ક્રુશ્ચૉફ, નિકિતા સર્ગેવિચ (જ. 17 એપ્રિલ 1894, કાલીનોકા, કુર્સ્ક પ્રાન્ત, સોવિયેત રશિયા; અ.11 સપ્ટેમ્બર 1971, મૉસ્કો) : સ્ટાલિનના મૃત્યુ (1953) પછી થોડા સમયમાં સત્તા ઉપર આવનાર અને ત્યાર બાદ સ્ટાલિનના જુલમી અને દમનકારી શાસનની જાહેરમાં ટીકા કરનાર, સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રી તથા પ્રધાનમંડળના વડા.
શરૂઆતના જૂજ શિક્ષણ પછી ક્રુશ્ચૉફે ડોનેટ્સ ખીણમાં ખાણિયા તરીકે કામ કર્યું હતું. 1917ની ક્રાન્તિ દરમિયાન અને પછી ચાલેલા આંતરવિગ્રહમાં તેઓ બૉલ્શેવિકોના પક્ષમાં રહીને લડ્યા હતા. 1918માં તેઓ સામ્યવાદી પક્ષમાં જોડાયા. એ પછીનાં વર્ષોમાં શરૂઆતમાં યુક્રેનમાં અને ત્યાર બાદ મૉસ્કોના સામ્યવાદી પક્ષમાં સભ્ય તરીકે અને પાછળથી મંત્રી તરીકે સ્થાન પામ્યા. 1934માં કેન્દ્રીય સમિતિમાં જોડાયા પછી મૉસ્કો શહેર તેમજ જિલ્લાના પ્રથમ મંત્રી તરીકે નિયુક્ત થયા.
બીજા વિશ્વયુદ્ધ બાદ ફરીને યુક્રેનના સામ્યવાદી પક્ષમાં સક્રિય બન્યા પછી તેઓ મૉસ્કો જિલ્લાના સામ્યવાદી પક્ષના પ્રથમ મંત્રી અને રાષ્ટ્રીય કક્ષાએ મંત્રી તરીકે નિયુક્તિ પામ્યા. આ સ્થાન ઉપરથી તેમણે ખેતીવિષયક સુધારાઓ દાખલ કર્યા અને સામૂહિક ખેતી માટેનાં ખેતરોની સંખ્યા 2,50,000માંથી 1,00,000ની કરી નાખી. આ કારણે 1952માં પક્ષની ઓગણીસમી કૉંગ્રેસમાં તેમને મહત્વનું પ્રવચન કરવાની તક આપવામાં આવી, જોકે સ્ટાલિનના મૃત્યુ બાદ શ્રદ્ધાંજલિ આપતાં પ્રવચનોમાં વડાપ્રધાન માલેન્કૉવ, વિદેશમંત્રી મોલોટૉવ અને પોલીસના વડા બેરિયાનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો.
સ્ટાલિનના મૃત્યુ બાદ એકાદ-બે વર્ષની સામૂહિક નેતાગીરી (collective leadership) પછી બેરિયાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા, અને માલેન્કૉવને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી અને તેમની જગ્યાએ નિકોલાઈ બુલ્ગાનિનને નીમવામાં આવ્યા.
સર્વસત્તાધીશ બન્યા પછી ક્રુશ્ચૉફે સોવિયેત સંઘના ઇતિહાસમાં પહેલી જ વાર વિદેશોના પ્રવાસની અને તે દ્વારા સામ્યવાદને પ્રસિદ્ધિ આપવાની નીતિ અપનાવી. યુગોસ્લાવિયાની મુલાકાત લઈ ક્રુશ્ચૉફે સ્ટાલિનની ટીટો પ્રત્યેની ભેદભાવભરી નીતિ માટે ક્ષમાયાચના કરી. 1955ના વર્ષમાં જિનીવા પરિષદમાં હાજરી આપ્યાની સાથે ક્રુશ્ર્ચૉફે ભારતની મુલાકાત લીધી તથા તે દ્વારા દક્ષિણ અને અગ્નિ એશિયામાં સોવિયેત સંઘનો પ્રભાવ વધાર્યો. ભારત અને રશિયા વચ્ચેની અરસપરસની મુલાકાતો દ્વારા બંને દેશો વચ્ચે કાયમી મૈત્રીભર્યા સંબંધોની શરૂઆત થઈ, જેને પ્રબળ બનાવવામાં ક્રુશ્ચૉફનો ફાળો મહત્વનો અને યશસ્વી રહ્યો.
ક્રુશ્ચૉફની બહુરંગી કારકિર્દીનો સૌથી મોટો બનાવ તે 1956માં મળેલી સામ્યવાદી પક્ષની વીસમી કૉંગ્રેસનો છે. આ સભાને સંબોધતાં ક્રુશ્ચૉફે પ્રતિપાદિત કર્યું કે મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચેનો વિગ્રહ અનિવાર્ય નથી. આ પછી તેમણે સ્ટાલિનની જુલમી અને અસહિષ્ણુ નીતિની આકરી ટીકા કરી. સોવિયેત સંઘના ઇતિહાસનો આ એક અભૂતપૂર્વ બનાવ હતો. તેમના હિંમતભર્યા શબ્દોની ભારે અસર પડી અને સામ્યવાદી જગતમાં તેમજ તેમના ચિંતનમાં નવી દિશાનો સંચાર શરૂ થયો. ક્રુશ્ચૉફનાં વિધાનોની વ્યાપક અસરના પરિણામે 1956માં પહેલાં પોલૅન્ડમાં અને ત્યાર બાદ હંગેરીમાં રશિયાની વિરુદ્ધ વિદ્રોહનાં પગરણ થયાં, જે કડક હાથે દાબી દેવામાં આવ્યાં.
