ક્રિક, ફ્રાન્સિસ હૅરી કૉમ્પ્ટન : (જ. 8 જૂન 1916, નૉર્થમ્પ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 28 જુલાઈ 2004, સાન ડિયાગો, કૅલિફૉર્નિયા) : જેમ્સ ડી. વૉટ્સન તથા મૉરિસ એચ. એફ. વિલ્કિન સાથે શરીરક્રિયાશાસ્ત્ર અથવા તબીબી વિજ્ઞાનનું 1962માં નોબેલ પારિતોષિક મેળવનાર વિજ્ઞાની. તેમણે ન્યૂક્લિઇક ઍસિડના અણુની રચના શોધી અને તેની દ્વારા સજીવોમાં માહિતીના પ્રસાર(transfer)નું મહત્ત્વ શોધી કાઢ્યું. તેમના સંશોધનકાળમાં DNAનું રાસાયણિક સંઘટન (chemical composition) શોધાઈ ચૂક્યું હતું; પરંતુ તેના ઍક્સ-રેનું વિવર્તન (defraction), તેની રાસાયણિક સ્થિરતા અને તેની પોતાની પુનર્જનનક્ષમતા (replication) સમજાવી શકે તેવી તેની રચના(structure)ની સંકલ્પના તે સમયે અસ્તિત્વમાં ન હતી.

ફ્રાન્સિસ હૅરી કૉમ્પ્ટન ક્રિક
તેમણે DNA-ના અણુના ઘટકોની ભૌતિક ગોઠવણી નિશ્ચિત કરી અને તેના વિવિધ ભાગો એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા રહે છે તે શોધ્યું. વૉટ્સન અને ક્રિકે 1953માં એક નાના લેખ દ્વારા DNAના અણુની રચના દર્શાવી. DNAના અણુના એકેએક ઘટકનું ચોક્કસ મહત્ત્વ છે તે તેમણે ભારપૂર્વક દર્શાવ્યું.
શિલીન નં. શુક્લ