ક્રપ પરિવાર : ધાતુવિદ્યા સાથે સંકળાયેલ ઔદ્યોગિક એકમો, ખાસ કરીને પોલાદ, ભારે યંત્રો તથા શસ્ત્રાસ્ત્રોના ઉત્પાદન સાથે જે જર્મન પરિવારનું નામ જોડાયેલું છે તે પરિવાર. આ પરિવાર સોળમી સદીથી ઇસેન ખાતે રહે છે. શસ્ત્રાસ્ત્રોના ઉત્પાદનને કારણે તેનું ભવિષ્ય જર્મનીના ભવિષ્ય સાથે સંકળાયેલું છે. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન જર્મનીનાં શસ્ત્રાસ્ત્રોના કુલ પુરવઠામાં ક્રપ ઔદ્યોગિક સમૂહનો ફાળો 10 ટકા જેટલો હતો અને તેમનો લગભગ તેટલો જ ફાળો બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન રહ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના હાથે જર્મનીનો કારમો પરાજય થતાં ક્રપ પરિવારના ઔદ્યોગિક એકમો અને તેમની માલિકીની ખાણો છિન્નભિન્ન થઈ ગયેલાં; તેમ છતાં બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં જર્મનીનું અણધાર્યું આર્થિક પુનરુત્થાન થતાં ક્રપ પરિવારના પ્રારબ્ધમાં પણ ફરી પલટો આવ્યો છે અને હવે ફરી વાર તે વિશ્વના ધનાઢ્ય પરિવારોની હરોળમાં આવી ગયું છે.
ક્રપ પરિવારની વંશાવળી સંક્ષિપ્તમાં નીચે મુજબની છે :
(1) ફ્રેડરિક ક્રપ (1787–1826) : જેણે આ પરિવાર હસ્તકના પોલાદના કારખાનાના 1810માં શ્રીગણેશ કર્યા હતા.
(2) આલ્ફ્રેડ ક્રપ (1812–1887) : જેણે પરિવારના પોલાદના એક નાના કારખાનાનો અસાધારણ વિકાસ કરી તેને એક મહાકાય કારખાનામાં ફેરવી નાખ્યું હતું. તેણે તેના કારખાનામાં સ્વયંસંચાલિત બંદૂકો અને તોપોના ઉત્પાદન પર ભાર મૂકી ખૂબ ધન અને કીર્તિ પ્રાપ્ત કર્યાં હતાં, તે એટલે સુધી કે 1871માં તેના કારખાનામાં કામ કરતા શ્રમિકોની સંખ્યા 16,000 જેટલી થઈ હતી. વળી, તેણે તેના શ્રમિકો માટે સસ્તાં મકાનો, વૈદ્યકીય સહાય, પેન્શન અને ગ્રાહક સહકારી મંડળીઓના વિસ્તરણ જેવી સામાજિક કલ્યાણની યોજનાઓ દાખલ કરી લોકપ્રિયતા સંપાદન કરી હતી. જર્મનીના તત્કાલીન સમ્રાટ વિલિયમ પહેલાએ આલ્ફ્રેડનો ઉલ્લેખ ‘તોપોના સમ્રાટ’ (‘The Cannon King’) તરીકે કર્યો હતો. 1860 પછીના ગાળામાં તેણે મોટા પ્રમાણમાં કોલસા અને લોખંડની ખાણો ખરીદી હતી, જેને કારણે ક્રપ પરિવારના આર્થિક અને ઔદ્યોગિક સામ્રાજ્યમાં વૈવિધ્ય દાખલ થયું હતું.
(3) ફ્રેડરિક આલ્ફ્રેડ ક્રપ (1854–1902) : પરિવારના આ સભ્યે કીલ ખાતેના જહાજવાડા ખરીદીને તથા મૅગબર્જ ખાતેના બખ્તર બનાવવાના ઔદ્યોગિક એકમ પર માલિકી જમાવીને ક્રપ પરિવારના ઔદ્યોગિક સામ્રાજ્યમાં વૈવિધ્ય દાખલ કર્યું હતું. 1897માં તેની ઉત્પાદન પેઢીએ રહીનહૉસેન (Rhainhausen) ખાતે ઊભું કરેલ પોલાદનું કારખાનું પશ્ચિમ યુરોપમાં કદ અને ઉત્પાદનક્ષમતા આ બંનેમાં મોટામાં મોટું સાબિત થયું.
