ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ (1866)

ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ (1866) : રશિયન લેખક ફિયોદોર દૉસ્તૉયેવ્સ્કીની મહાનવલ. એમાં સંવેદનશીલ યુવાનના ગુનાઇત માનસનું ચિત્રણ કર્યું છે. વિદ્યાર્થી રોડિયોન રાસ્કોલનિકોવ શારીરિક, માનસિક તથા આર્થિક રીતે ત્રસ્ત છે. તે આવેગમાં આવી નાણાં ધીરનાર વૃદ્ધાની અને તેની બહેનની કરપીણ હત્યા કરી બેસે છે. પોલીસ થાણાનું પહેલું તેડું તો મકાનમાલિકણનો ભાડાનો હિસાબ વહેલી તકે ચૂકવાઈ જાય એ માટે છે, પણ ત્યાંના થોડાક રોકાણ દરમિયાનનું તેનું વર્તન પોલીસને ખૂબ જ શંકાશીલ લાગે છે. તેથી તેના પર પોલીસની નજર રહે છે.

રાસ્કૉલનિકૉવની ર્દષ્ટિએ પેલી વૃદ્ધા પારકાનું હડપ કરનારી, મહત્વાકાંક્ષી અને યુવાનોની દ્વેષી સ્ત્રી હતી. એવા પાપીને હણવામાં પાપ નથી, એમ રાસ્કૉલનિકૉવ માને છે તેથી એ ખૂન કરે છે. પણ નાણાંનો ગલ્લો એને હાથ ન લાગ્યો એટલે ઘરેણાંની પોટલી લે છે અને નજદીકના કબ્રસ્તાનના મોટા પથ્થર નીચે તેને સંતાડે છે, જેને પછી ક્યારેય તે સ્પર્શ કરવા પામતો નથી.

આ પરિસ્થિતિને હળવી કરવા તેની બહેન દુન્યા લુઝિન સાથે લગ્ન કરવા વિચારે છે એવી વાત સાંભળીને રાસ્કૉલનિકૉવ ખૂબ જ ગુસ્સે થાય છે. એ રીતની સોદાબાજીમાં ન પડવા તે બહેનને આગ્રહપૂર્વક જણાવે છે. પોલીસ અધિકારી પોરફ્રીની ઊલટતપાસમાં રાસ્કૉલનિકૉવ ક્યારેક ખૂબ જ અકળાય છે, પણ તેના તર્કબદ્ધ જવાબોને કારણે પોલીસ કોઈ પણ રીતે તેને સકંજામાં લઈ શકતી નથી. આમ છતાંય એના સુષુપ્ત મનમાં પડેલો ઘાતકી કૃત્યનો વિચાર તેને ચેન પડવા દેતો નથી. એ કપરી પળોમાં તેની મા અને બહેનની જવાબદારી તેના મિત્ર રેઝ્યુમિહિનને સોંપે છે. પોલીસના ગુપ્તચરો રાસ્કૉલનિકૉવની હાજરી કોઈ મિજબાનીમાં હોય કે જાહેર સ્થળમાં, તેના મુખની રેખાઓ અને અવાજની ધ્રુજારીની નોંધ રાખે છે. એક વખત તે યાતનામાંથી છૂટવા તેની પ્રિયતમા સોન્યા માર્મેલાદૉવ પાસે એકરાર કરે છે : ‘‘મેં ડોસીનું ખૂન કર્યું નથી પણ મારી જાતનું ખૂન કર્યું છે, મેં મારી જાતને કાયમને માટે કચડી નાખી છે.’’ આ પ્રકારનો એકરાર સાંભળીને સ્વીદ્રિગેયલૉવ પોલીસને માહિતી આપી દે છે. સ્વીદ્રિગેયલૉવે રાસ્કૉલનિકૉવની બહેન દુન્યાને પોતે ગવર્નેસ તરીકે કામ કરતી ત્યારે ખૂબ જ સંતાપેલી. આ રીતે સ્વીદ્રિગેયલૉવને રાસ્કૉલનિકૉવ પ્રત્યે પૂર્વગ્રહ હતો. આમ છતાં સ્વીદ્રિગેયલૉવ પત્નીના અવસાન પછી દુન્યા સાથે લગ્ન કરવા આતુર છે, પણ રાસ્કૉલનિકૉવના મિત્ર રેઝ્યુમિહિનની સાથે તેનું લગ્ન થાય છે. છેવટે રાસ્કૉલનિકૉવ તેની પ્રિયાના આગ્રહને માન આપીને પોલીસ થાણે જઈને ગુનાનો એકરાર કરે છે. તેને સાઇબીરિયામાં આઠ વર્ષની કેદ થાય છે. આ કારાવાસ દરમિયાન તે માંદો પડે છે ને રોગચાળો ફાટી નીકળ્યાનાં દુ:સ્વપ્નો જુએ છે.

આ મહાનવલમાં સ્વપ્નોની ઘટના ખાસ હેતુપૂર્વક યોજેલી છે. લેખકે મુખ્ય પાત્રોમાં પરસ્પરવિરોધી વલણ-વ્યવહાર દર્શાવ્યાં છે. દૉસ્તૉયેવ્સ્કીની દુનિયામાં અમાનુષી અત્યાચાર, વિકૃત મનોદશા, ગુનાખોરીનાં આબેહૂબ શબ્દચિત્રો છે. આ નવલકથાની શરૂઆતથી લેખક સૌને પિટ્સબર્ગના દોજખની સફરે લઈ જાય છે અને બતાવે છે કે આ વિશ્વમાં દુન્યા, સોન્યા જેવી વ્યક્તિઓનો નિરંતર ભોગ લેવાશે. આ કથામાં મુખ્ય ગુનાની વાત છે, સજાની ઓછી. આ નવલકથાના કેન્દ્રમાં હતાશાનો પ્રધાન સૂર છે. લેખકે મુખ્ય નાયકના પશ્ચાત્તાપની સૂક્ષ્મ વિગત આપી છે. એની વિચિત્ર મનોદશાને લીધે એ ખૂબ જ શંકાશીલ, ધૂની અને અહંકારી જણાય છે. દુન્યવી વ્યવહારમાં તમામ સ્તરે વસતા માનવીને અહં હોય છે. અહીંયાં લેખકે ‘અહં’ ઓસરવાની પ્રક્રિયા દર્શાવી છે.

સુરેશ શુક્લ