ક્રેપલીન, એમીલ (જ. 15 ફેબ્રુઆરી 1856, નૉઇસ્ટ્રેલિટ્ઝ, જર્મની; અ. 7 ઑક્ટોબર 1926, મ્યૂનિક) : વિખ્યાત જર્મન મનોરોગચિકિત્સક તથા પ્રાયોગિક મનોરોગચિકિત્સાના પ્રવર્તક. શિક્ષણ જર્મનીના વુટર્ઝબર્ગ, મ્યૂનિક તથા લાઇપઝિગ ખાતે. 1878માં તબીબીશાસ્ત્રમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી મ્યૂનિક અને લાઇપઝિગ ખાતે મનોરોગચિકિત્સાના સહાયક (1878-80) અને તે પછી લીબસ ખાતેની સિલેસિયન ઇન્સ્ટિટ્યૂટ અને ડ્રેસડનની મ્યુનિસિપલ હૉસ્પિટલમાં મુખ્ય મનોવૈજ્ઞાનિક તરીકે કામ કર્યું (1880-85). ત્યાર બાદ જર્મનીની ડૉરપેટ (1886-90), હાઇડલબર્ગ (1890-1904) તથા મ્યૂનિક (1904-1924) યુનિવર્સિટીઓમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર થયા. મનોરોગચિકિત્સાક્ષેત્રના સંશોધન માટે પૂર્ણ સમય ફાળવવાના હેતુથી 1924માં તેમણે રાજીનામું આપ્યું. તે પહેલાં 1917માં મ્યૂનિક ખાતે માનસોપચાર સંશોધન કેન્દ્રની સ્થાપના કરી હતી.

આ નિષ્ણાત માનસશાસ્ત્રીએ સતત પચાસ વર્ષ સુધી મનોરોગચિકિત્સાના ક્ષેત્રે સંશોધન કર્યું અને તેને આધારે વિવિધ પ્રકારની મનોવિકૃતિઓનું વર્ગીકરણ કર્યું, જે થોડાક ફેરફારો સાથે આજે પણ પ્રમાણભૂત ગણવામાં આવે છે. તેમણે વર્તનલક્ષી (behavioural) મનોવિકૃતિના બે પ્રકાર ગણાવ્યા છે : મનોવિચ્છિન્નતા (schizophrenia) અને ઉદ્દીપન-ખિન્નતા (stimulation- depression). તેમના મત મુજબ પ્રથમ મનોવિકૃતિ વૈચારિક સ્વરૂપની તો બીજી સંવેગાત્મક (emotive) સ્વરૂપની હોય છે. ઉદ્દીપન-ખિન્નતા મનોવિકૃતિનું તેમણે ઊંડું સંશોધન કર્યું હતું અને તેને આધારે ઉદ્દીપન અને ખિન્નતા આ બે ભિન્ન અવસ્થાઓના મિશ્રણથી એક વ્યાપક ‘ઉદ્દીપન-ખિન્નતા મનોવિકૃતિ’નો અભિગમ રજૂ કર્યો છે. તેમનું મનોવિકૃતિઓનું વર્ગીકરણ તથા તેના નિદાન માટે તેમણે ઉપયોગમાં લીધેલી વસ્તુલક્ષી (objective) કસોટીઓને લીધે મનોવિકૃતિઓના સંશોધનને વ્યાપક પ્રોત્સાહન મળ્યું છે.

ગુનેગારી, મદ્યપાન તથા ધૂમ્રપાન અંગે પણ તેમનું સંશોધન મૌલિક ગણાય છે. મદ્યપાન અને ધૂમ્રપાન જેવાં વ્યસનોને લીધે જોખમાતા વ્યક્તિગત અને સામાજિક આરોગ્ય ઉપરાંત નવી પેઢી પર તેનાં અનિષ્ટ આનુવંશિક પરિણામો આવે છે એવું તેમણે પ્રતિપાદિત કર્યું છે.

મૂળ જર્મન ભાષામાં લખાયેલા તેમના ગ્રંથોમાંથી કેટલાકનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થયેલો છે; દા.ત., ‘ટેક્સ્ટ બુક ઑન સાઇકિયાટ્રી’ (1883, અનુ. 1909), ‘લેક્ચર્સ ઑન ક્લિનિકલ સાઇકિયાટ્રી’ (1901, અનુ. 1913) તથા ‘વન હન્ડ્રેડ યર્સ ઑવ્ સાઇકિયાટ્રી’ (1917, અનુ. 1962).

બાળકૃષ્ણ માધવરાવ મૂળે