ક્રાંતિકલ્યાણ : વિખ્યાત કન્નડ નાટ્યકાર અને નવલકથાકાર બી. પુટ્ટસ્વામૈયા(જ.1897)ની નવલકથા. આ નવલકથા માટે તેમને 1964નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
પત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરીને રંગમંચ માટેનાં નાટકો રચવાનો તેમણે પ્રારંભ કર્યો. ‘કુરુક્ષેત્ર’ અને ‘દશાવતાર’ તેમનાં ખૂબ પ્રસિદ્ધ નાટકો છે. કન્નડ રંગમંચ પર બે દસકા સુધી તેની ભજવણી ચાલી હતી અને કન્નડ નાટકમાં તેનું પ્રદાન મહત્ત્વનું ગણાયું છે.
પુટ્ટસ્વામૈયાએ અને 50મે વર્ષે સામાજિક નવલકથાઓ રચવા માંડી. ‘અભિષેક’ અને ‘સુધામયી’ 1954માં પ્રગટ કરી. ભારતીય ઇતિહાસના ચાલુક્યકાળના બસવેશ્વર અને બિજ્જલની વીરગાથાનું નિરૂપણ કરતી 6 નવલકથાઓ તેમણે રચી. તે પૈકી ‘ઉદય રવિ’ (1958) તેમની પ્રથમ ઐતિહાસિક નવલકથા હતી. આ શ્રેણીનો છઠ્ઠો અને છેલ્લો ગ્રંથ તે ‘ક્રાંતિકલ્યાણ’ (1963) નામક નવલકથાનો છે. તેમાં કન્નડના મહાન સંત અને સમાજસુધારક બસવેશ્વર(1131-1167)ના જીવનની ક્રાંતિકારી ઘટનાઓ અને તેમની સામાજિક ઐતિહાસિક પરિસ્થિતિનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે. તેમાં અન્ય વીરશૈવ સંતો અને સુધારકોની ગાથા પણ વણી લેવામાં આવી છે. આ નવલકથામાં 1150થી 1167ની ઘટનાઓનું નિરૂપણ કરાયું છે. બસન્ના તરીકે જાણીતા બસવેશ્વરની આગેવાની હેઠળ શિવશરણોને જાતિભેદ, સમાજમાં અસમાનતા અને રાજા બિજ્જલના ભ્રષ્ટ હુકમો સામે ભારે સંઘર્ષ કરવો પડેલો. તેમાં સામંતશાહી સામે ગણતંત્રવાદ કાયક સિદ્ધાંત (પોતે અને પોતાના પરિવારે ટકી રહેવા પ્રામાણિક શ્રમ, એવં શિવના સંપૂર્ણ શરણે જવાની ભાવના)ના મહિમાનું પ્રતિપાદન કરાયું છે.
આ પુરસ્કૃત કૃતિ ‘ક્રાંતિકલ્યાણ’ તેના કથાવસ્તુના કલ્પનાસભર નિરૂપણ તથા તેના સમયગાળાના રંગીન ચિત્રાંકન માટે તત્કાલીન કન્નડ સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે.
વિનોદાબાઈ