કૌલ, જસપિન્દર નરુલા (ડૉ.) (જ. 14 નવેમ્બર 1970, દિલ્હી) : બુલંદ સ્વરનાં ગાયિકા.
કર્મશીલા ડૉ. જસપિન્દર નરુલાનો જન્મ પંજાબના સાંગીતિક પરિવારમાં થયો હતો. તેમના પિતાજી કેસરસિંહ નરૂલા 1950ની આસપાસના ગાળામાં સંગીતનિયોજક તરીકે સારી પ્રતિષ્ઠા પામ્યા હતા. માતા મોહિની પંજાબી અને હરિયાણવી ભાષાનાં વિખ્યાત લોકગાયિકા છે. ગળથૂથીમાં સંગીતસંસ્કાર પામેલાં જસપિન્દરે બાળપણમાં પિતા-ગુરુ પાસેથી પ્રારંભિક સંગીતશિક્ષણ પ્રાપ્ત કર્યું. સઘન તાલીમ રામપુર સહસ્વાન ઘરાનાના ગુરુ ઉસ્તાદ ગુલામ સાદિક ખાનસાહેબ પાસેથી મેળવી અને પોતાની સંગીતયાત્રાનો આરંભ કર્યો. આ જ ઘરાનાના પંડિત સીતારામજી પાસે પણ વધુ મહાવરાની તેમને તક સાંપડી. ચાર વર્ષની કૂમળી વયે તેમણે ઇંગ્લૅન્ડ અને કૅનેડા ખાતે પોતાના મધુર સ્વરમાં હૃદયસ્પર્શી ગીતો રજૂ કરી રસિકોનાં મન જીતી લીધાં. દેશ-વિદેશની તેમની અગણિત પ્રસ્તુતિઓને કારણે જસપિન્દરનો કંઠ સુપેરે ઘડાયો. શાસ્ત્રીય સંગીત ઉપરાંત આ નિષ્ઠાવાન કલાકારે લોકસંગીત, સૂફી સંગીત, ભક્તિ સંગીત અને પાશ્ચાત્ય સંગીતની શૈલીઓમાં મહારત મેળવી. આઠ વર્ષની નાની ઉંમરે એમણે દૂરદર્શન જાલંધર કેન્દ્ર પર ‘દમાદમ મસ્ત કલંદર’ ગાઈને સૂફી ગાયનકળાને સન્માન બક્ષ્યું હતું.
ડૉ. નરુલાને ફિલ્મી ગીતોના ઘણા પ્રસ્તાવો મળ્યા. વિશ્વની અનેક ભાષાઓમાં એમનાં ગીતોની રેકૉર્ડ્ઝ બહાર પડી, પરંતુ અભ્યાસને મહત્ત્વ આપી જસપિન્દરે 2008માં દિલ્હી યુનિવર્સિટીમાંથી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પીએચ.ડી.ની ડિગ્રી હાંસલ કરી. ત્યારબાદ તેમણે ફરીથી જાહેર ક્ષેત્રોમાં દેખા દીધી. અનેક ફિલ્મો માટે આ ઉત્કૃષ્ટ કલાકારે પ્લેબેક સિંગિંગ કરી ભાવકોને ન્યાલ કરી દીધા. એમના નામે ફિલ્મી-ગૈરફિલ્મી ગીતોની મોટી સંખ્યા નોંધાઈ છે – જે એક માનાંક છે. પ્રસિદ્ધ સંગીતકાર કલ્યાણજીભાઈ અને એમના સુપુત્ર વિજુ શાહ સાથે જોડાઈ ‘આર યા પાર’, ‘બડે મિયાઁ છોટે મિયાઁ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. ‘જુદાઈ’ ફિલ્મનાં ગીતોએ જસપિન્દરને વ્યાવસાયિક ઊંચાઈ પર મૂકી દીધાં. એ પછી બોલિવુડમાં એ છવાતાં રહ્યાં. રિયાલિટી શોની સ્પર્ધામાં તેમને ટી.વી.ના મંચ પર પોંખવામાં આવ્યાં. વૈશ્વિક સ્તરે તેમને માન-સન્માન મળ્યાં. 1999માં તેમને ફિલ્મફેર ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં. સર્વશ્રેષ્ઠ મહિલા પાર્શ્વગાયિકા તરીકે તેઓ દેશની ખ્યાતિપ્રાપ્ત મહિલાઓની યાદીમાં મુકાયાં.
આ બહુઆયામી અને બહુભાષી ગાયિકાએ પંજાબી, હિંદી, ગુજરાતી, ઉર્દૂ અને અનેક દક્ષિણ ભારતીય ભાષાઓમાં પોતાના સમર્પિત સ્વરને વહેતો મૂક્યો છે. ગુજરાતી ભાષામાં ભજન, ભક્તિગીત અને ગરબામાં પણ ડૉ. જસપિન્દરે પોતાના સુરીલા કંઠ વડે જાદુ પાથર્યો. મા અંબેની સ્તુતિ ‘માંડવડીમાં જ્યોતિ’ અને માતાજીનો ગરબો ‘મોરલો બોલ્યો રે…’માં ગુજરાતીના લહેકાનો અહેસાસ રસિકોને થયો છે. પાશ્ચાત્ય ભાષાઓને પણ તેમણે અપનાવી. શીખ ગુરુદ્વારાઓમાં ગવાતી ‘ગુરુબાની’ને તેમણે પ્રત્યક્ષ અને ‘ઑનલાઇન’ રજૂ કરી ભક્તિની લહેરમાં પ્રાણ પૂર્યા છે.
2025માં ભારત સરકારે ડૉ. જસપિન્દર નરૂલાને પદ્મશ્રી અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું છે. પ્રસ્તુત સન્માન તેમની સ્વરવિસ્તાર શૈલીનું એક છોગું છે.
સુધા ભટ્ટ
