ક્રોએશિયા (Croatia) : યુગોસ્લાવિયામાંથી છૂટાં પડેલાં છ ઘટક રાજ્યો (બૉસ્નિયા-હર્ઝગોવિના, ક્રોએશિયા, મૅસિડોનિયા, સ્લોવેનિયા, સર્બિયા અને મૉન્ટિનિગ્રો)માંનું એક રાજ્ય (જુઓ નકશો). ભૌગોલિક સ્થાન 45° 10’ ઉ. અ. અને 15° 30’ પૂ. રે.. આ રાજ્ય યુગોસ્લાવિયાની ઉત્તરે અર્ધચન્દ્રાકાર વિસ્તાર ધરાવે છે. તેનું કુલ ક્ષેત્રફળ 56,538 ચોકિમી. છે. યુગોસ્લાવિયાનાં ઘટક રાજ્યોમાં તે સૌથી મોટું અને ઔદ્યોગિક ર્દષ્ટિએ સૌથી આગળ વધેલું રાજ્ય છે.

ક્રોએશિયા મધ્ય યુરોપનો દેશ છે. તેની ઉત્તરે સ્લોવેનિયા અને હંગેરી, પૂર્વ તરફ બોસ્નિયા-હર્ઝગોવિના અને સર્બિયા, દક્ષિણ તેમજ નૈર્ઋત્યમાં એડ્રિયાટિક સમુદ્ર આવેલો છે. આ પ્રદેશ ડૅન્યૂબ અને તેને મળતી ડ્રાવા અને સાવા નદીઓ વચ્ચે આવેલો છે.

ઈશાન ખૂણે આવેલ ઉત્તર ક્રોએશિયાનો ભાગ સપાટ અને ફળદ્રૂપ છે. નજીકનો ડિનારિક આલ્પ્સનો પ્રદેશ ડુંગરાળ છે, જેની વધુમાં વધુ ઊંચાઈ 1,500 મી. છે.

ક્રોએશિયા

આબોહવા : અહીં ગરમ ઉનાળો અને ઠંડા શિયાળાવાળી આબોહવા પ્રવર્તે છે. સ્પ્લિટની દક્ષિણે આવેલ કાંઠાના વિસ્તારમાં સૂકો અને ગરમ ઉનાળો અને ભેજવાળા શિયાળામાં વરસાદી આબોહવા છે. સ્પ્લિટની ઉત્તરે એડ્રિયાટિક પ્રકારની આબોહવા છે. અહીં સૂકો શિયાળો છે પણ ‘બુરા’ તરીકે ઓળખાતા ઠંડા ઝંઝાવાતી પવનો વાય છે. એડ્રિયાટિક સમુદ્રના અંદરના ભાગમાં આવેલ ડિનારિક પર્વતાળ પ્રદેશની આબોહવા શિયાળામાં અને ઉનાળામાં મધ્યમસર ઠંડી અને ગરમ હોય છે પણ વરસાદનું પ્રમાણ વધારે હોય છે. પાટનગર ઝાગ્રેબનું વાર્ષિક સરેરાશ તાપમાન 14.3° સે. રહે છે. વાર્ષિક સરેરાશ વરસાદ 1,810 મિમી. પડે છે.

ક્રોએશિયામાં પર્ણપાતી પ્રકારનાં જંગલોમાં ઓક, પાઇન, બર્ચ, ફર, મેપલ વગેરે વૃક્ષો ઇમારતી લાકડું આપે છે. શર્કરા, કંદ, બટાકા, શણ, મકાઈ, જવ, ઘઉં, ઓટ, રાઈ વગેરે ઉત્પન્ન થાય છે. બૉક્સાઇટ, પેટ્રોલિયમ અને કોલસો મુખ્ય ખનિજો છે.

લોખંડ અને પોલાદની વસ્તુઓ, મશીન-ટૂલ તથા વીજળીનાં યંત્રો અને સાધનો બનાવવાના ઉદ્યોગ; ખાંડ, કાગળ, સિમેન્ટ, કાપડ અને ચામડાના ઉદ્યોગ ઝાગ્રેબ, રિજેકા, સ્પ્લિટ, કાર્લોવાક વગેરે શહેરોમાં વિકસ્યા છે. દારૂ ગાળવાના, વહાણો તથા સ્ટીમરો બાંધવાના અને મચ્છીમારી તથા પ્રવાસનના ઉદ્યોગો પણ વિકસ્યા છે. જંગલોને કારણે કાગળ-ઉદ્યોગ સ્થપાયો છે. ઇમારતી લાકડું નિકાસ થાય છે. કોલસો તથા જળવિદ્યુત ઊર્જાના સ્રોત છે.

પરિવહન : ક્રોએશિયામાં 28,588 કિમી. લંબાઈના સડક માર્ગો, 2,726 કિમી.ના રેલમાર્ગો આવેલા છે. ઝાગ્રેબ, સ્પ્લિટ અને ડુબ્રોનિકમાં હવાઈ મથકોની સુવિધા છે, તે પૈકી ઝાગ્રેબ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે. અહીંનું મુખ્ય બંદર રિજેકા છે. ક્રોએશિયાના લોકો સ્લાવ જાતિના અને રોમન કૅથલિક પંથના છે. ક્રોએશિયાના લોકો સર્બો-ક્રોએશિયન ભાષા બોલે છે અને લખાણમાં રોમન લિપિનો ઉપયોગ કરે છે. વસ્તી : 45,30,000 (2010).

