમણે વિધાન કરેલું છે કે તત્વજ્ઞાનનો હેતુ જીવનના આદર્શો રજૂ કરવાનો છે, જ્યારે ઇતિહાસનો હેતુ જીવનની વાસ્તવિકતાઓનું નિરૂપણ કરવાનો છે.

ક્રોચેના મત મુજબ ઇતિહાસને કોઈ સિદ્ધાંતની જરૂર હોતી નથી. આમ ક્રોચે પોતે આદર્શવાદી ફિલસૂફ હોવા છતાંયે ઇતિહાસ વિશેના પોતાના અભિગમમાં તેઓ વાસ્તવવાદી (positivist) વિચારપદ્ધતિને અનુમોદન આપતા હોવાનું કહી શકાય. એ રીતે રાન્કેએ રજૂ કરેલ ‘હિસ્ટૉરિસિઝમ’ – ‘ઇતિહાસના બનાવોને તેમની હકીકતો કહેવા દો’ના સિદ્ધાંતની ક્રોચે તરફેણ કરતા હોવાનું કહી શકાય. ક્રોચેના મંતવ્ય મુજબ તત્વજ્ઞાન જીવનનો આત્મા છે, જ્યારે ઇતિહાસ એ તેનો દેહ છે. ક્રોચેના આ સંબંધના વિચારદર્શનમાં અન્ય ચિંતકોની વિચારર્દષ્ટિમાં જોવા મળતી ઊણપો દેખાય છે તોપણ તેની રજૂઆતની એક વિશિષ્ટ બાબત એ છે કે તે હેગલની માફક એકહથ્થુ શાસનના પુરસ્કર્તા નથી, તેઓ વ્યક્તિસ્વાતંત્ર્યના હિમાયતી છે તથા તેને તેઓ ઇતિહાસનું મધ્યબિંદુ તેમજ સર્જક બળ માને છે. સિલ્વાનો બોરસારીએ ક્રોચે પર 1964માં સૂચિ પ્રગટ કરી છે. ગિઆન એન. જી. ઓર્સિનીએ ‘બેનેડેટો ક્રોચે: ફિલૉસૉફર ઑવ્ આર્ટ ઍન્ડ લિટરરી ક્રિટિસિઝમ’ (1961) પ્રસિદ્ધ કર્યું છે. ગુજરાતીમાં પ્રા. નગીનદાસ પારેખે ‘ક્રોચે તથા ‘ક્રોચેનું ઇસ્થેટિક અને બીજા લેખો કલા વિચાર’ ગ્રંથ પણ આપ્યો છે.

મોહંમદ ઇસ્હાક શેખ

રમણલાલ ક. ધારૈયા