કૌમારભૃત્ય તંત્ર

January, 2008

કૌમારભૃત્ય તંત્ર : આયુર્વેદ અનુસારની બાલચિકિત્સાનું તંત્ર. આયુર્વેદે ચિકિત્સાની આઠ શાખાઓ ગણાવી છે : 1. શલ્યચિકિત્સા, 2. શાલાક્યચિકિત્સા, 3. કાયચિકિત્સા, 4. બાલચિકિત્સા, 5. અગદ(વિષ)ચિકિત્સા, 6. ગ્રહ-ભૂત-બાધાચિકિત્સા, 7. રસાયન અને (8) વાજીકરણ ચિકિત્સા. તેમાંની બાલચિકિત્સાને ‘કૌમારભૃત્યતંત્ર’ (paediatrics) કહ્યું છે. ‘ચરક’ (અગ્નિવેશતંત્ર), ‘સુશ્રુત’, ‘અષ્ટાંગહૃદય’, ‘ભાવપ્રકાશ’, ‘યોગરત્નાકર’, ‘હારિતસંહિતા’ અને ‘કાશ્યપસંહિતા’ જેવા પ્રાચીન સંહિતાગ્રંથોમાં કૌમારભૃત્યતંત્ર પ્રત્યેકની થોડીક વિશેષતાઓ સાથે લગભગ સમાન રીતે નિરૂપાયું છે. ‘કૌમારભૃત્યતંત્ર’માં પ્રાય: સગર્ભાવસ્થાની પૂર્વભૂમિકા, ગર્ભની સ્થિતિ, ગર્ભનો વિકાસક્રમ, ગર્ભસ્થ બાળકના શરીરમાં રચાતાં મુખ્ય અને ગૌણ અંગોની વિગત, સગર્ભા સ્ત્રીને થતા સામાન્ય અને ખાસ રોગો અને તેમની સારવાર, સગર્ભાના આહારવિહાર, પ્રસૂતિ પૂર્વેની તૈયારીઓ, મૂઢ ગર્ભના પ્રકારો અને તેની ચિકિત્સા, પ્રસૂતિ પૂર્વેનું અને તે પછીનું દાયણનું કર્તવ્ય, પ્રસૂતાને થતા રોગો અને તેમની સારવાર, પ્રસૂતાના આહારવિહાર, બાળકનો ઉછેર, બાળકને થતા રોગો અને તેમની સારવાર, બાળકોને વળગતા અઢાર પ્રકારના ગ્રહ-ભૂતોની બાધાઓ(ઉપદ્રવો)નું વિગતવાર વર્ણન અને તેના ઉપાયો, બાળરોગીની પરેજી, શરીરરચનાવિજ્ઞાન, સંતાનોત્પત્તિનું જ્ઞાન, પુંસવન (મનવાંછિત પુત્ર કે પુત્રી થાય તે અંગેનો) સંસ્કાર, ઉત્તમ અને ગોરું સંતાન પ્રાપ્ત કરવાના ઉપાય, ગર્ભસ્થાપનવિધિ જેવા અનેક વિષયોનું વૈજ્ઞાનિક નિરૂપણ છે. ‘કાશ્યપસંહિતા’ સિવાયના અન્ય સંહિતાગ્રન્થોમાં અષ્ટાંગચિકિત્સાના એક અંગ તરીકે બાલચિકિત્સાવિજ્ઞાન અપાયું છે.

