કૌરવ : સોમવંશી સંવરણ અને તપતીના પુત્ર કુરુ રાજા હસ્તીના વંશજો અને એક જાતિવિશેષ. કૌરવોનો પ્રદેશ તે કુરુજાંગલ અથવા કુરુક્ષેત્ર. કુરુના મહાન તપથી કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર અને પરમ પવિત્ર તીર્થસ્થાન બન્યું. કુરુઓ અને કુરુક્ષેત્રનો નિર્દેશ વૈદિક વાઙ્મયમાં છે. પાંડુના પુત્રો પાંડવો સાથેના વિરોધ અને મહાયુદ્ધના કારણે કૌરવો એટલે ધૃતરાષ્ટ્રના એકસો પુત્રો એવું સામાન્યત: સમજવામાં આવે છે.
રાજા કુરુનો પુત્ર વિડૂરથ, તેનો અરુગ્માન્, તેનો પરિક્ષિત, તેનો ભીમસેન, તેનો પર્યશ્રવા અને તેનો પ્રતીપ. પ્રતીપને ત્રણ પુત્ર થયા – દેવાપિ, બાહલિક અને શંતનુ કે શાંતનુ. દેવાપિને કોઢ નીકળેલો તેથી સંન્યાસી થઈ વનમાં ગયા. બીજા બાહલિકને અપુત્ર મામાએ દત્તક લીધા, તેથી કનિષ્ઠ શંતનુ રાજા થયા. રાજા શંતનુનો યશ આવા શ્લોકથી ગવાતો : ‘‘એ જે જે જીર્ણને (વૃદ્ધને) સ્પર્શે છે તે તે પુન: યુવાન થઈને સુખી થાય છે, તેથી તે શંતનુ નામે ઓળખાય છે.’’ શંતનુને ભાગીરથી ગંગાથી દેવવ્રત ભીષ્મ અને સત્યવતી ગંધકાલીથી વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ એ બે પુત્ર – એમ ત્રણ પુત્ર થયા. તેમાં ચિત્રાંગદ તો યુવાન થતા પહેલાં જ ગંધર્વો સાથેના યુદ્ધમાં માર્યો ગયો. ભીષ્મે પિતાની મનોરથપૂર્તિ માટે, સત્યવતીનો પુત્ર જ રાજા થશે, એવી પ્રતિજ્ઞા લીધેલી, તેથી કનિષ્ઠ વિચિત્રવીર્ય રાજા થયો, પણ અસંયમી જીવનના કારણે રાજયક્ષ્માનો ભોગ થઈ યુવાનીમાં મૃત્યુ પામ્યો. તે નિ:સંતાન હોઈ તેની પત્ની અંબિકામાં વ્યાસે ધૃતરાષ્ટ્ર અને બીજી પત્ની અંબાલિકામાં પાંડુ એમ બે પુત્ર ઉત્પન્ન કર્યા. અંબિકાની દાસીમાં વ્યાસ દ્વારા વિદુર જન્મ્યા. ધૃતરાષ્ટ્ર જન્માંધ હતો, તેથી રાજગાદી પાંડુને મળી. ધૃતરાષ્ટ્રને ગાંધારીથી એકસો પુત્ર જન્મ્યા, તેમાં દુર્યોધન, દુ:શાસન, વિકર્ણ અને ચિત્રસેન મુખ્ય હતા. તે ઉપરાંત તેને એક દાસીપુત્ર યુયુત્સુ પણ હતો. પાંડુની બે પત્નીઓ કુંતી અને માદ્રી. પાંડુને રતિક્રીડાસેવનથી મૃત્યુ થવાનો શાપ હતો; તેના અત્યાગ્રહથી દેવોનું વશીકરણ મંત્ર દ્વારા આવાહન કરી કુંતીએ યમ – ધર્મથી યુધિષ્ઠિર, વાયુથી ભીમસેન અને ઇન્દ્રથી અર્જુન એમ ત્રણ પુત્રો, અને માદ્રીએ મંત્ર દ્વારા આવાહન કરી અશ્વિનીકુમારોથી નકુલ-સહદેવ એ બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો. પાંડુના એ પાંચ ક્ષેત્રજ પુત્રો પાંડવો કહેવાયા. પાંડવો અને ધૃતરાષ્ટ્રના એકસો પુત્રો, અર્થાત્, કૌરવો વચ્ચે બાલ્યાવસ્થાથી જ અણબનાવ થયો. તે દિન-પ્રતિદિન વધતો જ ગયો અને અંતે મહાભારત યુદ્ધ દ્વારા ભીષણ પ્રણાશમાં પરિણમ્યો.
મહાભારત ગ્રંથ ભૌતિક વિજય ઉપરાંત અધર્મ ઉપર ધર્મના જયનું કાવ્ય પણ છે; તેથી તેમાં કૌરવોને મન્યુમય (અધર્મમય) મહાવૃક્ષના અને પાંડવોને ધર્મમય મહાવૃક્ષના પ્રતીક રૂપે વર્ણવ્યા છે : ‘‘દુર્યોધનરૂપી એક મન્યુમય મહાવૃક્ષ છે. કર્ણ તેનું થડ અને શકુનિ તેની ડાળીઓ છે. દુ:શાસનરૂપી ફળ-ફૂલથી તે લચેલું છે; અને અમનીષી (ટૂંકી ર્દષ્ટિનો) ધૃતરાષ્ટ્ર તેનું મૂળ છે. યુધિષ્ઠિરરૂપી એક ધર્મમય મહાવૃક્ષ છે. અર્જુન તેનું થડ અને ભીમસેન તેની ડાળીઓ છે. માદ્રીના પુત્રો નકુલ-સહદેવરૂપી ફળફૂલથી તે લચેલું છે અને કૃષ્ણ, બ્રહ્મ તથા બ્રાહ્મણો અર્થાત્ બ્રહ્મવિદો તેનું મૂળ છે.’’ (મહાભારત,1.1.65-66, 5.29.45-46). આના કારણે શ્રીકૃષ્ણની મદદ યાચવા ગયેલા દૈવી સંપત્તિના અધિનાયક પાંડવ અર્જુને સૈન્યરહિત અને યુદ્ધમાં નહિ લડનાર શ્રીકૃષ્ણને પોતાના માર્ગદર્શક નેતા અને સારથિ તરીકે પસંદ કર્યા, જ્યારે આસુરી સંપત્તિનો અધિનાયક કૌરવ દુર્યોધન કરોડોનું ગોપસૈન્ય મળવાથી રાજીનો રેડ થઈ ગયો. પરંતુ દૈવી અને આસુરી સંપત્તિના સંઘર્ષમાં જય તો દૈવી સંપત્તિનો થયો તે સર્વવિદિત છે.
સંન્યાસની સામે કુરુઓના પવિત્ર ગૃહસ્થધર્મનો પાણિનિએ નિર્દેશ કર્યો છે (6.2.42). બૌદ્ધ જાતક 276, ‘કુરુધમ્મ જાતક’માં કુરુઓના પવિત્ર ગૃહસ્થધર્મની પ્રશંસા છે.
ઉ. જ. સાંડેસરા