ક્રતુ : જેમાં યૂપ રોપાતો હોય તેવો યજ્ઞ. અમરકોશમાં ‘ક્રતુ’ શબ્દને યજ્ઞસામાન્યના અર્થમાં ગણાવ્યો છે. પણ અમરકોશમાં ગણાવેલાં યજ્ઞનામોમાંનાં કેટલાંક યજ્ઞવિશેષોનાં વાચક છે. ‘યજ્ઞ’ શબ્દ તેના વ્યાપક અર્થમાં શ્રૌત સ્માર્ત સર્વ હોમાત્મક કર્મને આવરી લે છે, જ્યારે ક્રતુ એ સોમયાગ છે. ‘શબ્દકલ્પદ્રુમ’માં તેને यूपसहितो यज्ञ: क्रतु: કહ્યો છે. સોમયાગોમાં પશુહોમ થતો અને પશુબંધન માટે યૂપ રહેતો તેથી તે ક્રતુ કહેવાયો છે. યજ્ઞીય હિંસા હિંસા ગણાતી નથી તેથી ક્રતુ પણ અધ્વર કહેવાય. પાણિનિએ क्रतुयज्ञेभ्यश्च (પા. સૂ. 4.3.68) – એ સૂત્રમાં ‘ક્રતુ’ અને ‘યજ્ઞ’ શબ્દોને જુદા ગણાવીને તેમની વચ્ચેનું અંતર સૂચવ્યું છે. કાશિકા(પા.સૂ. 2.4.4)માં પણ क्रतुशब्द: सोमयज्ञेषु रूढ: । એમ કહી પાણિનિના અર્થનું સમર્થન કર્યું છે. અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, ઉક્થ્ય, ષોડશી, વાજપેય, અતિરાત્ર અને અપ્તોર્યામ – એ સાત સોમયાગોની સંસ્થા છે, જે સોમસંસ્થા કહેવાય છે. રાજસૂય અને અશ્વમેધ સોમસંસ્થામાં ગણાતા નથી; પણ તેમાં સોમસવન અને સોમહોમ થાય છે તેથી તે પણ ક્રતુ છે. શ્રુતિમાં આગ્નેય ક્રતુ ઉષસ્ય ક્રતુ, અને આશ્વિન ક્રતુ એ ત્રણને સોમસાધ્ય ક્રતુ કહ્યા છે. શ્રૌતસૂત્રોમાં ક્રતુના અહીન અને સત્ર – એમ બે પ્રકાર ગણાવ્યા છે. અહીનયાગો એક દિવસથી માંડી અગિયાર દિવસ સુધી ચાલનારા યાગો છે. સત્રયાગો બાર દિવસથી માંડી એક સંવત્સર, શત સંવત્સર, સહસ્ર સંવત્સર પર્યન્ત ચાલનારા યાગો છે. પુરાણોમાં દ્વાદશવાર્ષિક સત્રના ઉલ્લેખો છે. શત સંવત્સર અને સહસ્ર સંવત્સર યાગો થતા નહિ હોય. માત્ર યાજ્ઞિક શાસ્ત્રોમાં તેમનાં નિરૂપણો છે. અગ્નિષ્ટોમ અને વાજપેય એ એકાહ એટલે એકદિવસીય સોમયાગો છે. જોકે તેમના પૂર્વાંગ વિધિઓ આરંભના ચાર દિવસ ચાલે અને પાંચમે દિવસે યાગ થાય, તેથી વસ્તુત: એ પંચદિવસીય યાગ છે. રાજસૂયનો મુખ્ય વિધિ ચાર દિવસનો છે અને તેના પૂર્વાંગ વિધિઓમાં કેટલાક વધારે દિવસો લાગે છે. અશ્વમેધ ત્રિદિવસીય યાગ છે પણ તેના પૂર્વાંગનો વિધિ એક વર્ષ પહેલાં શરૂ થાય છે.

નટવરલાલ યાજ્ઞિક