ક્રગમન, પૉલ રૉબિન (જ. 28 ફેબ્રુઆરી 1953, લૉંગ આયર્લૅન્ડ, ન્યૂયૉર્ક) : સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના જ્ઞાતા અને વર્ષ 2008 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના વિજેતા. તેઓ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના તથા આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસરના પદ પર કાર્યરત છે. સાથોસાથ વર્ષ 2000થી ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના નિયમિત કટારલેખક પણ છે. યહૂદી પરિવારમાં જન્મ તથા ન્યૂયૉર્કના લૉંગ આયર્લૅન્ડમાં ઉછેર. પ્રિન્સ્ટન યુનિવર્સિટીનાં સહઅધ્યાપિકા રૉબિલ વેલ્સ તેમનાં બીજી વારનાં પત્ની છે.
પૉલ ક્રગમને 1974માં અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં બી.એસ.ની પદવી અને 1977માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માંથી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. 1982–83 દરમિયાન તેમણે રીગન કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસમાં આર્થિક બાબતોના સલાહકાર મંડળમાં સેવાઓ આપી હતી. વર્ષ 2000માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે દાખલ થયા પૂર્વે તેમણે યેલ યુનિવર્સિટી, એમ.આઇ.ટી., કૅલિફૉર્નિયા યુનિવર્સિટી હસ્તકની બર્કલે યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ અને અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનું અધ્યાપન કરેલું. બિલ ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષ બન્યા ત્યારે પૉલ ક્રગમનની તેમના સલાહકાર-મંડળમાં ઉચ્ચ પદ પર વરણી થાય તેવી સંભાવના ઊભી થયેલી; પરંતુ ક્રગમનના સ્પષ્ટ વક્તૃત્વવાળા સ્વભાવને કારણે ઉપર્યુક્ત સંભાવનાને મૂર્ત રૂપ મળ્યું ન હતું.
પુસ્તકો લખવા ઉપરાંત ક્રગમને તેમની અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન કેટલાંક સામયિકોમાં પણ સામાન્ય વાચકો માટે લેખો લખ્યા હતા, જેમાં ‘ફૉર્ચ્યૂન ઍન્ડ સ્લેટ’, ‘હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ’, ‘ફૉરેન પૉલિસી’, ‘ધ ઇકૉનૉમિસ્ટ’, ‘હાર્પર્સ’ અને ‘વૉશિંગ્ટન મંથલી’નો સમાવેશ થાય છે. વર્ષ 2000થી તેઓ ન્યૂયૉર્ક ટાઇમ્સ સાથે કટારલેખક તરીકે સંકળાયેલા છે.
વર્ષ 2003માં ક્રગમને ‘ધ ગ્રેટ અનરેવલિંગ’ શીર્ષક હેઠળ તેમના કટારલેખનમાંથી કેટલાક ખાસ પસંદ કરેલા લેખોનો સંગ્રહ પ્રકાશિત કર્યો છે. આ ગ્રંથમાં સામેલ લેખો દ્વારા પૉલ ક્રગમને રાષ્ટ્રાધ્યક્ષ બુશના વહીવટી તંત્રની નીતિઓની સખત ટીકા કરી છે. આ પ્રકાશન ખૂબ લોકપ્રિય નીવડ્યું છે. વર્ષ 2007માં ક્રગમને ‘કૉન્શન્સ ઑવ્ એ લિબરલ’ શીર્ષક હેઠળ એક બીજો ગ્રંથ પ્રકાશિત કર્યો છે અને તેને પણ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.
1999માં પૉલ ક્રગમન ઍનરૉન બહુરાષ્ટ્રીય કંપનીના સલાહકાર મંડળમાં સભ્ય તરીકે થોડાક સમય માટે નિમાયા હતા.
