ક્રયાધિકાર યાને સફીલહક (pre-emption) : સ્વીકૃત શરતોને અધીન વેચાતી સ્થાવર મિલકત ખરીદવાનો અગ્રહક. સફીલદારીના અધિકાર તરીકે પણ તે ઓળખાય છે. ક્રયાધિકારના કાયદા મુજબ કોઈ વ્યક્તિ તેની સ્થાવર મિલકત વેચવા માગે ત્યારે કાયદામાં નિર્દેશિત વર્ગની વ્યક્તિઓને, જો તે ઇચ્છે તો વેચાતી મિલકત ખરીદવાનો અગ્રહક આપવો પડે છે. મૂળભૂત રીતે તે એક વ્યક્તિગત અધિકાર છે જે અપરિચિત વ્યક્તિને પ્રાપ્ત થતો નથી. આ અધિકાર મુખ્યત્વે સ્થાવર મિલકતના વેચાણને લાગુ પડે છે. વેચાણની શરતો નિશ્ચિત હોય તેવા સોદાને ક્રયાધિકાર લાગુ પાડે છે.
મુસ્લિમ કાયદાની હનફી શાખાનો તે એક મહત્વનો નિયમ છે. તે નિયમ મુજબ સંબંધિત મિલકતના સહહિસ્સેદાર, તે મિલકતને લગતો સુખાધિકાર ભોગવનાર તથા મિલકતના પડોશીને અનુક્રમે અગ્રહક પ્રાપ્ત થાય છે. તેમાંના કોઈ મિલકત ખરીદવા તૈયાર ન થાય તો જ અન્ય ખરીદનારા માટે તેનું વેચાણ ખુલ્લું મૂકી શકાય.
ઓગણીસમી સદીમાં અમેરિકાની સંસદે ક્રયાધિકારનો કાયદો પસાર કર્યો હતો (1841) જે ‘લૉગ કૅબિન બિલ’ નામથી પ્રસિદ્ધ થયો હતો. તેનો ઉદ્દેશ નિર્જન પ્રદેશોમાં ઊભી કરવામાં આવી રહેલી નવી વસાહતોમાં કાયમી વસવાટ કરવા પશ્ચિમથી આવેલા આગંતુકોને જમીનની સટ્ટાખોરી કે હરાજી દ્વારા હાંકી કાઢવાની હેરાનગતિમાં રક્ષણ આપવાનો હતો. 1891માં તે કાયદો રદ કરવામાં આવ્યો હતો.
બિહાર રાજ્યમાં તથા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિંદુઓમાં પણ પરંપરાથી તેને માન્યતા સાંપડી છે. તાજેતરનાં વર્ષો દરમિયાન ભારતનાં કેટલાંક રાજ્યોમાં પસાર કરવામાં આવેલા ભૂમિસુધારાને લગતા કાયદા દ્વારા નિકટવર્તી જમીનમાલિકો તથા ગણોતિયાઓને જમીન ખરીદવાની બાબતમાં અગ્રહક આપવામાં આવ્યો છે.
કેટલીક વાર કરાર દ્વારા પણ ક્રયાધિકાર બક્ષી શકાય છે.
સુહાસિની ઠાકોર