‘કાશ્યપસંહિતા’ ખંડિત અને અપૂર્ણ રૂપે ઉપલબ્ધ થઈ છે. માત્ર આ એક જ ગ્રન્થમાં કૌમારભૃત્ય વિષયનું પ્રધાનપણે નિરૂપણ છે. તેના ‘સૂત્રસ્થાન’માં લેહ(બાલ-ચાટણ), ધાવણઉત્પત્તિ, દાંતઉત્પત્તિ, કર્ણવેધનવિધિ, બાલરોગોમાં થતી વેદના(પીડા)નાં લક્ષણો અને તેમની સારવાર, બાળકનાં અંગોની શુભાશુભતાનાં લક્ષણો, બાળમાનસના પ્રકારો, ઉત્તમ ધાત્રી (ધાવ) આદિ વિશેનાં નિરૂપણો છે. ‘શરીરસ્થાન’ વિભાગમાં ગર્ભની વૃદ્ધિનો ક્રમ, પ્રત્યેક માસે સગર્ભા સ્ત્રીમાં થતાં પરિવર્તનોનાં લક્ષણો, ગર્ભસ્થ બાળકનાં માતા અને પિતાને મળતાં આવે એવાં અંગો, શરીરરચનાવિજ્ઞાન, ઋતુકાલ, ગર્ભાધાનવિધિ, સગર્ભા માટેના હિતકર આહારવિહાર, પ્રસવકાળનાં લક્ષણો, શીઘ્રપ્રસવકર્તા યોગો, પ્રસવસમયનું કર્તવ્ય – એ વિષયોનું નિરૂપણ છે. ‘ચિકિત્સાસ્થાન’માં ગર્ભિણી અને પ્રસૂતાના રોગો, બાળકોને સામાન્યત: થતા રોગો અને તેમની ચિકિત્સા તથા ધાત્રીરોગચિકિત્સાનું નિરૂપણ છે. ‘કલ્પસ્થાન’ના ‘ધૂપકલ્પાધ્યાય’માં બાલરોગોમાં લાભપ્રદ વિવિધ ધૂપોનું નિરૂપણ છે. ‘રેવતીકલ્પાધ્યાય’માં ગર્ભનો નાશ કરનારી સ્ત્રીઓ વિશેનું નિરૂપણ છે. ‘ભોજનકલ્પાધ્યાય’માં ભોજનમાં આવતા પદાર્થો અંગેનું માર્ગદર્શન છે. ‘ખિલસ્થાન’ના અન્તવર્તી ચિકિત્સાધ્યાયમાં સગર્ભાના રોગો તથા તેના આહારવિહાર વિશેનું નિરૂપણ છે. ‘સૂતિકોપક્રમણીય’ અધ્યાયમાં પ્રસૂતાની સારવાર તથા સૂતિકાજ્વરની સારવાર, જાતકર્મોત્તર અધ્યાયમાં બાળકને કરાતા વિવિધ સંસ્કારો તથા કેટલાક બાલરોગોનું નિરૂપણ છે.

કાશ્યપસંહિતામાં બીજા પણ અનેક શારીર-માનસ રોગોની સારવારનું નિરૂપણ છે. આમ આ સંહિતામાં બાલચિકિત્સાવિજ્ઞાન જ પ્રધાનપણે નિરૂપાયું છે, એ આ સંહિતાની ખાસ વિશેષતા છે. કૌમારભૃત્યતંત્ર ઉપર સર્વપ્રથમ વધુ વિશદતા, વિસ્તાર અને વ્યવસ્થિત રીતે લખનાર મુખ્ય આચાર્ય જીવક ગણાય છે. જીવક મગધનરેશ બિમ્બિસાર અને ભગવાન બુદ્ધના સમકાલીન હતા. ઈ. પૂ. છઠ્ઠી શતાબ્દી તેમનો સમય છે. તે મહર્ષિ કાશ્યપના શિષ્ય હતા.

