ક્રૉગ, શેક ઑગસ્ટ સ્ટીનબર્ગ (જ. 15 નવેમ્બર 1874, ગ્રેના, ડેન્માર્ક; અ. 13 સપ્ટેમ્બર 1949, કૉપનહેગન) : 1920માં શરીરક્રિયાશાસ્ત્ર અને તબીબીવિજ્ઞાન શાખાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમની શોધનો વિષય હતો કેશવાહિનીઓ(capillaries)ની સંકોચન-વિસ્ફારણ
(contraction-dilatation)ની પ્રવિધિનું નિયમન. તેમના સંશોધનકાર્યનો મહત્વનો ફાળો માણસની શ્વસનક્રિયા અને પેશીઓમાં લોહીની વહેંચણી તથા પરિભ્રમણની પ્રક્રિયાના ક્ષેત્રમાં છે. ક્રૉગ તથા કે. એ. હેસલબેલ્કે 1904માં ઑક્સિહીમોગ્લોબિનમાંનો ઑક્સિજન છૂટો પડીને પેશીમાં જાય તે પ્રક્રિયામાં કાર્બન ડાયૉક્સાઇડનો આંશિક દાબ (partial pressure) મહત્વનો છે તેવું દર્શાવ્યું હતું. 1908માં તેમણે કેશવાહિનીઓ અને પેશીમાંના વાયુનું આંશિક દબાણ જાણવા માટે સૂક્ષ્મ-વાયુદાબમાપક (microaero-tonometer) બનાવ્યું હતું. તેમણે અને તેમનાં પત્નીએ પ્રયોગો દ્વારા ફેફસાંના વાયુપોટા(alveoli)માંથી ઑક્સિજનનો કેશવાહિનીમાંના લોહીમાં પ્રવેશ સાદા પ્રસરણ(diffusion)થી થાય છે તેવું દર્શાવ્યું હતું. તેમણે પ્રસરણ દ્વારા લોહીમાં કેટલો ઑક્સિજન પ્રવેશે છે તેનું પણ માપ કાઢ્યું. 1912માં તેમણે અને જોહાનેસ લિન્ડહાર્ડે માણસમાં લોહીના પરિભ્રમણનો દર પણ મેળવ્યો હતો. તેમણે મૌલિક ગણતરીઓ કરીને સ્નાયુઓની આરામની સ્થિતિમાં અને સક્રિય સ્થિતિમાં ખુલ્લી કેશવાહિનીઓની સંખ્યા અને તેમાં થતું લોહીનું પરિભ્રમણ નક્કી કર્યું હતું. તેમણે દર્શાવ્યું હતું કે સ્નાયુ જ્યારે સક્રિય થઈને સંકોચનો કરે ત્યારે કેશવાહિનીઓ ખૂલે છે અને તેના લોહીનું પરિભ્રમણ થાય છે. સ્નાયુ આરામની સ્થિતિમાં હોય ત્યારે કેશવાહિનીઓ તેમની મૂળભૂત સજ્જતા(tonus)ને કારણે સંકોચાઈ જાય છે. આમ જ્યારે ઑક્સિજનની જરૂરિયાત વધે છે ત્યારે જ કેશવાહિનીઓનું વિસ્ફારણ (પહોળું થવું) થાય છે.
શિલીન નં. શુક્લ