(4) ગુસ્તાવ ક્રપ વૉન બોહલેન અંડ હાલબાડ (1870–1950) : ઉચ્ચ કક્ષાની વહીવટીક્ષમતા ધરાવતા ગુસ્તાવ ક્રપે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ક્રપ હસ્તકના પોલાદના કારખાનાની ઉત્પાદનક્ષમતામાં અસાધારણ વૃદ્ધિ કરવામાં સફળતા મેળવી અને શ્રમિકોની કુલ સંખ્યા 1,15,000 જેટલી થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્રરાષ્ટ્રોના હાથે જર્મનીનો પરાભવ થતાં ક્રપ ઔદ્યોગિક સામ્રાજ્યની ઉત્પાદન-ક્ષમતામાં ફરજિયાતપણે અડધોઅડધ ઘટાડો કરવામાં આવ્યો. 1923માં ગુસ્તાવ સામે ફ્રેન્ચ લશ્કરી ન્યાયાલયમાં યુદ્ધના ગુનાઓ હેઠળ કામ ચલાવવામાં આવ્યું અને તેને પંદર વર્ષની સજા ફટકારવામાં આવી; જેમાંથી માત્ર સાત મહિનાની સજા તેને ભોગવવી પડી હતી. બે વિશ્વયુદ્ધોના વચ્ચેના ગાળામાં ક્રપ પરિવારની માલિકીનાં કારખાનાંઓમાં શસ્ત્રાસ્ત્રોના ઉત્પાદનની અવેજીમાં પોલાદ ઉપરાંત પુલ બનાવવા માટેનાં સાધનો–ઉપકરણો, કૃષિ તથા ખાણક્ષેત્રમાં વપરાતાં યંત્રો, રેલવેનાં એન્જિનો અને અન્ય ઉપકરણો તથા કાપડ-ઉદ્યોગમાં વપરાતાં યંત્રોના ઉત્પાદન પર ભાર મૂક્યો. અલબત્ત, સાથોસાથ ક્રપ કારખાનાંઓએ ગુપ્ત રાહે બખ્તરબંધ ગાડીઓ તથા રણગાડીઓનું ઉત્પાદન પણ ચાલુ રાખેલું. 1933માં ઍડૉલ્ફ હિટલર જર્મનીમાં સત્તા પર આવ્યા બાદ ક્રપ પરિવારની માલિકીનાં કારખાનાંઓમાં ફરી વાર શસ્ત્રાસ્ત્રોનું ઉત્પાદન પુરજોશથી શરૂ કરવામાં આવ્યું હતું; પરંતુ 1943-45 દરમિયાન ક્રપ પરિવારના કારખાનાંઓ પર મિત્રરાષ્ટ્રોના હવાઈદળના કારમા આક્રમણ અને બૉમ્બમારાને કારણે તે ફરી વાર છિન્નભિન્ન થયાં હતાં. પૂર્વ જર્મની તરફની ક્રપની માલિકી મિલકતો પર સોવિયેત સંઘે કબજો કર્યો; એટલું જ નહિ, પરંતુ અમેરિકાના આગ્રહને કારણે ક્રપ પરિવારના સભ્યો પર બીજી વાર યુદ્ધના ગુનાઓ હેઠળ કામ ચલાવવામાં આવ્યું; પરંતુ માંદગી અને વૃદ્ધાવસ્થાની ન્યૂનતાઓને કારણે ગુસ્તાવ શિક્ષામાંથી બચી ગયા હતા. જાન્યુઆરી, 1950માં તેમનું અવસાન થયું હતું.
(5) આલ્ફ્રેડ ક્રપ વૉન બોહલેન અન્ડ હાલબાક (1907–67) : તે ગુસ્તાવ ક્રપનો મોટો પુત્ર હતો અને ક્રપ ઔદ્યોગિક સામ્રાજ્યનો તે એકમાત્ર માલિક (sole owner) હતો. 1936માં તે ક્રપના સંચાલન-મંડળમાં જોડાયો અને ત્યારબાદ 1938માં તે નાઝી પક્ષમાં જોડાયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેણે ક્રપ ઔદ્યોગિક સામ્રાજ્યનાં વિવિધ ઘટકો વચ્ચે સંકલન સાધવાનું કાર્ય કર્યું હતું. જુલાઈ, 1948માં અમેરિકાના લશ્કરી ન્યાયાલયે તેને યુદ્ધના ગુનાઓ હેઠળ બાર વર્ષની સજા ફટકારેલી, જેમાંથી ત્રણ વર્ષની સજા તેણે ભોગવી હતી. જાન્યુઆરી, 1951માં તેને કારાવાસમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો તથા તેની મિલકત પણ તેને પાછી આપવામાં આવી હતી. ત્યારબાદ તેણે ફરી ક્રપ ઔદ્યોગિક સામ્રાજ્યને બેઠું કરવાનાં પગલાં લેવાની શરૂઆત કરી હતી; પરંતુ માર્ચ, 1953ના એક કહેવાતા કરાર દ્વારા મિત્રરાષ્ટ્રોએ તેને તેના કોલસાની ખાણો, પોલાદની ખાણો તથા કાચા લોઢાની અસ્કામતો પાંચ વર્ષના ગાળામાં વેચવાની ફરજ પાડી હતી; તેમ છતાં તેમના પર આલ્ફ્રેડ ક્રપની માલિકી પરોક્ષ રીતે ચાલુ જ રહી હતી. 1954માં તેના હસ્તકના ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો નફો કરવા લાગ્યાં. હવે તે લશ્કરી સાધનો, શસ્ત્રાસ્ત્રો તથા તત્સમ ઉપકરણોનાં ઉત્પાદનની અવેજીમાં શાંતિના સમયમાં ઉપયોગી થાય તેવાં યંત્રો અને ભારે ઔદ્યોગિક ઉપકરણોનું ઉત્પાદન કરવા લાગ્યા. 1967માં આલ્ફ્રેડ ક્રપે જાહેર કર્યું કે તે સ્વેચ્છાથી ક્રપ સામ્રાજ્યના ઘટકો પરનો તેનો કાબૂ જતો કરવા તૈયાર છે. ત્યારબાદ થોડાક સમય પછી તેનું અવસાન થયું હતું.
વર્ષ 1968માં ક્રપ પરિવારનું તેમના અગાઉના ઔદ્યોગિક સામ્રાજ્ય પરનું સ્વામિત્વ સમાપ્ત થયું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે