કોહન વૉલ્ટર

January, 2008

કોહન વૉલ્ટર (Kohn Walter) (જ. 9 માર્ચ 1923, વિયેના, ઑસ્ટ્રિયા) : મૂળ ઑસ્ટ્રિયાના પણ અમેરિકામાં સ્થાયી થયેલા ભૌતિકવિદ અને 1998ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1946માં તેમણે યુનિવર્સિટી ઑવ્ ટૉરેન્ટો (ઑન્ટેરિયો, કૅનેડા)માંથી અનુસ્નાતક પદવી અને 1948માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી હતી. 1948–50 સુધી તેમણે હાર્વર્ડમાં જ અધ્યાપનકાર્ય કર્યું. 1950માં કાર્નેગી-મેલન ઇન્સ્ટિટ્યૂટ(પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા)માં ભૌતિક-શાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. 196079 દરમિયાન તેઓ યુનિવર્સિટી ઑવ કૅલિફૉર્નિયા, સાન ડિયેગો અને 19791991 સુધી યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, સાન્તા બાર્બરા ખાતે પ્રાધ્યાપકપદે રહ્યા. 1991માં તેઓ માનાર્હ (emeritus) પ્રાધ્યાપક બન્યા.

કોહન વૉલ્ટર

કોહનનું સંશોધનકાર્ય અણુના નિર્માણ દરમિયાન પરમાણુઓ વચ્ચેના ઇલેક્ટ્રૉન-આબંધન(electro bonding)ને સમજવા માટે ક્વૉંટમ યાંત્રિકીના ઉપયોગ પરત્વે કેન્દ્રિત થયેલું હતું. વીસમી સદીની શરૂઆતમાં રસાયણવિદોએ અણુઓમાં પરમાણુઓ વચ્ચેના બંધો (bonds) કેવી રીતે વર્તે છે તે વર્ણવવાના પ્રયત્નો કરેલા; પરંતુ આવી ક્વૉંટમ વર્તણૂક સમજાવવા માટેની (ગાણિતિક) ગણતરીઓની જટિલતાને લીધે સંશોધકોનું કાર્ય મર્યાદિત હતું. 1920માં તેનો વિકાસ થયો ત્યારથી ક્વૉંટમ યાંત્રિકી પારમાણ્વિક કણોની એકબીજા સાથેની તેમજ વિકિરણ સાથેની આંતરક્રિયાઓ સમજવા માટે એક શક્તિશાળી સાધન પુરવાર થયું.

1960માં કોહને શોધી કાઢ્યું કે જો પરમાણુમાંના બધા ઇલેક્ટ્રૉનનું અવકાશી (spatial) વિતરણ અથવા ઘનતા જાણી શકાય તો ક્વૉંટમ યાંત્રિકી વડે વર્ણવાતી કોઈ એક પારમાણ્વિક કે આણ્વિક પ્રણાલીની કુલ ઊર્જાની ગણતરી કરી શકાય. આ માટે પ્રણાલીમાંના પ્રત્યેક બિંદુએ આવેલી ફક્ત સરેરાશ ઇલેક્ટ્રૉન-ઘનતા જાણવાની જ જરૂર છે. અન્ય સંશોધકો દ્વારા વિકસાવવામાં આવેલ કોહનના અભિગમ અથવા ઘનતા-વિધેયકી (density-functional) સિદ્ધાંત વડે અણુમાં પરમાણુઓ વચ્ચેના ઇલેક્ટ્રૉન-આબંધનોને સમજવા માટેની જરૂરી ગણતરી ઘણી સરળ બનાવી છે. પદ્ધતિની સરળતાએ ઘણા મોટા અણુઓની ભૌમિતિક સંરચના દોરવાનું તેમજ સંકીર્ણ ઉત્સેચકીય (enzymatic) અને અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ અંગે આગાહી કરવાનું શક્ય બનાવ્યું છે. ઘનતા-વિધેયકી સિદ્ધાંત વિકસાવવા દ્વારા ક્વૉંટમ રસાયણમાંના તેમના પ્રદાન બદલ કોહનને જોહન એ પોપલ સાથે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો.

પ્રહલાદ બે. પટેલ