ક્રાંતિ, રક્તવિહીન (Bloodless revolution) (1688) : ઇંગ્લૅન્ડના રાજકીય અને બંધારણીય ઇતિહાસની યાદગાર અને શકવર્તી ઘટના. તેના પરિણામે બંધારણીય રાજાશાહીનાં પગરણ થયાં અને ભાવિ ઇતિહાસનો માર્ગ કંડારાયો. રાજવીની સત્તા મર્યાદિત થતાં નાગરિક હકોનું સ્થાન નિશ્ચિત બન્યું. રાજા અને સંસદના ગજગ્રાહમાં સંસદની સર્વોપરીતા ર્દઢ બની.
1685માં ચાર્લ્સ બીજાના મૃત્યુ પછી જેમ્સ બીજો ઇંગ્લૅન્ડનો રાજા થયો. આપખુદ રાજાશાહી સજીવન કરવાની, રોમન કૅથલિક સંપ્રદાયને ટેકો આપવાની તથા સંસદના અંકુશમાંથી મુક્ત થવાની તેની મકસદ હતી.
રોમન કૅથલિક સંપ્રદાયનો ટેકો મેળવવા કસોટીના કાયદાને ઉવેખીને સંસદનો વિરોધ હોવા છતાં લશ્કર તથા સનદી નોકરીઓમાં તેણે કૅથલિકોની ભરતી કરી. ધાર્મિક બાબતોમાં રાજવીની સત્તા પુષ્ટ કરવાના આશયથી તેણે ‘કોર્ટ ઑવ્ હાઈ કમિશન’ની સ્થાપના કરી. આ સ્થાપના અદાલતના અધિકાર ઉપર તરાપ સમાન હતી. લંડનના બિશપ ક્રૉમ્પ્ટનને દૂર કરાયો. તે ઉપરાંત ઑક્સફર્ડની ત્રણ કૉલેજોને કૅથલિકોના વહીવટ નીચે મુકાઈ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પણ આ પ્રમાણે કર્યું. હાઈ કમિશનના સાત ન્યાયાધીશો નીમીને સમગ્ર દેશ તેમની હકૂમત નીચે મુકાયો. હાઈ કમિશનની એકતરફી નીતિથી ઘણા લોકોને નોકરી છોડવી પડી અને કેટલાકના હકો ઉપર તરાપ પડી અને કેટલાકને જેલની સજા પણ થઈ. ઉદારતાનું જાહેરનામું બહાર પાડી સહિષ્ણુતાને નામે રોમન કૅથલિક ઉપરના પ્રતિબંધો દૂર કરાયા. જેમ્સનું આ આપખુદ પગલું સંસદની સત્તાને પડકાર રૂપ હતું અને રાજા ઉપરના અંકુશોને દૂર કરનારું હતું. આમ રોમન કૅથલિકતરફી નીતિથી રાજા પ્રજાથી વિમુખ થયા અને ઘેરો અસંતોષ જન્મ્યો. આ નીતિ અપનાવવામાં ફ્રાન્સની અસર વિશેષ હતી. ઇંગ્લૅન્ડના દુશ્મન ફ્રાન્સ સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધવાની રાજાની નીતિથી પણ લોકો ચોંકી ઊઠ્યા. પરિણામે યુરોપમાંના મિત્રો ગુમાવતાં ઇંગ્લૅન્ડનું હિત જોખમમાં મુકાયું. સંસદથી સ્વતંત્ર અને રાજાને જ વફાદાર લશ્કર ઊભું કરવાની જેમ્સની નીતિ લોકશાહીના ખ્યાલ સાથે સુસંગત ન હતી.
સૌથી વધારે ગંભીર પગલું ‘ઉદારતાનું જાહેરનામું’ દેવળમાં વાંચવા માટે રાજાનું ફરમાન હતું. ઍંગ્લિકન પાદરીઓએ તેનો વિરોધ કર્યો અને સોમાંથી માત્ર ચાર પાદરીઓએ જ તેનું વાચન કર્યું. સાત પાદરીઓએ આ ફરમાન ગેરકાયદેસર હોઈ તે રદ કરવા રાજાને અરજી આપી. આ પાદરીઓની ધરપકડ કરી તેમના ઉપર ‘રાજદ્રોહી બદનક્ષી’ અંગે કેસ કરવામાં આવ્યો. ન્યાયાધીશોએ રાજાની તરફેણ કરી પણ જ્યૂરીએ તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા.