મહર્ષિ આત્રેયના શિષ્ય હારિતે રચેલી ‘હારિતસંહિતા’માં પણ અષ્ટાંગઆયુર્વેદના એક અંગ તરીકે બાલચિકિત્સા નિરૂપાઈ છે. હારિતની વ્યાખ્યા અનુસાર ‘‘ગર્ભના ઉપક્રમનું જ્ઞાન, પ્રસૂતાના રોગો અને તેમના ઉપચાર તથા બાળકોના રોગોની સારવારના વિજ્ઞાનને ‘બાલચિકિત્સા’ કહે છે.’’ હારિતે તેમની સંહિતામાં ઉપરના સર્વ વિષયોની વિશદ ચર્ચા કરી છે. છેલ્લે છઠ્ઠા સ્થાનમાં તેમણે સ્ત્રીના માસિક ધર્મ, ગર્ભની ઉત્પત્તિ, બાળકના ગુણ અને આકારનાં કારણ, વ્યક્તિની પ્રકૃતિ, નપુંસકની ઉત્પત્તિ, શરીરનાં અંગ-ઉપાંગોની રચના આદિનું નિરૂપણ કર્યું છે.

મહર્ષિ અગ્નિવેશના શિષ્ય આચાર્ય ચરકે રચેલી ‘ચરકસંહિતા’ એ આયુર્વેદનો મહત્વનો ગ્રન્થ છે. તેના શરીરસ્થાન વિભાગમાંના ‘અતુલ્ય ગોત્રીય-શારીર અધ્યાય’(2)માં ગર્ભનાં કારણ, રજ અને વીર્ય, વિલંબે સંતાન થવાનાં કારણો, ગર્ભ રહ્યા પછી લીન થઈ જવો, પુત્ર કે પુત્રી થવાનાં કારણો, જોડકાં બાળકો થવાનાં કારણો, એકસાથે બે કે વધારે સંતાનો થવાનાં કારણો, સ્ત્રી અને પુરુષ એમ દ્વિલિંગી બાળક થવાનું કારણ, નપુંસક ગર્ભનાં કારણો અને પ્રકારો, ગર્ભધારણ થયાનાં લક્ષણો, સુંદર કે વિકૃત સંતાન થવાનાં કારણો તથા રોગ ન થાય તે માટેના પ્રતિકારક ઉપાયોનું નિરૂપણ છે. ‘ખુડ્ડકીય ગર્ભાવક્રાન્તિ-શારીર’ નામે અધ્યાયમાં સ્ત્રીના શરીરમાં ગર્ભ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ગર્ભની ઉત્પત્તિમાં ભાગ લેતાં માતપિતાનાં તત્વો અને ભાવો, આત્મા (ચેતનાંશ) શું છે ? એ વિશેનું નિરૂપણ છે. ‘મહતી ગર્ભાવક્રાન્તિ-શારીર’ અધ્યાયમાં ગર્ભની વ્યાખ્યા, તેનાં કારણો અને ઘટકતત્વો, દરેક માસે ગર્ભના વિકાસ અનુસાર થતું તેનું સ્વરૂપ, સ્ત્રી-પુરુષ તથા નપુંસક ભાવો, દોહદનું સ્વરૂપ અને તેનું મહત્વ, ગર્ભને હાનિકર્તા ભાવો, પ્રસવકાળ પૂર્વે પ્રસવ થવાનાં કારણો, ગર્ભવિકૃતિનાં કારણો, વંધ્યત્વનાં કારણો, શરીર અને મનના પ્રકારો, ગર્ભના શુભ તથા અશુભ ભાવો વિશેનું સરસ વિવેચન છે. તે પછીના ‘શારીર વિષય’ અધ્યાયમાં શરીરની વ્યાખ્યા, શરીરનાં ઘટક ધાતુઓ અને ભાવો, ગર્ભાશયમાં ગર્ભનું સ્વરૂપ, પ્રસવની પ્રકૃતિ અને વિકૃતિ, ગર્ભવૃદ્ધિકારક આહાર અને ઉપચાર, ગર્ભનું જીવન માતા પર નિર્ભર હોવાની બાબત, દેવ-દેવીના પ્રકોપથી ગર્ભમાં થતા વિકાર તથા કાલ-અકાલ-મૃત્યુ અંગેનું વિવેચન છે. સાતમા ‘શરીર સંખ્યા’ અધ્યાયમાં માનવશરીરની રચનામાં આવતાં અંગો, ઇન્દ્રિયો, શિરાઓ, નાડીઓ, અસ્થિ, હૃદય વગેરેની સંખ્યા અને વિગત આપેલી છે. આઠમા ‘જાતિસૂત્રીય’ અધ્યાયમાં શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ, પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ, મૈથુનવિધિ અને નિયમ, સરસ ગોરું સંતાન કે કાળું બળવાન સંતાન પ્રાપ્ત કરવાના ઉપાય, પુંસવન (મનવાંછિત સ્ત્રી કે પુરુષસંતાન) પ્રાપ્ત કરવાના ઉપાય, ગર્ભ સ્થાપનાર ઔષધો, ગર્ભનાશક ભાવો, સગર્ભાવસ્થામાં થતા વિવિધ ઉપદ્રવો અને તેમની સારવાર, સુકાઈ ગયેલા કે મરી ગયેલા ગર્ભનાં લક્ષણો અને તેની ચિકિત્સા, સૂતિકાગારની તૈયારી, પ્રસવકાળનાં લક્ષણો, પ્રસૂતિ સમયનું કર્તવ્ય, પ્રસવ પછીનું કર્તવ્ય, નવજાત બાળક અંગેનાં કર્તવ્યો, નાલચ્છેદન, જાતકર્મ આદિ સંસ્કારો, બાલ-રક્ષા-વિધિ, સુવાવડીના આહારવિહાર, બાળકની ધાવ અને ધાવણની પરીક્ષા, બાલગૃહકુમારપરિચર્યા તથા બાલરોગોની ચિકિત્સાનું વિવેચન છે.

