ક્રેગ સી. મેલો (જ. 18 ઑક્ટોબર 1960, ન્યૂ હેવન) : 2006ના નોબેલ પુરસ્કારના સહવિજેતા જૈવરસાયણવિજ્ઞાની. તેમણે બ્રાઉન યુનિવર્સિટી, પ્રોવિડન્સ, આર.આઇ.માંથી જૈવરસાયણમાં બી.એસ.ની પદવી 1981માં અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કોષીય અને વિકાસાત્મક (developmental) જીવવિજ્ઞાનમાં પીએચ.ડી.ની પદવી 1990માં પ્રાપ્ત કરી. ડૉક્ટરેટ પદવી મેળવ્યા પછી ફ્રેડ હચિન્સન કૅન્સર રિસર્ચ સેન્ટર, સિયેટલમાં ફેલો તરીકે તેમણે કાર્ય કર્યું. 1994થી તેઓ ધ પ્રોગ્રામ ઇન મૉલેક્યૂલર મેડિસિન, યુનિવર્સિટી ઑવ્ મૅસેચૂસેટ્સ મેડિકલ સ્કૂલમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે.
તેમણે એન્ડ્રૂઝ ઝેડ. ફાયરના સહકારમાં આણ્વિક જનીનિક સંશોધનો સૂક્ષ્મ સૂત્રકૃમિ Caenorhabditis elegans ઉપર કર્યાં. તે દરમિયાન આ કૃમિના સ્નાયુપ્રોટીનનું સંકેતન કરતા જનીન unc–22ની સક્રિયતા અવરોધવાનો પ્રયાસ કર્યો. ફાયર અને મેલોએ C. elegans-માં unc–22-ની શુદ્ધ એકસૂત્રી પ્રતિસંવેદ (antisense) કે પૂરક શૃંખલાઓનું અંત:ક્ષેપણ કર્યું; પરંતુ તેથી માત્ર મધ્યમ અસર જોવા મળી. તેમણે બીજા પ્રયોગમાં દ્વિસૂત્રી (double stranded, ds) RNA-નું અંત:ક્ષેપણ કર્યું. આ દ્વિસૂત્રી RNA unc–22 mRNA અને તેની પ્રતિસંવેદ શૃંખલાનું સંયોજન હતું. તેમના અવલોકન મુજબ, દ્વિસૂત્રી RNAની અત્યંત ઉગ્ર અસર હતી અને તેથી unc–22 જનીન કાર્ય કરતું બંધ થઈ જાય છે. આવું નિષ્ક્રિય unc–22 જનીન ધરાવતું કૃમિ સૂક્ષ્મ આંચકામય ગતિ દાખવે છે.
તેમની પદ્ધતિમાં સુધારણા કર્યા પછી આ સંશોધકોએ સિદ્ધ કર્યું કે લક્ષ્ય જનીનના ભાગ સાથે સામ્ય કે લગભગ સામ્ય ધરાવતી ન્યૂક્લિયોટાઇડની શૃંખલાવાળા દ્વિસૂત્રી RNA-ના થોડાક જ અણુઓ જનીન અભિવ્યક્તિનો અવરોધ કરે છે.
RNA અવરોધ (interference) કે RNAi-ના પ્રયોગોનાં પરિણામો 1998માં પ્રકાશિત થયાં અને સમગ્ર વિશ્વમાં RNAi વિજ્ઞાનીઓ માટે જનીનિક સંશોધન માટે એક તકનીક સિદ્ધ થઈ. તે પછીનાં અન્વેષણોએ દર્શાવ્યું કે RNAi mRNA અને મનુષ્ય સહિતનાં ઘણાં સજીવોમાં કુદરતી પ્રક્રિયા દ્વારા બનતા RNA-નો નાશ કરી જનીનોની અભિવ્યક્તિને અવરોધે છે; દ્વિસૂત્રી RNA ધરાવતા વાઇરસના ચેપ સામે તે રક્ષણ આપે છે અને કોષમાં નુકસાનકારક અસરો નિપજાવતાં ચલાયમાન (jumping) જનીનોના કાર્યને અવરોધે છે.
ક્રેગ સી. મેલો અને એન્ડ્રૂઝ ઝેડ. ફાયરને સંયુક્તપણે 2006નો દેહધર્મવિદ્યા કે આયુર્વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર ઉપર્યુક્ત સંશોધનો બદલ એનાયત કરવામાં આવ્યો છે. RNAi કોષમાં જનીનિક માહિતીના વહનનું નિયમન કરતી પાયારૂપ ક્રિયાવિધિ છે. તે વિશિષ્ટ જનીનોની જનીનિક માહિતીને અવ્યક્ત (silenced) રાખે છે અથવા બંધ કરી દે છે.
ઘણાં RNAi આધારિત કૅન્સર-ઔષધો વિકાસના પ્રાથમિક તબક્કાઓમાં છે. હજુ સંશોધકોએ અર્બુદ (tumor) સ્થાનો પર સ્થાયી દ્વિસૂત્રી RNA-ના સક્ષમ વિતરણ માટેના કેટલાક અવરોધો ઓળંગવાના છે. ઉંમર સાથે સંબંધિત આંખના દીર્ઘકાલિક રોગ બિંદુ વ્યપજનન (macular degeneration) – દ્વારા દૃષ્ટિ ગુમાવાય છે. તેની RNAi ચિકિત્સામાં સૌથી નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
બળદેવભાઈ પટેલ