કોષ્ણવાતાગ્ર

January, 2008

કોષ્ણવાતાગ્ર (warm-airfront) : વાતાવરણના ક્ષોભમંડળ -(troposphere)માંનો કોષ્ણ હવાનો એક વાતાગ્ર. ક્ષોભમંડળમાં કોષ્ણ અને શીતલ વાતસમુચ્ચય(airmass)ના સંસર્ગ વિભાગમાં લગભગ હંમેશાં હવામાનના વિક્ષોભ નજરે પડે છે. સામાન્યત: કોષ્ણ હવા પ્રમાણમાં હલકી હોવાથી શીતલ હવા કરતાં ઉપર ચઢે છે એટલે સંસર્ગ વિસ્તાર (contact zone) ઢળતી સપાટી જેવો હોય છે. આ સપાટી પૃથ્વીતલને જ્યાં મળે છે તેને વાતાગ્ર કહે છે. વાતસમુચ્ચય સમગ્રપણે જે વેગથી સ્થાનાન્તર કરે છે તે સાથે જ તેનું સીમાંકન કરતો વાતાગ્ર પણ પશ્ચિમી પવનોવાળા મધ્યઅક્ષાંશ વિભાગોમાં પૂર્વ તરફ આગળ વધે છે, જેનો લાક્ષણિક વેગ આશરે 40 કિમી./કલાક હોય છે. પાછળના ભાગે (પશ્ચિમ તરફ) રહેલી કોષ્ણ હવાને અગ્રિમ ભાગમાં(પૂર્વ તરફ)ની શીતલ હવાથી અલગ તારવતા વાતાગ્રને કોષ્ણવાતાગ્ર કહે છે; જ્યારે કોષ્ણ હવાની જગ્યાએ શીતલ હવાને લાવતા વાતાગ્રને શીતવાતાગ્ર કહે છે. કોષ્ણ કે શીત પૈકીના જે પ્રકારના વાતસમુચ્ચયનું આગમન થતું હોય છે તે હવાના નામથી વાતાગ્રને ઓળખવાનો રિવાજ છે. કોષ્ણ હવા આનત (inclined) વાતાગ્રપૃષ્ઠ (air-frontal surface) ઉપર ઉપરની તરફ ચઢતી જાય છે તેમ તે ઠરે છે. પરિણામે તેમાં રહેલો ભેજ સંઘનિત થાય છે. આથી કોષ્ણવાતાગ્રની સાથે વિવિધ પ્રકારનાં વાદળો અને વર્ષા પણ દેખા દે છે.

ક્ષોભમંડલના નીચલા સ્તરમાં હલકા દબાણ સાથે સંકળાયેલ તરંગ-પ્રણાલીમાંના ઉષ્મ વિભાગ(sector)ના અગ્રભાગનું પ્રતિનિધિત્વ કોષ્ણવાતાગ્ર કરે છે. તેનો વાતાગ્રવિસ્તાર (air-frontal zone) લગભગ 1/100 જેટલો નિમ્ન ઢોળાવ ધરાવે છે; એટલે પૃથ્વીતલ ઉપર આ કોષ્ણવાતાગ્રના આગમનની જાણ કોષ્ણવાતાગ્રના ઉપલા સ્તર સાથે સંકળાયેલ વાદળપ્રણાલી દ્વારા લગભગ 12 કલાક અગાઉ થાય છે.

કોષ્ણવાતાગ્રની લાક્ષણિકતા દર્શાવતો આડછેદ

ઊંચે ચઢતી કોષ્ણ હવા ધરાવનાર ઊર્ધ્વગામી કોષ્ણવાતાગ્ર સાથે ઘણું કરીને બહુસ્તરીય વાદળો જોવામાં આવે છે. જેમ જેમ પૃથ્વીતલ ઉપર સમતલીય ક્ષેત્રમાં સેંકડો કિલોમીટર સુધી પથરાયેલા વાતાગ્રની નજદીક જઈએ તેમ તેમ વાદળો વધારે ગાઢ થતાં હોય છે અને વધારે નીચે વિસ્તરેલાં દેખાય છે. સૌપ્રથમ આછાં આછાં તંતુવાદળ (cirrus) દેખાય છે, તેની પાછળ ગાઢ તંતુવાદળ અને સ્તરીય તંતુવાદળ (cirrostratus) દેખા દે છે. પછી મધ્યમ સ્તરવાદળ (altostratus) આવે છે, જે સૂર્યને ઢાંકી દે છે અને ઝરમર વર્ષા (drizzle) અથવા ધારદાર વરસાદ પડવા માંડે છે. છેક છેલ્લે વર્ષાસ્તરીય મેઘ(nimbostratus cloud)નો વારો આવે છે, ત્યારે જોરદાર વર્ષા થાય છે.

પૃથ્વીતલ ઉપર કોષ્ણવાતાગ્ર સાથે સંકળાયેલા હવામાનસૂચકો(weather indicators) નીચે પ્રમાણે છે :

પવન-ભ્રંશ રેખાઓ (wind-shift lines), ન્યૂનદાબગર્ત (pressure trough), તાપમાન અને ઝાકળબિંદુ તાપમાન વિચ્યુતિઓ (discontinuities), હવાના દબાણમાં થતા લાક્ષણિક ફેરફાર, ર્દષ્ટિમર્યાદા (visibility limit) વગેરે.

કોઈ સ્થળ ઉપરથી કોષ્ણવાતાગ્ર પસાર થાય ત્યારે પવનોની દિશા ઉલટાઈ જાય છે; તાપમાન વધે છે અને હવાનું દબાણ ઘટતું અટકી જઈ વરસાદ તૂટક તૂટક પડે છે. પછી કોષ્ણ હવા પ્રસરી જતાં વરસાદ થંભી જાય છે અને સ્તરી કપાસી મેઘમાળા(stratocumulus cloud sheet)માંના અંશો વિભાજિત થયેલા જણાય છે.

પ્ર. દી. અંગ્રેજી