ક્રિસ્ટી, ડેમ ઍગાથા (મૅરી ક્લૅરિસા) (જ. 15 સપ્ટેમ્બર 1890, ટોર્કી, ડેવન; અ. 12 જાન્યુઆરી 1976, વેલિંગફૉર્ડ) : ડિટેક્ટિવ નવલકથાઓનાં આંગ્લ લેખિકા. અમેરિકન પિતા અને અંગ્રેજ માતા સાથે મધ્યમવર્ગીય પરિવારમાં અને શાંત વાતાવરણમાં શૈશવ વીત્યું. પૅરિસમાં તેમણે ખાનગી રાહે શિક્ષણ મેળવ્યું. 1914માં આર્કિબાલ્ડ ક્રિસ્ટી સાથે લગ્ન કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ટોર્કીની હૉસ્પિટલમાં સેવા આપી. ત્યાં પ્રાપ્ત થયેલી જુદી જુદી માહિતી ખાસ કરીને વિવિધ પ્રકારનાં ઝેરના ઉપયોગની માહિતી તેમની રહસ્યકથાના આલેખનમાં ઉપયોગી નીવડી. 1920માં તેમણે ‘ધ મિસ્ટિરિયસ અફેર’ નામની સર્વપ્રથમ રહસ્યકથા લખી; તેમાં તેમણે ખ્યાતનામ નીવડેલા બેલ્જિયન ડિટેક્ટિવ પ્વારોના પાત્રનું સર્જન કર્યું. ત્યાર બાદ એ ડિટેક્ટિવ પાત્રને કેન્દ્રમાં રાખીને રહસ્યકથાઓ લખાવા માંડી. એમાંથી 1926માં લખાયેલી ‘ધ મર્ડર ઑવ્ રોજર ઍક્રોઇડ’થી સનસનાટી મચી ગઈ, કારણ કે એમાં વૃત્તાંતનિવેદક પોતે જ ગુનેગાર હોય છે એવો રહસ્યસ્ફોટ થાય છે. એ જ વર્ષે આ લેખિકા ગુમ થયાં હોવાનો હેવાલ ફેલાયો; પાછળથી જાણવા મળ્યું કે યૉર્કશાયર ખાતે તે યાદદાસ્ત ખોઈ બેસવાના કારણસર સારવાર લઈ રહ્યાં હતાં. રહસ્ય-લેખિકાના અંગત જીવનની આ એક રહસ્યમય ઘટના બની રહી. અખબારોએ આને પ્રચારની તરકીબ જ ગણી લીધી. 1928માં તેમણે છૂટાછેડા લીધા અને 1930માં મૅક્સ મેલોવન નામના પુરાતત્વવિદ સાથે લગ્ન કર્યું. ત્યાર બાદ પતિના ઘણા સંશોધનપ્રવાસમાં તે સાથે જોડાયાં. ત્યાર પછી લખાયેલી ઘણી નવલકથાઓની રહસ્યમય ઘટનાસૃષ્ટિ આવાં પુરાતત્વીય વિસ્તારો કે સ્થળોની પશ્ચાદભૂમિકામાં આલેખાઈ છે.
