કૌમારિન : ગિયાનામાં થતા ટૉન્કા (tonka) છોડમાંથી મળતું અને તાજા કાપેલા સૂકા ઘાસની વાસ ધરાવતું વિષમચક્રીય કાર્બનિક સંયોજન. તે એક લૅક્ટૉન છે. અણુસૂત્ર છે C9H6O2. તેને બેન્ઝોપાયરોન પણ કહે છે. તેનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે :

સંશ્લેષિત રીતે તેને સેલિસીલિક આલ્ડિહાઇડ, સોડિયમ એસિટેટ અને એસેટિક એન્હાઇડ્રાઇટને ગરમ કરીને પણ બનાવી શકાય છે.

1820માં ગ્લુકોઝ શર્કરા સાથેનું તેનું સંયોજન ટૉન્કા છોડના બીજમાંથી શોધી કાઢવામાં આવેલું. 1868માં વિલિયમ પર્કિને તેનું પ્રથમ સંશ્લેષણ કરેલું. કૌમારિન જેવું બંધારણ ધરાવતાં (પણ ગ્લુકોઝ સાથેનાં યૌગિક) સંયોજનો કેટલાંક વૃક્ષોમાંથી મેળવવામાં આવ્યાં હતાં. બગડી ગયેલ મીઠા ત્રિપર્ણી ચારા(sweet clover hay)માંથી અલગ પાડવામાં આવેલ આવું એક સંયોજન, ડાઇ-કૌમારોલ, પ્રતિસ્કંદક (anticoagulant) તરીકેના ગુણધર્મો ધરાવે છે.

કૌમારિન સંયોજનો સુગંધીદાર અને સોડમયુક્ત પદાર્થો તથા ઔષધો અને અન્ય સંયોજનોની બનાવટમાં વપરાય છે. વિષાળુ હોવાથી ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ નિષિદ્ધ છે.

પ્રવીણસાગર સત્યપંથી