કૌલ ઝિંદા (માસ્તરજી)

January, 2008

કૌલ, ઝિંદા (માસ્તરજી) (જ. 1884, શ્રીનગર, કાશ્મીર; અ. 1966) : કાશ્મીરી કવિ, કાશ્મીરી પંડિતકુળમાં જન્મ. પ્રારંભમાં ફારસીનું શિક્ષણ મક્તાબ(શાળા)માં મેળવ્યું ત્યારે તેઓ ઉંમરના પ્રમાણમાં ઘણા સમજદાર બાળક ગણાતા. અભ્યાસ પૂરો કરી શિક્ષક તરીકે એવી સુંદર કામગીરી કરી કે વિદ્યાર્થીઓ, મિત્રો અને તેમના ચાહકો દ્વારા ‘માસ્તર’ કે ‘માસ્તરજી’નું બિરુદ પામ્યા. પછી એની બેસન્ટ સાથે સંકળાયેલ શાળામાં જોડાયા. ત્યાં બ્રહ્મવિદ્યામાં રસ કેળવ્યો અને તેમના ધૈર્યને કારણે તેઓ વિદ્યાર્થીઓના ભક્તિભાજન બન્યા.

ઝિંદા કૌલ (માસ્તરજી)

ખાનગી રીતે બી.એ.ની પદવી મેળવીને સંસ્કૃત, ફારસી, ઉર્દૂ, હિંદી અને અંગ્રેજી પર પ્રભુત્વ મેળવ્યું. પ્રચાર ખાતાની અનુવાદ-કચેરીમાં રાજ્યના પુરાતત્ત્વ અને સંશોધન-વિભાગમાં તેમની સેવાઓ લેવામાં આવી.

ફારસી અને ઉર્દૂમાં ‘સાબિત’ તખલ્લુસથી તેમણે કાવ્યરચના કરી. તેમની કૃતિ ‘દીવાન-ઇ-સાબિત’ આકર્ષક ને આસ્વાદ્ય છે. તેમનું હિંદી કાવ્ય ‘પુષ્પપત્ર’ 1914માં પ્રગટ થયું. અંગ્રેજીમાં પણ તેમણે કાવ્યકૃતિઓ રચી. તેમનું જીવન આત્મનિરીક્ષણ અને અભ્યાસમાં મગ્ન રહેતું. ફારસીમાં હાફિઝ અને રુમી તેમના પ્રિય કવિઓ હતા. સંસ્કૃતમાં તેમણે શૈવાચાર્ય ઉત્પલદેવ અને અભિનવગુપ્તનો અભ્યાસ કર્યો હતો. તેઓ રસ્કિનના મતાનુયાયી હતા. તેમણે તેમની માતૃભાષામાં ભક્તિકાવ્યના પ્રચારક પરમાનંદ(1791-1879)નો અભ્યાસ કર્યો હતો.

કાશ્મીરીમાં ભજનો, ગીતો અને કથાઓના રચયિતા પરમાનંદની વિવિધ હસ્તપ્રતોમાંથી કૌલે મહત્વનો ભાગ સુધારી, વિગતવાર વ્યવસ્થિત કરીને તેમની કવિતાની પ્રથમ આવૃત્તિ 1941માં પ્રગટ કરી હતી. તેમાં ‘રાધાસ્વયંવર’, ‘સુદામાચરિત્ર’ અને ‘શિવલગન’નો સમાવેશ થાય છે. થોડાં વર્ષોમાં 37 કાવ્યોનો સંગ્રહ ‘સુમરન’ (‘રોઝરી ઍઝ અ ટોકન ઑવ્ લવ’) અને 18 કાવ્યોનો બીજો કાવ્યસંગ્રહ(1951)માં પ્રગટ થયા. તેમના કાવ્યની દરેક કડી કવિએ અંગ્રેજી તરજુમા સાથે રચી છે.

તેમની ‘સુમરન’ કાવ્યકૃતિ બદલ તેમને 1956ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. ગમે તેવા સંકટના કાળમાં તેમણે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા કે પરમ સત્ય પ્રત્યેની લગન કદી ગુમાવી નહોતી. તેમની આ કૃતિ તેના પદલાલિત્ય અને ભાવોનું ગાંભીર્ય અને ભક્તિ તરફના ઝોકને કારણે કાશ્મીરી સાહિત્યમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરે છે.

ચન્દ્રકાન્ત મહેતા

બળદેવભાઈ કનીજિયા