ઇતિહાસ : યુઝની બગ અને નીપર નદીઓ વચ્ચેના યુક્રેનના પ્રદેશમાંથી ક્રોએશિયન લોકો સ્થળાંતર કરીને છઠ્ઠી સદી દરમિયાન પન્નોનિયન અને ડાલમેશિયાના પ્રદેશમાં વસ્યા હતા. સાતમી સદીમાં તેઓએ રોમન કૅથલિક ધર્મ સ્વીકાર્યો હતો. દસમી સદી સુધી સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહ્યા બાદ 1091માં હંગેરીના શાસક લેડીસ્લાવ પહેલાએ ક્રોએશિયાને જીતી લીધેલ. આઠ સદી સુધી તે હંગેરીના ભાગરૂપ હતો તેમ છતાં તેની અલગ ડાએટ કે લોકપ્રતિનિધિસભા હતી. 1526–1699 સુધી ઑટોમન સામ્રાજ્ય નીચે તે દેશ રહ્યો હતો. 1809થી 1813 દરમિયાન નેપોલિયન બોનાપાર્ટના ઇલિરિયા પ્રાંતનો તે ભાગ બનેલ. 1849થી ઑસ્ટ્રિયન તાજનો અને 1908થી તે હંગેરીના તાજનો શાસિત પ્રદેશ હતો. 29–10–1918થી ક્રોએશિયાએ હંગેરી-ઑસ્ટ્રિયાની ધૂંસરી ફગાવી દીધી હતી અને નૅશનલ કાઉન્સિલનું શાસન શરૂ થયું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની અને ઇટાલીએ આ સમગ્ર પ્રદેશ જીતી લીધો હતો. 10–4–1941થી તે જર્મન અસર તળેનું સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. તેનો શાસક એન્ટે પવેલિક ક્રૂર સરમુખત્યાર હતો.

ક્રોએશિયન ગેરીલાઓએ સામનો કરી જર્મન વર્ચસ્ ને સરમુખત્યારશાહીનો સામનો કર્યો હતો. 1945માં ઝાગ્રેબ જિતાતાં ફરી તે સ્વતંત્ર બન્યું હતું. સર્બિયન અને ક્રોએશિયન લોકો વચ્ચે મનમેળ ઓછો હતો છતાં માર્શલ ટીટોના શાસન (1945–1980) સુધી બંને જાતિઓનું ઐક્ય જળવાયું હતું. 1992થી ક્રોએશિયા યુગોસ્લાવિયાથી અલગ થયું છે અને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા મળતાં તે સંઘરાષ્ટ્રોનું સભ્ય બન્યું છે.

તેના મુખ્ય શહેર ઝાગ્રેબની 6,84,142 (2023) વસ્તી હતી. રિજેકા (ફ્યુમ) મુખ્ય બંદર છે. તેની વસ્તી 1,49,830 (2023) હતી. સ્પ્લિટની 1,28,624 (2023) વસ્તી છે. ઓસીજે, ડુબ્રોનિક અને મુચ નાનાં શહેરો છે.

રાજકીય : 21 ડિસેમ્બર, 1990થી નવા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. પ્રમુખ દેશના વડા તરીકે પાંચ વર્ષ માટે ચૂંટાય છે તેમજ તેમની પુન: ચૂંટણી આ જ હોદ્દા પર કરી શકાય છે. કાયદાઓના ઘડતર માટે દ્વિગૃહી ધારાસભા  ‘સાબોર’ નામથી ઓળખાતી પાર્લમેન્ટ ધરાવે છે, જેમાં નીચલું ગૃહ ‘હાઉસ ઑવ્ રિપ્રેઝન્ટિવ્ઝ’ 127 સભ્યોથી રચાય છે અને ઉપલું ગૃહ ‘ચેમ્બર ઑવ્ કાઉન્ટિઝ’ 68 સભ્યોથી રચાય છે. પ્રમાણસર પ્રતિનિધિત્વના આધારે કાઉન્ટીના સભ્યો ચૂંટાય છે અને તેઓ ઉપલા ગૃહમાં જે તે કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરે છે. પાંચ સભ્યો રાષ્ટ્રપ્રમુખ દ્વારા ચૂંટાય છે. આ ઉપલું ગૃહ મુખ્યત્વે માર્ગદર્શન અને સલાહસૂચન આપતું ગૃહ છે. 1989 સુધી સામ્યવાદી શાસન ધરાવતો આ દેશ 1990થી બહુપક્ષી પ્રજાસત્તાક ધરાવે છે. તે પછી તે ક્રોએશિયન ડેમૉક્રેટિક યુનિયન નામ ધરાવે છે. 1991ના રેફરન્ડમ દ્વારા સ્વતંત્ર પ્રજાસત્તાક તરીકે તે અસ્તિત્વમાં આવ્યો; પરંતુ સર્બ અને ક્રોએશિયન પ્રજાનાં બે મુખ્ય જૂથો વચ્ચે ગજગ્રાહ ચાલતો રહે છે.

શિવપ્રસાદ રાજગોર

રક્ષા મ. વ્યાસ