ક્રેન, સ્ટીફન (જ. 1 નવેમ્બર 1871, નેવાર્ક, ન્યૂ જર્સી, યુ.એસ.; અ. 5 જૂન 1900, બેડનવીલર બેડન, જર્મની) : અમેરિકન નવલકથાકાર, કવિ અને ટૂંકી-વાર્તાકાર. પિતા મેથડિસ્ટ પાદરી. શાળાનો અભ્યાસ પૂરો કરીને, ન્યૂયૉર્ક જઈને તેમણે પ્રથમ ‘ટ્રિબ્યૂન’માં અને ત્યાર બાદ ‘હૅરલ્ડ’માં સેવા આપી. ત્યાર બાદ 1893માં તેમણે પ્રથમ નવલકથા ‘મૅગી, અ ગર્લ ઑવ્ ધ સ્ટ્રીટ્સ’ અને 1895માં ‘ધ રેડ બૅજ ઑવ્ કરેજ’ પ્રસિદ્ધ કરી. ‘મૅગી’ને અતિશય ‘નિર્દય’ ગણાવીને બધા જ પ્રકાશકોએ પ્રસિદ્ધ કરવાની ના પાડી હતી. અંતે ક્રેને તેમના ભાઈ પાસેથી નાણાં મેળવીને જાતે જ આ નવલકથા પ્રસિદ્ધ કરી હતી. ‘મૅગી’ને પૂરતી સફળતા ન મળી, પરંતુ ‘ધ રેડ બૅજ ઑવ્ કરેજ’ને વાચકો અને વિવેચકો બંને તરફથી વ્યાપક આવકાર મળ્યો. ક્રેનના મત અનુસાર ‘ભયનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ’ કરતી આ નવલકથા છે.

સ્ટીફન ક્રેન

1896માં અમેરિકાના આંતરવિગ્રહ ઉપર આધારિત નવલિકાસંગ્રહ ‘ધ લિટલ રેજિમેન્ટ’ બહાર પાડ્યો. આ જ વર્ષમાં ‘જ્યૉજર્સ મધર’ નામની ન્યૂયૉર્કના શ્રમજીવીઓનાં જીવનનાં વિવિધ પાસાં ઉપર પ્રકાશ ફેંકતી નવલકથા પ્રસિદ્ધ કરી. તે પછી 1897માં યુવાન કલાકારને આલેખતી ‘ધ થર્ડ વાયોલેટ’ નામની લઘુનવલ પ્રસિદ્ધ કરી. આ બધાં વર્ષો દરમિયાન ક્રેને પત્રકાર તરીકે સેવાઓ આપવાનું ચાલુ રાખ્યું અને તે માટે અમેરિકાનાં નૈર્ઋત્યનાં રાજ્યોની તથા મેક્સિકોની અને છેલ્લે 1896માં ક્યૂબાની મુલાકાત લીધી. ક્યૂબાની મુલાકાત દરમિયાન તેમના વહાણને નુકસાન થયું. પરિણામે તેમને ત્રણ દિવસ સુધી સમુદ્રમાં ખુલ્લી હોડીમાં રહેવું પડ્યું હતું. આ કપરા અનુભવને વાચા આપતી ‘ધ ઓપન બોટ’ વાર્તા સહિતનો વાર્તાસંગ્રહ ‘ધ ઓપન બોટ ઍન્ડ અધર સ્ટૉરીઝ’ 1898માં પ્રસિદ્ધ કર્યો. આ અનુભવે તેમની એક શ્રેષ્ઠ વાર્તાનું સર્જન કરવાની તક પૂરી પાડી અને સાથે સાથે તેમના સ્વાસ્થ્યને કાયમી માઠી અસર પહોંચાડી.

1897માં તે તેમની સાથીદાર કોરા ટેલરની સાથે ગ્રીસની મુસાફરીએ ગયા, ત્યાં તેમણે યુદ્ધ સંવાદદાતા તરીકેની સેવા આપવાનું કાર્ય સ્વીકાર્યું; પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેમને ગ્રીસ છોડીને ઇંગ્લૅન્ડ જવાની ફરજ પડી. 1898માં ઇંગ્લૅન્ડમાં તેમણે કોરા સાથે લગ્ન કર્યાં. ઇંગ્લૅન્ડમાં તેમની મુલાકાત તેમના મુગ્ધ પ્રશંસકો અને સુપ્રસિદ્ધ નવલકથાકારો જૉસેફ કૉનરૅડ અને હેન્રી જેમ્સ સાથે થઈ. 1899માં ગ્રીસ અને તુર્કી વચ્ચેના યુદ્ધના અનુભવો ઉપર આધારિત ‘ઍક્ટિવ સર્વિસ’ નવલકથા પ્રસિદ્ધ કરી. 1899માં તે સ્પેન-અમેરિકન યુદ્ધની વિગતો પ્રાપ્ત કરવા ક્યૂબા ગયા; પરંતુ તબિયત બગડવાથી ફરીથી ઇંગ્લૅન્ડ પાછા ફરવું પડ્યું. માત્ર 29 વર્ષની યુવાન વયે 1900માં ક્ષયરોગના કારણે તેમનું અવસાન થયું.

‘ધ મૉન્સ્ટર’(1898)માં તેમની કેટલીક ખૂબ જ જાણીતી વાર્તાઓ છે. ‘ધ બ્લૅક રાઇડર’ (1895) અને ‘વૉર ઇઝ કાઇન્ડ’ (1900) તેમના કાવ્યસંગ્રહો છે. તેમના નિધન બાદ પ્રસિદ્ધ થયેલ ‘વુન્ડ્ઝ ઇન ધ રેન’- (1900)માં યુદ્ધકાલીન પત્રકાર તરીકેની ફરજો બજાવતાં થયેલા અનુભવોનો સમાવેશ કરતી વાર્તાઓ અને રેખાચિત્રો છે, જ્યારે ‘વ્હીલોમ્વિલ સ્ટોરીઝ’(1900)માં ન્યૂયૉર્ક રાજ્યના એક નાના શહેરમાં વિતાવેલા બાળપણ વિશેની માહિતી અને રજૂઆત છે.

અનંત ર. શુક્લ