ક્રેબ્ઝ, હાન્સ ઍડોલ્ફ (સર) (જ. 25 ઑગસ્ટ 1900, હિલ્ડેશેઇમ, પશ્ર્ચિમ જર્મની; અ. 22 નવેમ્બર 1981, ઑક્સફર્ડ) : ગ્રેટ બ્રિટનના પ્રસિદ્ધ જૈવરસાયણશાસ્ત્રી. ક્રેબ્ઝ-ચક્ર અથવા ટ્રાઇકાબૉર્ક્સિલિક ઍસિડ-ચક્ર અથવા સાઇટ્રિક ઍસિડ-ચક્રની શોધ બદલ 1953માં ફિઝિયૉલૉજી અથવા મેડિસિનના નોબેલ પુરુસ્કારના લિપ્મૅન ફિટ્ઝ આલ્બર્ટ સાથે સહવિજેતા.

યહૂદી ચિકિત્સકના આ પુત્રે ગોટન્જન, ફ્રાઇબુર્ગ, મ્યૂનિક, બર્લિન અને અંતે 1925માં હેમ્બર્ગની યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને એમ.ડી.ની ડિગ્રી મેળવી. પાંચ વર્ષ સંશોધનકાર્ય કર્યા પછી 1930માં ફ્રાઇબુર્ગમાં જૈવરસાયણ-વિભાગમાં વ્યાખ્યાતા તરીકે નિમાયા. 1933માં નાઝીઓના ત્રાસથી તેમને ઇંગ્લૅન્ડ જવું પડ્યું. તે 1935માં શેફિલ્ડમાં ઔષધગુણનિર્માણશાસ્ત્ર(pharmacology)ના અને 1938માં જૈવરસાયણશાસ્ત્ર(biochemistry)ના વ્યાખ્યાતા તરીકે નિયુક્ત થયા. 1945માં યુનિવર્સિટીમાં જૈવરસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક અને પછી મેડિકલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા સ્થપાયેલ સેલ મેટાબૉલિઝમ રિસર્ચ યુનિટના ડિરેક્ટર બન્યા. 1954માં વ્હિટલી ચૅર ઑવ્ બાયૉકેમિસ્ટ્રીનો સ્વીકાર કર્યા પછી 1967 સુધી તે પદ પર રહ્યા. ત્યાર પછી પણ લંડનની ફ્રી હૉસ્પિટલમાં જૈવરસાયણશાસ્ત્રના મુલાકાતી પ્રાધ્યાપક રહ્યા. પોતાના ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિના કારણે તેમને 1958માં નાઇટહૂડનો ખિતાબ અને 1961માં કોપ્લે ચંદ્રક મળ્યા. આ ઉપરાંત શિકાગો, ફ્રાયબુર્ગ, પૅરિસ, લંડન, બર્લિન (હમ્બોલ્ટ), જેરૂસલેમ, લીડ્ઝ વગેરે યુનિવર્સિટીઓની માનાર્હ પદવીઓ પણ તેમને એનાયત થઈ હતી.

સર હાન્સ ઍડોલ્ફ ક્રેબ્ઝ

વૈજ્ઞાનિક ક્ષેત્રે તેમનાં ત્રણ મહાન પ્રદાન છે – (1) ક્રેબ્ઝ-ચક્રની શોધ, (2) ઑર્નિથીન-ચક્ર અથવા યુરિયા-ચક્રની શોધ અને (3) 1957માં હેન્સ કૉર્નબર્ગની સાથે લખેલ પુસ્તક ‘ઍનર્જી ટ્રાન્સફૉર્મેશન ઇન લિવિંગ મેટર’.

કોષમાં ગ્લુકોઝના જારક (aerobic) દહનમાંથી ઊર્જા ઉત્પન્ન કરતી રાસાયણિક શૃંખલા – સાઇટ્રિક ઍસિડ-ચક્ર અથવા ટ્રાઇકાબૉર્ક્સિલિક ઍસિડ-ચક્રની તેમની શકવર્તી શોધને તેમના નામ ઉપરથી ક્રેબ્ઝનું ચક્ર પણ કહે છે.

ઇંગ્લૅન્ડની શેફિલ્ડ યુનિવર્સિટીમાં જૈવરસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે તેમણે સાઇટ્રિક ઍસિડ-ચક્રના પાંચ અગત્યના તબક્કા શોધી કાઢ્યા જેના દ્વારા પાયરુવિક ઍસિડમાંથી કાર્બન-ડાયૉક્સાઇડ તથા પાણી ઉપરાંત અગત્યના ઘટક તરીકે ઊર્જા મળે છે.

શિલીન નં. શુક્લ