ક્રેત્યુ દ ત્વા (આશરે 1160-1182) : મધ્યયુગીન ફ્રેન્ચ કવિ તથા પ્રેમશૌર્યની રોમાન્સ પ્રકારની રચનાઓના આદ્ય સર્જક. તેમના જીવનકાળ વિશે ભાગ્યે જ કશી માહિતી સાંપડે છે; પરંતુ એટલું કહી શકાય તેમ છે કે લૂઈ સાતમાની પુત્રી અને શૅમ્પેનની કાઉન્ટેસ મેરીના દરબારમાં તે અવારનવાર આવતા-જતા. રાજદરબાર સાથેના ઘરોબાના પરિણામે રાજરંગ આલેખતી રોમાન્સ રચનાઓ આલેખવાનાં પ્રેરણા, પ્રોત્સાહન અને નિમિત્ત તેમને મળી રહ્યાં. આશરે 1178માં રચાયેલું ‘લાન્સલોટ’ કાઉન્ટેસ મેરી માટે તથા આશરે 1182માં રચાયેલું ‘પર્સિવલ’ ફ્લૅન્ડર્સના કાઉન્ટ ફિલિપ માટે લખાયેલ છે.
આ બે ઉપરાંત, તેમણે આવી બીજી ત્રણ રોમાન્સ કાવ્યકૃતિઓ રચી છે. ‘Erec’ (આશરે 1160-1164), ‘Cliges’ (આશરે 1160-1164) અને ‘Yvain’ (આશરે 1164-1172); આમાંની છેલ્લી રચના તેમના અવસાન-સમયે અધૂરી રહી હતી. પ્રણય તથા સાહસના રંગે રંગાયેલી આ રાજકથાઓ પ્રગટ થતાંવેંત ફ્રેન્ચ કવિઓએ તેનું અનુકરણ કરવા માંડ્યું અને કેટલાય દાયકા સુધી તેના અનુવાદ થતા રહ્યા અને તેની કથાસામગ્રીનો ઉપયોગ થતો રહ્યો. તેમના કથાપ્રસંગોમાં સ્વયંસ્ફુરણા કે મૌલિકતા ઓછી છે. તેમણે મધ્યકાલીન યુગના લિખિત કથાસાહિત્ય તથા વ્યવસાયી લોકગાયકોની સામગ્રી પર આધાર રાખ્યો છે. અલબત્ત, આ ઘટનાઓના સુયોજિત સંકલન તથા રસપ્રદ કથાવિસ્તારમાં તેમણે સુંદર કૌશલ્ય દાખવ્યું છે. મુખ્યત્વે તે જુદી જુદી શૌર્યકથાઓને પરસ્પર સાંકળી લઈ એક સુશ્લિષ્ટ વાર્તા તરીકે આલેખે છે. આમાં તે પરંપરાગત અષ્ટાક્ષરી (octosyllabic) છંદનો યથોચિત કાવ્યકુશળતાથી ઉપયોગ કરે છે. શિષ્ટ વર્તન તથા રાજદરબારી શિષ્ટાચાર અંતર્ગત સંકળાયેલા કેટલાક મુદ્દા તથા આદર્શોનું આ રોમાન્સ રચનાઓમાં નિરૂપણ કરવાની તેમની મુખ્ય નેમ છે. સાથોસાથ પ્રણય, લગ્ન તથા શૌર્યભાવના વચ્ચેનો પરસ્પર સંબંધ નિરૂપવામાં તેમણે વિશેષ રસ દાખવ્યો છે. લોકકથાના રસાત્મક વિષયો તથા પ્રણયપ્રસંગોને આર્થર યુગના પ્રેમશૌર્યના જગત સાથે કાવ્યોચિત કસબ વડે ગૂંથી લઈને શિષ્ટ રોમાન્સ રચનાઓના તે આદ્ય પ્રણેતા બન્યા છે. આવાં કથાકાવ્યોની બાબતમાં ફ્રાન્સને અગ્રેસર દેશ બનાવવા બદલ દાન્તેએ તેમની યથાર્થ પ્રશંસા કરી હતી.
મહેશ ચોકસી