આચાર્ય સુશ્રુતની ‘સુશ્રુતસંહિતા’ના શારીરસ્થાનમાં પણ ચરક જેવી જ વિગતો આપી છે. ઉપરાંત રજ અને વીર્યની શુદ્ધિ-અશુદ્ધિ, ગર્ભસ્થાપન પછી વૈદ્યનું કર્તવ્ય, ગર્ભના વર્ણ(રંગ)નાં કારણો, નપુંસકનાં લક્ષણો તથા પાપજન્ય ગર્ભનું વિવેચન છે. તેના ત્રીજા અધ્યાયમાં સગર્ભાના દોહદની પૂર્તિ, પ્રસવકાળની મર્યાદા, ગર્ભપોષણ-ક્રમ, આઠમા માસે જન્મેલ બાળકના ન જીવવાનું કારણ તથા માતાપિતાથી ઉત્પન્ન થતા ગર્ભનાં લક્ષણોનું વિવેચન છે. તેના શારીરસ્થાનના અધ્યાયો 4, 5, 6, 7, 8 અને 9માં શરીરરચનાવિજ્ઞાનનું સરસ વર્ણન કર્યું છે, જે તે સમયના કોઈ પણ ચિકિત્સાગ્રન્થમાં જોવા ન મળે. આ વર્ણન આધુનિક શરીરરચનાવિજ્ઞાનને મળતું છે. દસમા અધ્યાયમાં સગર્ભાના આહારવિહાર, નવમા માસે પ્રસૂતિગૃહપ્રવેશ, પ્રસવનાં સ્પષ્ટ લક્ષણો, પ્રસૂતિસમયનું કર્તવ્ય, બાળજન્મ પછી બાળકને કરવાના ઉપચારો, પ્રસૂતાની સારવાર, પ્રસૂતાને થતા રોગોની સારવાર, બાળકના ઉપચારો અને વિવિધ સંસ્કારો, ધાત્રીનાં લક્ષણો, ધાવણની શુદ્ધિ-અશુદ્ધિ, બાળરોગ-પરીક્ષા અને તેમની સારવાર, બાળઉછેર, બાળકોને નડતા ગ્રહો અને તેમના ઉપાય, ગર્ભાધાનયોગ્ય સ્ત્રી-પુરુષ, સગર્ભાના ઉપદ્રવોની સારવાર, તથા સગર્ભાને ઉત્તમ સંતાન થાય તે સારુ પ્રત્યેક માસે અપાતી દવાઓ વિશે સરસ માર્ગદર્શન આપીને બાલચિકિત્સાવિજ્ઞાન પૂરું કર્યું છે.