બૌદ્ધિક (academic) અને ખાસ કરીને સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં તેમનું યોગદાન આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતોમાં વિશેષ રૂપે જાણીતું છે. આ સંદર્ભમાં તેમની એવી રજૂઆત છે કે પેઢીઓ કે દેશો ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેપાર અંગેના નિર્ણયો કરતી વેળાએ પેદાશના નિયમો અને તેમાંથી ઉદભવતા લાભાલાભ-(economics of scale)નો આધાર લેતા હોય છે. અર્થશાસ્ત્રનાં સૈદ્ધાંતિક પાસાંઓના સંદર્ભમાં સર્વસામાન્ય રીતે ક્રગમન નવ-કેનેશિયન (neo-keynesian) અર્થશાસ્ત્રી ગણાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારના ક્ષેત્રમાં તેમણે રજૂ કરેલ નવો સિદ્ધાંત એ તેમનું મહત્વનું યોગદાન ગણવામાં આવે છે. વિશ્વના વર્તમાન પચાસ પ્રતિભાસંપન્ન અર્થશાસ્ત્રીઓમાં તેમની ગણના કરવામાં આવે છે. ઉપરાંત, તેઓ ઉદારમતવાદી વિચારક અને અભિનવ મંતવ્યોના પુરસ્કર્તા ગણાય છે. નોબેલ પુરસ્કાર માટે અર્થશાસ્ત્રીનાં નામ નક્કી કરનાર નિષ્ણાતોની સમિતિના એક સભ્ય ટોર એલિગ્સેનના મંતવ્ય મુજબ ક્રગમનના આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિશ્લેષણમાંથી ફલિત થાય છે કે તેઓ મુક્ત વ્યાપારના પ્રખર હિમાયતી છે, જેને લીધે તેઓ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંબંધોમાં સંરક્ષણની નીતિને જરા પણ ટેકો આપતા નથી. ક્રગમન પૂર્વે વર્ષ 1977 માટેનો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર બર્ટિલ ઓહલિન (1899–1979) અને જેમ્સ મીડ(1907–1995)ને સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતની નવેસરથી રજૂઆત કરવા માટે એનાયત કરવામાં આવ્યો હતો. મુક્ત વ્યાપારમાંથી ઉદભવતા કેટલાક સૈદ્ધાંતિક પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવાનો ક્રગમને સફળ પ્રયાસ કર્યો છે; દા. ત., મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને વૈશ્વિકીકરણની કઈ અસરો સંભવી શકે, વૈશ્વિક સ્તરે શહેરીકરણની હાલની પ્રક્રિયા માટે કયાં પરિબળો જવાબદાર છે ? વગેરે. આવા પ્રશ્નોના જવાબો દ્વારા ક્રગમને આ પહેલાંનાં સંશોધનોનાં તારણોનું એકસૂત્રીકરણ (integration) કરવાનો પ્રયાસ કર્યો છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતી ક્રગમને કરેલી નવેસરની સમજૂતી કદવિકાસના લાભને આધાર બનાવીને કરવામાં આવી છે, જેના કારણે ઉત્પાદનનું કદ વધતાં ઉત્પાદન-ખર્ચમાં ઘટાડાનાં વલણો દાખલ થતાં હોય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતો ક્રગમને રજૂ કરેલ સિદ્ધાંત મૂળભૂત રીતે વધતી પેદાશ અને ઘટતા ખર્ચનાં વલણોને કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારની તરેહ પર કેવી અસરો થાય છે તે દર્શાવવાનો પ્રયાસ કરે છે.
આ અંગેના સિદ્ધાંતની અભિનવ રજૂઆત માટે પૉલ ક્રગમનને વર્ષ 1991માં અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશન દ્વારા ‘જે. બી. ક્લાર્ક’ સ્મૃતિચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ક્રગમને અત્યાર સુધી વીસ ગ્રંથો અને 200 જેટલા સંશોધન-લેખો લખ્યા છે.
વર્ષ 1991થી 2008 સુધીમાં પૉલ ક્રગમનને મળેલા ઍવૉર્ડ આ પ્રમાણે છે : વર્ષ 1991 : યેશ જે. બી. ક્લાર્ક સ્મૃતિચંદ્રક; વર્ષ 2003 : કૉલમિસ્ટ ઑવ્ ધ યર ઍવૉર્ડ; વર્ષ 2004 : સ્પેન દ્વારા અપાતો પ્રિન્સ ઑવ્ ઍસ્ટુરિયાઝ ઍવૉર્ડ ઇન સોશિયલ સાયન્સીઝ જે પુલિત્ઝર પ્રાઇઝને સમકક્ષ ગણાય છે; વર્ષ 2004 : હાર્વર્ડ કૉલેજ દ્વારા ડૉક્ટરેટની માનાર્હ પદવી તથા વર્ષ 2008 : અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે