કૌંડિન્યપુર (પ્રદેશ) : ગુજરાતમાં મૈત્રકકાલ દરમિયાન સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલો વહીવટી વિભાગ. તેનું વહીવટી મથક કૌંડિન્યપુર એ આજનું કુતિયાણા (જિ. જૂનાગઢ) હોવાનું મનાય છે. આ વિષયને ‘પટ્ટ’ નામના પેટાવિભાગોમાં વહેંચવામાં આવ્યો હતો. મૈત્રક મહારાજા ધીરસેન બીજાએ દેવદત્ત નામના બ્રાહ્મણને પંચમહાયજ્ઞની ક્રિયાઓના નિભાવ માટે આ વિષયમાં કૌંડિન્યપુરની ઉત્તરે આવેલું ભટ્ટકપદ્ર (આજનું ભંટિયા – બંટિયા) નામનું ગામ દાનમાં આપ્યું હતું (ઈ. સ. 573).
પ્રવીણચંદ્ર પરીખ