ચરક, સુશ્રુત પછી થઈ ગયેલા આચાર્ય વાગ્ભટના ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના શારીરસ્થાન વિભાગના અધ્યાય 1થી 4 તથા ઉત્તરસ્થાનના અધ્યાય 1થી 3માં આચાર્યે કૌમારભૃત્યતંત્ર આપેલું છે, જેમાં ચરક-સુશ્રુતની જેમ કૌમારભૃત્યના બધા વિષયોનું નિરૂપણ કર્યું છે. તેમાં વિશેષે મૂઢ-ગર્ભસ્રાવ અને રક્તગુલ્મ અને તેમના ઉપચારો વિશે નિરૂપણ કર્યું છે. ત્રીજા અને ચોથા અધ્યાયોમાં તેમણે માનવશરીરરચનાવિજ્ઞાનનું વિશદ વિવેચન કર્યું છે. આ અધ્યાયોમાં સાત પ્રકારની ત્વચાઓ, સાત પ્રકારના આશયો, કોષ્ઠનાં અંગો, સ્નાયુઓ, માંસપેશીઓ, શિરાઓ, ધમનીઓ, વિવિધ સ્રોતો (માર્ગો), ગ્રહણી તથા શરીર અને મન વિશે વિશદ વિવેચન કર્યું છે. તદુપરાંત તેમાં શરીરક્રિયાવિજ્ઞાન અર્થાત્ આહારની પાચનક્રિયા, શરીરમાંની વિવિધ ધાતુઓની ઉત્પત્તિ, વિવિધ પ્રકારની દેહ-પ્રકૃતિઓ વગેરેનું નિરૂપણ કરેલું છે. ચોથા અધ્યાયમાં શરીરમાંનાં મહત્વનાં મર્મસ્થાનોનું વિશદ વિવેચન કર્યું છે. તે પછી ઉત્તરસ્થાનમાં પ્રથમ અધ્યાયમાં વાગ્ભટે બાળજન્મ પછી કરવાનાં કાર્યો અને જાતસંસ્કારો, બાળઉછેર અને પાલન, બાળકોને થતા રોગોના ઉપચારો તથા વાચાશુદ્ધિ આદિ વિશે માર્ગદર્શક વિવેચન કર્યું છે. બીજા અધ્યાયમાં બાળકોનું વર્ગીકરણ, બાળરોગનાં કારણો, દૂષિત ધાવણનાં લક્ષણો, બાળરોગોનું નિદાન કરવાની ચાવીઓ, દૂષિત ધાવણને શુદ્ધ કરવાના ઉપાયો, બાળકને દાંત આવે ત્યારે થતા રોગો અને તેમની સારવાર તથા બાળકને થતા અન્ય સામાન્ય અને ગંભીર રોગોનું નિરૂપણ અને ઉપચારોનું નિદર્શન છે. ત્રીજા અધ્યાયમાં ખાસ બાળકોને જ વળગતા અનેક પ્રકારના ગ્રહો અને ભૂતોની બાધાઓને ઓળખવાનાં ચિહનો, તેના ઉપાયો વગેરેનું વર્ણન છે, જે આયુર્વેદ સિવાયના અન્ય ચિકિત્સાવિજ્ઞાનની કોઈ પણ શાખામાં જોવા મળતું નથી.