1920 તથા 1930ના દશકામાં લખાયેલી તેમની રચનાઓ સૌથી સુંદર લેખાય છે; આમાં ‘ધ મિસ્ટરી ઑવ્ ધ બ્લૂ ટ્રેન’ (1928), ‘ધ સેવન ડાયલ્સ મિસ્ટરી’ (1929), ‘મર્ડર ઍટ ધ વિકરેજ’ તથા ‘પૅરિલ ઍટ ઍન્ડ હાઉસ’ (1932), ‘મર્ડર ઑન ધી ઓરિયેન્ટ એક્સ્પ્રેસ’ (1934), ‘ધી એ.બી.સી. મર્ડર્સ’ (1935), ‘ડંબ વિટનેસ’ (1937) તેમજ ‘હરક્યુલ પ્વારોઝ ક્રિસ્ટ્મસ’ (1938) ઉલ્લેખનીય છે. આ એમની રહસ્યકથાઓનો સુવર્ણયુગ લેખાયો છે. પ્વારો તેમનું ખૂબ ખ્યાતિ પામેલું ડિટેક્ટિવ પાત્ર છે પણ એ ઉપરાંત એમણે પારકર પાઇન, ટૉમી તથા ટુપેન્સ, હાર્લી ક્વિન અને મિસ જેન માર્પલ જેવાં પાત્રો પણ સર્જ્યાં છે. આમાં વિનમ્રતા અને ચબરાકીભર્યા ગુણોથી માર્પલનું પાત્ર લોકપ્રિયતાની બાબતમાં પ્વારોના પાત્રની બરાબરી કરી શક્યું હતું. ‘વિટનેસ ફૉર ધ પ્રોસિક્યૂશન’ (ફિલ્માંકન : 1958), ‘મર્ડર ઑન ધી ઓરિયેન્ટ એક્સપ્રેસ’ (ફિલ્માંકન : 1974) ‘ડેથ ઑન ધ નાઇલ’ (ફિલ્માંકન : 1978), જેવી કેટલીક રહસ્યકથાઓ ફિલ્મ તરીકે પણ લોકપ્રિય નીવડી છે. તેમણે આવી 60 ઉપરાંત રહસ્યકથાઓ લખી છે. આ ઉપરાંત ‘મેરી વેસ્ટમેકોટ’ના નામે તેમણે લખેલી રોમૅન્ટિક નવલકથાઓ પણ લોકભોગ્ય નીવડી હતી.
તેમણે કરેલાં નાટ્યરૂપાંતરો પૈકી ‘ધ માઉસટ્રૅપ’ લંડનના વેસ્ટ એન્ડ ખાતે 1952માં પ્રથમ વાર ભજવાયું અને ત્યારથી તે લગાતાર ભજવાતું રહેવાનો વિક્રમ ધરાવે છે. લંડનમાં 1953માં સર્વપ્રથમ રજૂ થયેલા ‘વિટનેસ ફૉર ધ પ્રોસિક્યૂશન’ નાટકને પણ અસાધારણ સફળતા સાંપડી છે. 1954-55માં તે ન્યૂયૉર્કમાં ભજવાયું અને એ નાટ્યમોસમના શ્રેષ્ઠ વિદેશી નાટક બદલ ‘વિટનેસ ફૉર ધ પ્રોસિક્યૂશન’ નાટકને ડ્રામા ક્રિટિક્સ સર્કલ ઍવૉર્ડ મળ્યો હતો. આ પ્રકારે તેમનાં કુલ 16 નાટકો રંગભૂમિ પર રજૂઆત પામ્યાં છે.
તેમની નવલકથાઓમાં ઘટનાસ્થળ તથા પાત્રચિત્રણ ઘણે અંશે ઉપલક જ હોય છે; એમાં લગભગ સમગ્ર ધ્યાન સતત ઉત્સુકતા જગાવે એવો ઘટનાક્રમ ચાલાકીપૂર્વક આલેખવાની પ્રયુક્તિમાં કેન્દ્રિત થયેલું હોય છે. તેમને પ્રચંડ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવવામાં તેમના ચબરાકીભર્યા હાસ્યરસિક સંવાદોનો પણ ફાળો નોંધાયો છે. ગુના તથા રહસ્યમયતાનું આવું અનન્ય સફળતાપૂર્વક આલેખન કરવા બદલ વિવેચકોએ તેમને ‘ક્વીન ઑવ્ ક્રાઇમ’ તરીકે બિરદાવ્યાં છે. નવલકથાલેખન તથા નાટ્યરૂપાંતરની બેહદ સફળતાને લક્ષમાં લઈને તેમને ‘ડેમ કમાન્ડર, ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ અપાયો હતો. ગુણાનુરાગી બ્રિટિશ પ્રજાએ તેમની જન્મશતાબ્દી 1990માં એક સંસ્કાર-ઉત્સવ તરીકે ઊજવી હતી. 60 ઉપરાંત ડિટેક્ટિવ નવલકથાઓ તથા ટૂંકી વાર્તાના 19 સંગ્રહો આપનાર આ જીવંત દંતકથા જેવી લેખિકાની કૃતિઓના જેટલા અનુવાદ થયા છે તેટલા શેક્સપિયરને અપવાદ રાખીએ તો બીજા કોઈ અંગ્રેજી સાહિત્યકારના થયા નથી. તેમની આત્મકથા ‘કમ ટેલ મી હાઉ યુ લિવ ?’નું 1977માં મરણોત્તર પ્રકાશન થયું હતું.
મહેશ ચોકસી