ક્રેન, હાર્ટ (હૅરલ્ડ) (જ. 21 જુલાઈ 1899, ઓહાયો; અ. 27 એપ્રિલ 1932, લંડન) : અમેરિકન કવિ. તેમનું મોટા ભાગનું જીવન ન્યૂયૉર્ક શહેરમાં વ્યતીત થયું હતું. માતાપિતાના દુ:ખી લગ્નજીવનનો તેમને ઊંડો ખેદ હતો. દારૂની આદત અને ન્યૂયૉર્ક શહેરની મોંઘવારીએ તેમના જીવનને ડહોળી નાખ્યું હતું. 33 વર્ષની યુવાનવયે તેમણે સમુદ્રમાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો.

હાર્ટ ક્રેન

ફ્રેન્ચ પ્રતીકવાદીઓ, ટી. એસ. એલિયટ અને વૉલ્ટ વ્હિટમૅનનો તેમના ઉપર ઊંડો પ્રભાવ હતો. સુપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર હર્મન મેલ્વિલ, મહાકવિ વૉલ્ટ વ્હિટમૅન અને કવયિત્રી એમિલી ડિકિન્સનની રચનાઓનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. ન્યૂયૉર્ક આવી તેમણે પત્રકાર અને ખબરપત્રી તરીકેની કારકિર્દી શરૂ કરી. ટૂંકા જીવનકાળમાં ક્રેને સમકાલીન વિવેચકોની મુગ્ધ પ્રશંસા પ્રાપ્ત કરી હતી. તેમનાં કાવ્યોમાં જળ અને સમુદ્રને લગતાં પ્રતીકો અવારનવાર આવે છે. 25 વર્ષની યુવાન વયે 1924માં અમેરિકન સમાજ, સંસ્કૃતિ અને ગૌરવનો ચિતાર આપતા અને તેની પુષ્ટિ કરતા મહાકાવ્યની રચના કરવાનું તેમણે આયોજન કર્યું હતું. આજે પણ હાર્ટ ક્રેન ‘ધ બ્રિજ’ (1930) કાવ્યના રચયિતા તરીકે જાણીતા છે. આ કાવ્ય ટી. એસ. એલિયટના ‘ધ વેસ્ટ લૅન્ડ’ કાવ્યમાં વ્યક્ત થતા નકારાત્મક તત્વજ્ઞાનનું સમર્થન કરે છે. કાવ્યનો પ્રત્યેક ભાગ અમેરિકાના ઇતિહાસ અને સંસ્કૃતિના કોઈ ચોક્કસ પાસા ઉપર પ્રકાશ ફેંકે છે. આ કાવ્ય સંદિગ્ધ હોવા છતાં સચોટ રીતે અમેરિકન પ્રજાની માન્યતાઓની સમીક્ષા કરે છે અને વ્હિટમૅનના વિચારોને પ્રતિધ્વનિત કરે છે. કાવ્યમાં નિર્દેશાયેલાં રાષ્ટ્રીય પ્રતીકોમાંનું એક મુખ્ય પ્રતીક બ્રુકલિન બ્રિજનું છે અને કોલંબસ અને રિપ વાન વિંકલ જેવાં ઐતિહાસિક અને સાહિત્યિક પાત્રોનો અમેરિકાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નિર્દેશ કરે છે. 1926માં તેમનો ‘વ્હાઇટ બિલ્ડિંગ્ઝ’ નામનો સર્વપ્રથમ અને 1933માં ‘કલેક્ટેડ પોએમ્સ’ના શીર્ષક હેઠળ અંતિમ કાવ્યસંગ્રહ બહાર પડ્યો. ‘વ્હાઇટ બિલ્ડિંગ્ઝ’ની રજૂઆત બાદ ક્રેનની અગ્રગણ્ય અમેરિકન કવિ તરીકે ગણના થવા માંડી.

ફેલોશિપ મેળવીને એક વર્ષ મેક્સિકોમાં રહ્યા બાદ સ્ટીમર દ્વારા અમેરિકા પાછા ફરતાં સમુદ્ર – જે તેમનાં કાવ્યોમાં પ્રેમ અને મૃત્યુ એમ બંનેના પ્રતીક તરીકે વિનિયોગ પામેલ છે તેમાં ઝંપલાવી જીવનને સંકેલી લીધું. તેમના દેહાંત બાદ બી. વેબરે સંપાદન કરેલ ‘કમ્પ્લીટ પોએમ્સ ઍન્ડ સિલેક્ટેડ લેટર્સ ઍન્ડ પ્રોઝ’નું પ્રકાશન થયું હતું.

અનંત ર. શુક્લ