1957માં સોવિયેત ક્રાન્તિનાં ચાળીસ વર્ષ પૂરાં થતાં તેની ઉજવણીના ઉપલક્ષમાં અવકાશમાં પહેલા ઉપગ્રહ તરીકે ‘સ્પુટનિક’ને તરતો મૂકવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય પ્રક્ષેપાસ્ત્રના નવા યુગની શરૂઆત થઈ, જે અમેરિકા માટે મોટા પડકારરૂપ બની.
અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોના ચઢાવ-ઉતરાવના આ દિવસોમાં અમેરિકાના પ્રમુખ આઇઝનહાવરના આમંત્રણને માન આપીને ક્રુશ્ચૉફે સપ્ટેમ્બર, 1959માં અમેરિકાની મુલાકાત લીધી. કૅમ્પ ડેવિડ ખાતેની મંત્રણાઓના પરિણામે બંને વચ્ચેના તણાવની સ્થિતિ સુધરી અને 1 મે 1960ના દિવસે બન્ને વચ્ચેની શિખર પરિષદ પૅરિસમાં રાખવાનો નિર્ણય લેવાયો. દરમિયાન અમેરિકાનું જાસૂસી વિમાન U-2 રશિયા ઉપર ઊડતું પકડાયું. પૅરિસમાં આઇઝનહાવરને મળતાંવેંત ક્રુશ્ચૉફે આ વિશેની જાણ આઇઝનહાવરને હતી કે કેમ તે પૂછ્યું. આઇઝનહાવરે હા ભણતાં ક્રુશ્ચૉફે શિખર પરિષદનો ભંગ કરી દીધો. બંને મહાસત્તાઓ વચ્ચેના સંબંધો કથળતા રહ્યા.
આ જ વર્ષે સપ્ટેમ્બરમાં ક્રુશ્ચૉફે રશિયાના પ્રતિનિધિમંડળની સરદારી લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં હાજરી આપી. ત્રીજી દુનિયાના નેતાઓનો સંપર્ક સાધી ક્રુશ્ચૉફે ત્રણ મુદ્દા રજૂ કર્યા : (1) સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ, (2) સંસ્થાનવાદની નાબૂદી અને (3) સામ્યવાદી ચીનને પ્રતિનિધિત્વ આપવાની માગણી. સામાન્ય સભાને જ્યારે બ્રિટનના વડાપ્રધાન મૅકમિલન સંબોધી રહ્યા હતા ત્યારે પોતાનો અણગમો વ્યક્ત કરવા ક્રુશ્ચૉફે બૂટ કાઢીને ટેબલ ઉપર પછાડવાની કુચેષ્ટા કરી હતી, જેની પાછળથી ખુદ રશિયામાં ટીકા કરવામાં આવી હતી.
1961માં ક્રુશ્ચૉફ અને કૅનેડી વચ્ચે પહેલી મુલાકાત યોજાઈ, જોકે તેને પરિણામે બંને વચ્ચેના સંબંધોમાં ખાસ કોઈ સુધારો થયો નહિ. પરંતુ ક્રુશ્ચૉફે એક વાતનો એકરાર કર્યો કે અણુશસ્ત્રો સાથેનું યુદ્ધ કોઈ પણ ભોગે ટાળવું જોઈએ કારણ કે આવા યુદ્ધમાં થતી ખાનાખરાબીમાં જીવતા રહેલા મનુષ્યો મૂએલાની ઈર્ષ્યા કરે તેવો પૂરો સંભવ છે. આ સંદર્ભમાં જ 1963માં રશિયા અને અમેરિકા વચ્ચે મર્યાદિત અણુપ્રયોગબંધીના કરાર (partial testban treaty) ઉપર સહીસિક્કા કરવામાં આવ્યા, જેનો બીજાં ઘણાં રાજ્યોએ સ્વીકાર કર્યો. આ કરાર પ્રમાણે જમીન ઉપર, દરિયા ઉપર કે અવકાશમાં અણુશસ્ત્રોના પ્રયોગ ઉપર બંધી કરવામાં આવી. માત્ર ભૂગર્ભમાં જ આવા પ્રયોગોને છૂટ આપવામાં આવી. 1962ની ક્યૂબાની મિસાઇલ કટોકટીમાં પ્રમુખ કૅનેડીની સૂચનાથી તેમણે રશિયન સ્ટીમરો પાછી ખેંચી લીધી હતી.
1964માં ક્રુશ્ચૉફની ગેરહાજરી દરમિયાન તેમના સાથીઓએ તેમને પડતા મૂકવાની યોજના કરી અને તેમના સ્થાને લિયૉનિદ બ્રેઝનેવ સત્તા ઉપર આવ્યા. વડાપ્રધાન તરીકે ઍલેક્સી કોસિજિનની નિયુક્તિ કરવામાં આવી. સોવિયેત સંઘના રાજકારણમાં તેમજ વિદેશનીતિમાં ક્રુશ્ચૉફ નવો ચીલો પાડનાર હતા.
દેવવ્રત પાઠક