ક્રા(Kra)ની સંયોગીભૂમિ : મ્યાનમાર અને મલેશિયાના ઉત્તર છેડાથી થાઇલૅન્ડના બૅંગકૉકના ત્રિકોણાકાર પ્રદેશ સુધી 800 કિમી. દૂર આવેલી સાંકડી સંયોગીભૂમિ. ભૌગોલિક સ્થાન : 10° 20′ ઉ. અ. અને 99° 00′ પૂ. રે..
આ પ્રદેશની મધ્યમાં ઉત્તર-દક્ષિણ આવેલી ગિરિમાળા પૂર્વ તરફના પહોળા અને પશ્ચિમ તરફના સાંકડા મેદાનનું વિભાજન કરે છે. અહીં ચોમાસાની આબોહવાવાળાં વર્ષાજંગલો આવેલાં છે. હવા ગરમ અને ભેજવાળી અને વરસાદ 2300-2500 મિમી. છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં 10° ઉ. અ. આસપાસ મ્યાનમાર અને થાઇલૅન્ડની સાંકડી પટ્ટીમાંથી નહેર ખોદી કાઢી નવો ટૂંકો જળમાર્ગ તૈયાર કરવા ઇંગ્લૅન્ડે વિચાર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી મ્યાનમાર અને મલેશિયા સ્વતંત્ર બનતાં આ વિચાર અમલમાં મુકાયો નહિ. આ નહેરથી ભારત તરફ પૂર્વમાંથી આવવાનો ટૂંકો માર્ગ મળી શકે, પણ સિંગાપોર તથા સુમાત્રા ઉપર તેની વિપરીત અસર પડે. વળી ચીનને ભારત તરફ આવવાનો માર્ગ મળતાં ભારત ઉપર ભય વધે તે શક્ય છે. એટલે ક્રાની સંયોગીભૂમિ વ્યૂહાત્મક લશ્કરી ર્દષ્ટિએ ખૂબ અગત્યની ગણાય છે.
શિવપ્રસાદ રાજગોર