આ જ અરસામાં 10 જૂને જેમ્સની ચુસ્ત રોમન કૅથલિક રાણીએ પુત્રને જન્મ આપ્યો. એટલે લોકોને રોમન કૅથલિક ધર્મ જેમ્સના અવસાન પછી પણ ચાલુ રહેશે અને પોપનું વર્ચસ્ લદાશે એમ લાગ્યું. તેથી લોકોનો વિરોધ વધી ગયો.
આથી ટોરી અને વિગ પક્ષોએ મળીને ઇંગ્લૅન્ડની સ્વતંત્રતાની પુન:સ્થાપના તથા પ્રૉટેસ્ટન્ટ ધર્મના રક્ષણ માટે હોલૅન્ડના પ્રિન્સ વિલિયમ અને તેની રાણી મેરી(જેમ્સની પુત્રી)ને સૈન્ય સાથે ઇંગ્લૅન્ડ આવવા 1688માં આમંત્રણ આપ્યું. વિલિયમના આગમનને ચારે તરફથી આવકાર મળ્યો અને જેમ્સ બીજો ફ્રાન્સ નાસી ગયો. સંસદનાં બંને ગૃહોના તથા લંડનની નગરપાલિકાના સભ્યોએ એક સંમેલન બોલાવી વિલિયમને રાજ્યની જવાબદારી સોંપી. દેશના પ્રશ્નોના નિકાલ માટે જાન્યુઆરી 1689માં બંને ગૃહોની સભા બોલાવાઈ. કાયદાનું અર્થઘટન સ્વતંત્ર અને કાયમી સ્થાન ભોગવતા ન્યાયાધીશો મારફત થાય અને ધાર્મિક જીવનમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય રહે તેમ સ્વીકારાયું.
1688ની રક્તવિહીન ક્રાંતિને પરિણામે રાજા અને સંસદના પરસ્પરના વિરોધી વલણ અને નીતિનો અંત આવ્યો અને સંસદની સર્વોપરીતાનો સ્વીકાર થયો. આ સિવાય ઇંગ્લૅન્ડની ગાદી ઉપર રોમન કૅથલિક અગર રોમન કૅથલિક પત્ની ધરાવતો રાજા પણ આવી શકશે નહિ એમ ઠરાવવામાં આવ્યું. ઉપરાંત હકોનો ખરડો પસાર કરવામાં આવ્યો જેમાં રાજાનાં ગેરકૃત્યોનું વર્ણન કરી જણાવાયું કે રાજા કાનૂનથી પર નથી અને તેની મર્યાદા સ્વીકારીને જ તે રાજ્ય કરી શકશે. સંસદની સંમતિ સિવાય રાજા કરવેરા ઉઘરાવી શકશે નહિ, ચૂંટણી મુક્ત રીતે થવી જોઈશે; સંસદના સભ્યોનો વાણીસ્વાતંત્ર્યનો અધિકાર સ્વીકારાયો — તેને અદાલતમાં પડકારી શકાશે નહિ. સંસદની અનુમતિ સિવાય રાજા શાંતિના સમયે સૈન્ય ઊભું કરી શકશે નહિ અને સંસદની બેઠક અવારનવાર મળશે તેમ નક્કી થયું. હાઈ કમિશન જેવી અદાલતો સ્થાપવાનો રાજાનો અધિકાર ગેરકાયદેસર ઠરાવાયો. 1689ના ફેબ્રુઆરીની 13 તારીખે આ હકનામું રાજા વિલિયમ અને રાણી મેરીને સુપરત કરાયું. 1690માં બોલાવેલી સંસદે અગાઉ જણાવેલા બધા નિર્ણયો અને કાર્યોને બહાલી આપી.
આ ક્રાંતિને કારણે પ્રજાને વાણીસ્વાતંત્ર્ય મળ્યું અને રાજા કાયદાનો સ્વામી નહિ પણ સેવક છે તે સ્પષ્ટ થયું. 1688ની આ ક્રાંતિને ‘ભવ્ય ક્રાંતિ’ તરીકે બિરદાવવામાં આવે છે. આ ક્રાંતિ લોહી રેડાયા સિવાય થઈ તેથી તે રક્તવિહીન ક્રાંતિ તરીકે ઓળખાય છે. કાયદાની પ્રતિષ્ઠા કરતી આ ક્રાંતિને કારણે રાજાની સત્તા ઉપર નિયંત્રણો મુકાયાં અને આપખુદ રાજાશાહીને બદલે કાયદાથી નિયંત્રિત રાજાશાહી અસ્તિત્વમાં આવી, લોકશાહીની પ્રતિષ્ઠા થઈ અને તેના ભાવિ વિકાસનો માર્ગ ખુલ્લો થયો.
શિવપ્રસાદ રાજગોર