કો–જી–કી : શિન્તો ધર્મનો શાસ્ત્રગ્રંથ. ‘કો-જી-કી’નો અર્થ થાય છે ‘જૂની બાબતોનો ઇતિહાસ’. આ ગ્રંથનું સંપાદન ઈ. સ. 712માં થયું હતું. ‘કો-જી-કી’ની પ્રસ્તાવનામાં ગ્રંથકર્તા લખે છે કે, ‘હું રાજ્યનો પાંચમા વર્ગનો સરદાર છું અને રાજાએ મને જૂના કાળના (જાપાનના) રાજાઓની વંશાવળી અને વચનામૃતો એકઠાં કરી યોગ્ય રીતે ગોઠવવાનું કામ સોંપ્યું છે.’ જાપાનના સમ્રાટના અધિકારી યાસુમારોએ જાપાનના ગામડે ગામડે ફરીને બધી વિગતો એકઠી કરીને ‘કો-જી-કી’ ગ્રંથ તૈયાર કર્યો હતો. આમ ‘કો-જી-કી’માં જાપાનનો પ્રાચીન ઇતિહાસ આલેખાયેલો છે.
પ્રવીણચંદ્ર પરીખ