‘યોગરત્નાકર’ ગ્રન્થના ઉત્તરાર્ધ ખંડમાં યોનિરોગ ચિકિત્સાઅધ્યાયમાં વંધ્યત્વ-રોગ-ચિકિત્સા, ગર્ભધારક અને પુત્ર કે પુત્રી જ ઉત્પન્ન કરે એવા પ્રયોગો, ગર્ભનિવારણના પ્રયોગો તથા યોનિરોગની સારવાર વિશે વિવેચન છે. સ્ત્રી-ગર્ભ-રોગ-નિદાન અધ્યાયમાં ગર્ભસ્રાવ અને ગર્ભપાતના ઉપાયો, મૂઢગર્ભના પ્રકારો અને ઉપાયો, મૃતગર્ભનાં લક્ષણો અને કારણો, વિકૃત ગર્ભનાં લક્ષણો અને કારણો તથા ગર્ભના પ્રકારો વિશે વિવેચન છે. તે પછીના સ્ત્રી-ગર્ભ-રોગચિકિત્સા અધ્યાયમાં ગર્ભસ્રાવ તથા ગર્ભપાતની સારવાર, ગર્ભપાતના ઉપદ્રવોની ચિકિત્સા, સગર્ભાના ઉપદ્રવોની સારવાર, સુખ-પ્રસવના ઉપાયો, મૂઢગર્ભચિકિત્સા તથા પ્રસૂતાના રોગોની સારવાર તથા ઉપયોગી ઔષધો વિશેનું વિશદ વિવેચન મળે છે. તે પછીના ક્ષીર-દોષ-ચિકિત્સા અધ્યાયમાં માતાના ધાવણની દૂષિતતાના પ્રકારો અને તેમના ઉપાયો, ધાવણ વધારવાના ઉપાયો, સગર્ભાનાં અપથ્યો, પ્રસૂતાનાં પથ્યાપથ્ય અને યોનિરોગોની પરેજી વિશે વિવેચન છે. પછીના બાળરોગનિદાન પ્રકરણમાં બાળકોને થતા શારીરિક રોગો તથા ગ્રહોના વળગાડનાં લક્ષણો તથા ઉપચારો અને પથ્યાપથ્યનું સરસ વિવેચન છે.

તેરમા શતકમાં થઈ ગયેલા પંડિત ભાવમિશ્રે તેમના ભાવપ્રકાશના પૂર્વખંડના ગર્ભપ્રકરણમાં ઋતુસ્નાતા હ્ાીનું કર્તવ્ય, પતિનું કર્તવ્ય, ગર્ભોત્પત્તિ અર્થેનો મૈથુનવિધિ, ગર્ભની ઉત્પત્તિનો પ્રકાર અને એ પ્રકારના કૌમારભૃત્ય અંગેના અન્ય વિષયોનું નિરૂપણ છે.

રોગનિદાન માટેનો મહત્વનો આયુર્વેદિક ગ્રન્થ ‘માધવનિદાન’ છે. આ ગ્રંથમાં પણ મૂઢગર્ભનિદાન, ગર્ભપાત(કસુવાવડ)નાં કારણો, મૂઢગર્ભના પ્રકારો અને તેમનાં લક્ષણો, મૃતગર્ભનાં કારણો અને લક્ષણો, સૂતિકારોગનિદાન, સ્તનરોગનિદાન, ધાવણવિકાર-નિદાન તથા બાળરોગનું નિદાન ઘણું વ્યવસ્થિત રીતે આપેલું છે.

તમામ આયુર્વેદિક ગ્રન્થોમાં કૌમારભૃત્ય વિશેની હકીકતોમાં સિદ્ધાંતોની એકવાક્યતા, ચોક્કસ વિકસિત પદ્ધતિનું અનુસરણ અને શાસ્ત્રપૂત વિશદતા જોવા મળે છે. આ કૌમારભૃત્ય તંત્ર એ ગર્ભવિજ્ઞાન, પ્રસૂતિવિજ્ઞાન, બાળઉછેરવિજ્ઞાન તથા બાળરોગચિકિત્સાવિજ્ઞાનનું સુવિકસિત અને સમન્વયાત્મક સ્વરૂપ છે.

 બળદેવપ્રસાદ પનારા