ક્રૅનૅક, અર્ન્સ્ટ (જ. 23 ઑગસ્ટ 1900, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 22 ડિસેમ્બર 1991, કૅલિફૉર્નિયા, યુ. એસ.) : આધુનિક ઑસ્ટ્રિયન સંગીતકાર અને સંગીતનિયોજક. સપ્તકના બારે સ્વરોમાં કોમળ-તીવ્રના ભેદભાવ પાડ્યા વિના સમાન ગણાતી આધુનિક સંગીતપદ્ધતિ ‘ઍટોનાલિટી’ની ચોક્કસ સ્વર શ્રેણીઓનો આગ્રહ ધરાવતી ‘સિરિયાલિઝમ’ શાખાના વિકાસમાં ક્રૅનૅકનું પ્રદાન વિશિષ્ટ છે.

વિયેના અને બર્લિનમાં સંગીતનો અભ્યાસ પૂરો કર્યા પછી ક્રૅનૅકે કૅસલના ઑપેરાહાઉસમાં 1925થી 1927 સુધી તથા વિસ્બેડનના ઑપેરાહાઉસમાં 1927થી 1928 સુધી મદદનીશ તરીકે કામ કર્યું. 1938માં તેમણે અમેરિકામાં શૈક્ષણિક કારકિર્દી આરંભી. ન્યૂયૉર્કમાં પાઉકીપ્સે ખાતે વાસાર કૉલેજમાં 1939થી 1942 સુધી તથા મિનેસોટાના સેંટ પોલ નગરમાં હેમ્લાઇન યુનિવર્સિટીમાં 1942થી 1947 સુધી સંગીતનિયોજનનું અધ્યાપન કર્યું. 1945માં તેમણે અમેરિકન નાગરિકત્વ સ્વીકાર્યું અને 1947થી તેઓ કૅલિફૉર્નિયામાં સ્થિર થયા.

ક્રૅનૅકની આરંભની કૃતિઓ ઉપર આધુનિક ઑસ્ટ્રિયન સંગીતનિયોજક ગુસ્તાફ મૅહ્લરની અસર છે, જેને પરિણામે તેમાં વિસંવાદી સ્વરોથી સર્જાતું અભિવ્યક્તિવાદી વાતાવરણ જોવા મળે છે, 1927માં એમના પ્રથમ ઑપેરા ‘જોની સ્ટ્રાઇક્સ અપ ધ બૅન્ડ !’થી એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. એમાં અભિવ્યક્તિવાદી ‘ઍટોનાલિટી’ સાથે જાઝી લઢણોનો સુમેળ છે. એ પછી થોડા સમય માટે શુબર્ટની રંગદર્શી લઢણોમાં ખેંચાયા પછી 1933માં તેમણે ‘સિરિયાલિઝમ’ની સ્વરશ્રેણીઓ રચી. સંપૂર્ણ ‘એટોનાલિટી’ શૈલીમાં તેમણે ઑવેરા ‘કાર્લ V’ લખ્યો, જેનું પહેલું ગાયનવાદનમંચન 1938માં થયું. આ જ શૈલીમાં તેમણે ‘પિયાનો કન્ચર્ટો નં. 2’ (1938) અને ‘સિમ્ફની નં. 4’ (1947) લખ્યાં.

અર્ન્સ્ટ ક્રૅનૅક

ક્રૅનૅક પ્રયોગશીલ રહ્યા છે. તેમની કૃતિ ‘પિયાનો કન્ચર્ટો નં 3’ યુરોપની પ્રણાલીગત ટોનાલિટીની શૈલીમાં છે. તેમની ‘સિમ્ફની નં. 5’ ‘ઍટોનાલિટી’ શૈલીમાં છે, પણ તેમાં ‘સિરિયાલિઝમ’ અનુસાર સ્વરશ્રેણીઓ નથી. ઓરેટોરિયો નામના ખ્રિસ્તી ગાનપ્રકાર ‘સ્પિરિટ્સ ઇન્ટેલિજેન્ટી’માં તેમણે ઇલેક્ટ્રૉનિક વાદ્યોનો ઉપયોગ કર્યો છે. પાંચ સુષિર વાદ્યો માટેની ‘ક્વિન્ટેટ’ રચનામાં તેમજ ‘ફિબોનાયી મોબાઇલ’ નામની રચનામાં ગણિતને આધારે તેમણે સંગીતનિયોજન કર્યું છે. આ ઉપરાંત તેમનો ઑપેરા ‘પાલાસ એથીના વીપ્સ’ (1955) પણ અગત્યનો ગણાયો છે. આ ઉપરાંત તેમણે હાર્પ તેમજ ઑર્ગન માટે સૉનાટા લખ્યાં છે. તેમણે પુસ્તકો પણ લખ્યાં છે : ‘મ્યુઝિક હિયર ઍન્ડ નાઉ’ (1939), ‘સ્ટડીઝ ઇન કાઉન્ટરપૉઇન્ટ’ (1940), તથા આત્મકથા ‘સેલ્ફ એનાલિસિસ’ (1953).

અમિતાભ મડિયા